યાકૂબી, અલ મસૂદી

January, 2003

યાકૂબી, અલ મસૂદી (જ. ?; અ. હિ. સ. 284, ઈ. સ. 897, ઇજિપ્ત) : આરબ ઇતિહાસકાર અને ભૂગોળવેત્તા. મૂળ નામ અહમદ ઇબ્ને અલી યાકૂબ અલ મિસરી. પિતાનું નામ અબૂ યાકૂબ હતું. તેમના પૂર્વજ વાદીહ સાહિલની આઝાદ વ્યક્તિ હતા, અને તેમણે ખલીફા મન્સૂર પછી પોતાના કુટુંબ માટે અલ અબ્બાસી નામ ધારણ કર્યું હતું.

તેમણે યુવાન વયે ઇજિપ્તમાં વહીવટકર્તા તરીકે કારકિર્દી શરૂ કરેલી. ત્યાં જ તેમનો ઇતિહાસકાર અને ભૂગોળવેત્તા તરીકેનો વિકાસ થયેલો. ઈ. સ. 785માં ઇજિપ્તના અલફખ્ખહના યુદ્ધમાં હાર થતાં તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પછી કેટલાંક વર્ષ આર્મેનિયામાં ખુરાસાન ખાતે તેહરીદીસની સેવામાં પસાર કરેલાં. ત્યાં તેમણે ઈ. સ. 872માં ઇસ્લામી જગતનો ઇતિહાસ લખવાની શરૂઆત કરી. બે ભાગમાં લખાયેલ આ પુસ્તકના પહેલા ભાગની શરૂઆત ઇઝરાયલ(યાકૂબ, જેકબ)ના પિતા ઇસ્હાકના વર્ણનથી કરી. તેમાં હઝરત ઈસા (ઈસુ) અને તેમના સાથીદારોનું, સીરિયાના શાસકોનું, અસિરિયા અને બૅબિલૉનનું, ભારતીયો, ગ્રીકો, રોમનો, ઈરાનીઓ, ઉત્તરના લોકો જેમાં તુર્ક, ચીનાઓ, ઇજિપ્તના લોકો, બર્બર, ઍબિસિનિયનો, નીગ્રો અને ઇસ્લામ પહેલાંના આરબ લોકોનું વર્ણન કરેલું છે.

યાકૂબીના ઇતિહાસનો બીજો ભાગ પહેલા ભાગ કરતાં બમણો છે. એમાં હઝરત મુહમ્મદ પયગંબરના જન્મથી લઈને ઈ. સ. 872 સુધીનો ઇસ્લામી જગતનો ઇતિહાસ આપેલો છે. તેમને જ્યોતિષશાસ્ત્રમાં પણ ખૂબ રસ હતો. બીજું, તેમણે ઇતિહાસમાં જે સાલવારી આપી છે તે સચોટ અને ખરી છે. આમ છતાં તેમણે પોતાના પુસ્તકમાં ભાગ્યે જ સંદર્ભગ્રંથોનો ઉપયોગ કર્યો છે કે ભાગ્યે જ પોતાના સમકાલીન ઇતિહાસકારોના લેખોનું વર્ણન કર્યું છે.

તેહરીદીસના પતન પછી યાકૂબી પાછા ઇજિપ્તમાં સ્થાયી થયા. ત્યાં તેમણે ઈ. સ. 891(હિ. સ. 278)માં પોતાના જગવિખ્યાત પુસ્તક ‘કિતાબુલ બુલદાન’(Book of LandsBook of Countries)ની રચના કરી. સંશોધન અને જાતમાહિતી મેળવીને તેમણે આ પુસ્તક પૂર્ણ કર્યું હતું. તેમની ખાસ અભિરુચિ આંકડાકીય માહિતી અને નકશાઓમાં હતી. તેમણે સ્થળોના અંતરને લગતી અગત્યની માહિતી સંપાદિત કરી છે. ખેતી અને તેની ઊપજ અને તેની ઉપર લેવાતા કરની પણ તેમણે ઝીણવટભરી માહિતી પૂરી પાડી છે. પોતાના આ પ્રસિદ્ધ પુસ્તકમાં તેમણે બગદાદ, સમારા, ઈરાન, તૂરાન, ઉત્તરી અફઘાનિસ્તાન, કૂફા, પશ્ચિમ તથા દક્ષિણ અરબસ્તાન, બસરા, મધ્ય અરબસ્તાન, ભારત, ચીન અને બાયઝેન્ટાઇન સામ્રાજ્યનો ઉલ્લેખ કરેલો છે. આ બધાં સ્થળો વચ્ચેનું અંતર અને તેના મુખ્ય માર્ગોનું વર્ણન પણ સરસ રીતે કરવામાં આવ્યું છે. તે સમયના અબ્બાસી ખિલાફતનાં બે પાટનગરો બગદાદ અને સમારા હતાં, તેનો વિસ્તૃત અહેવાલ આ પુસ્તકમાં આપેલ છે.

‘કિતાબુલ બુલદાન’ પુસ્તકમાં ‘રે’ નામના શહેરની પણ વાત કરી છે, જેનું વર્ણન બાઇબલમાં પણ કરવામાં આવેલું છે. ઈ. પૂ. આઠમી અને સાતમી સદીમાં ‘રે’ સમૃદ્ધ શહેર હતું. તોબીત અને જૂડિથના પુસ્તકમાં પણ ‘રે’નું ‘નિનેવાહ’ અને ‘એકબટાના’ના સમકાલીન શહેર તરીકે વર્ણન છે. અવેસ્તામાં ‘રે’ શહેરનો અષો ઝરથુષ્ટ્રની માતાના વતન તરીકે ઉલ્લેખ છે. પ્રાચીન ઈરાન(પર્શિયા)માં પણ તેનો ઉલ્લેખ થયેલો છે. રોમનો અને ગ્રીકો આ શહેરને મહાન સિકંદર અને તેના અનુગામીઓ સાથે સાંકળે છે. ઈરાનીઓ અને આરબોએ પણ આ શહેરનું મહત્વ સ્વીકાર્યું છે. હારૂન અલ રશીદનો જન્મ આ શહેરમાં ઈ. સ. 763માં થયો હતો તેવો દાવો કરવામાં આવે છે. પંદરમી સદીમાં આ શહેરનો નાશ થયો તે અંગેનો છેલ્લો અહેવાલ ક્લેવીગો નામના સ્પેનના રાજદૂતે આપેલો. તેણે ઈ. સ. 1404માં તૈમૂર લંગના દરબારમાં આ શહેરના સંપૂર્ણ નાશની વાત કરી હતી. આ શહેરમાં આર્મેનિયા, આઝરબૈજાન, ખોરાસાન અને પશ્ચિમના વેપારીઓ સભાઓ ભરતા હતા.

યાકૂબીના પુસ્તક ‘કિતાબુલ બુલદાન’નું પ્રકાશન પહેલી વાર લેડન(Leiden)માંથી ઈ. સ. 1861માં જૂઇનબોલે (Juynboll) કર્યું હતું.

ઝહીરમોહંમદ જાનમોહંમદ શેખ