યદૃચ્છાવાદ : ભારતીય તત્વજ્ઞાનનો એક મત. જગતના કારણની, વિશ્વવૈચિત્ર્યના કારણની ખોજ કરતાં કેટલાક ભારતીય ચિંતકોએ કર્મવાદના સ્થાને અન્ય વાદોની સ્થાપના કરી. ઉપનિષદોમાં, પાલિ પિટકોમાં અને જૈન આગમોમાં આ વાદોના ઉલ્લેખો છે. આ વાદો છે કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, યચ્છાવાદ, ભૂતવાદ અને પુરુષવાદ. શ્વેતાશ્વતરોપનિષદના મંત્રમાં પણ તે ઉલ્લેખાયેલા છે : काल: स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनि: पुरुष इति चिन्त्या : । संयोग एषां न त्वात्मभावादात्माप्यनीशः सुखदुःखहेतोः ।।1.2।।
યદૃચ્છાવાદનું મંતવ્ય છે કે અમુક કારણવિશેષ વિના જ અમુક કાર્યવિશેષની ઉત્પત્તિ થાય છે. કોઈ ઘટના અથવા કાર્યવિશેષને પોતાની ઉત્પત્તિ માટે અમુક નિમિત્ત અથવા કારણવિશેષની આવશ્યકતા નથી. નિમિત્તકારણના અભાવમાં જ કાર્ય ઉત્પન્ન થાય છે. કોઈ પણ ઘટના સકારણ અર્થાત્ અમુક નિશ્ચિત કારણ ઉપસ્થિત થવાથી બનતી નથી; પરંતુ અકારણ અર્થાત્ અકસ્માત્ બને છે. જેમ કાંટાની તીક્ષ્ણતા અનિમિત્ત (કોઈ વિશેષ નિમિત્ત વિના) જ ઉત્પન્ન થાય છે તેમ ભાવોની (વસ્તુઓની) ઉત્પત્તિ હેતુવિશેષના અભાવમાં જ થાય છે. યદૃચ્છાવાદ, અકસ્માત્વાદ, અનિમિત્તવાદ, અકારણવાદ, અહેતુવાદ આદિ એકાર્થક છે.
કર્મ અને ફળનો વિચાર પ્રધાન હતો. કર્મ એ કારણ છે અને ફળ એ કાર્ય છે. સુખ-દુ:ખનું કારણ પૂર્વકૃત સારાં-નરસાં કર્મો છે એવું સામાન્યપણે મનાયું; પરંતુ કેટલાક ચિંતકો કર્મ અને ફળ વચ્ચે કાર્યકારણભાવ સ્વીકારતા ન હતા. કર્મને તેનું કોઈ ફળ નથી. સુખ-દુ:ખાદિને તેનું કોઈ કારણ નથી. સંક્લેશનું કોઈ કારણ નથી, વિશુદ્ધિનું કોઈ કારણ નથી. સુખ, દુ:ખ, સંક્લેશ, વિશુદ્ધિ વિના કારણ અકસ્માત્ થાય છે. દીઘનિકાય 1.53માં કહ્યું છે કે : नत्थि हेतु नत्थि पच्चयो सत्तानं संकिलेसाय…… विसुद्धिया । આમ યદૃચ્છાવાદ સ્વચ્છંદનો પોષક છે. ગમે તે કરો, નૈતિકતા, સ્વસુધારણા આદિ અશક્ય છે.
બૌદ્ધ પરંપરામાં ‘યદૃચ્છાવાદ’ શબ્દને સ્થાને ‘અધિચ્ચસમુપ્પન્નવાદ’ શબ્દ પણ વપરાયો છે. ઉદાનની અકથામાં ધર્મપાલ કહે છે : अधिच्चसमुप्पन्नो वि यदिच्छाय समुप्पन्नो, केन चि कारणेन विना उप्पन्नो वि अधिच्चसमुप्पन्नवादो दस्सितो । तेन अहेतुकवादो पि संगहीतो होति ।
મહાભારત-શાન્તિપર્વ (33.23) અને ન્યાયસૂત્ર (4.1.22)માં પણ યદૃચ્છાવાદનો ઉલ્લેખ મળે છે.
નગીનભાઈ જીવણલાલ શાહ