અબીચંદાની, પરમ એ. (જ. 14 જુલાઈ 1926, ખૈરપુર, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 9 ડિસેમ્બર 2005) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. તેમને તેમની કૃતિ ‘તક તોર’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
તેમણે દર્શનશાસ્ત્રમાં બી.એ. તથા કૉમર્શિયલ આર્ટ અને ઍડ્વર્ટાઇઝિંગનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા હતા. 1945–46માં તેઓ સિંધી દૈનિક ‘હિંદુ સંસાર’ના સાહિત્યિક વિભાગનું સંપાદન કરતા હતા. 1946–47માં અંગ્રેજી દૈનિક ‘સિંધ ઑબ્ઝર્વર’ના સ્ટાફ-રિપોર્ટર તરીકે કરાચીમાં કાર્યરત હતા. કલા અને સાહિત્યના સિંધી માસિક ‘રાબેલ’, નવી દિલ્હી (1964–67), ‘મલાહ’ (1977–78) અને અંગ્રેજી પાક્ષિક ‘દ સિંધુ’(1982–83)ના સંપાદક રહ્યા હતા. 1987–1992 દરમિયાન તેઓ ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇન્ડિયન લિટરેચર’ (‘ઈ.આઇ.એલ.’), 1992–1994ના સંપાદક, 1995–96 ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ સિંધી લિટરેચર’ના સંપાદક રહ્યા હતા. વળી ‘મેડિઈવલ ઇન્ડિયન લિટરેચર’ (સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત) અને એન્સાઇક્લોપીડિયા, 2001, બૅંગાલુરુના તેઓ ભાષા-સંપાદક રહેલા.
તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમની 4 નવલકથાઓ : ‘ઝરણા’, ‘હિકા જરા બા જિભુયુન’, ‘એન બી’ અને ‘કાયાપલટ’; વાર્તાસંગ્રહ ‘ભાવ-અભાવ’, નિબંધ-સંગ્રહ ‘સતુ સારુ’ (4 ગ્રંથ) અને ‘તક તોર’ સાહિત્યિક વિવેચનગ્રંથ છે. વળી તેમાં નારાયણ શ્યામ પરના નિબંધનો સમાવેશ થાય છે. તેમને 1979માં સેન્ટ્રલ હિંદી ડિરેક્ટોરેટ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે સિંધી કૃતિઓ અંગ્રેજીમાં અને અંગ્રેજી કૃતિઓ સિંધીમાં અનૂદિત કરી હતી.
તેમની પુરસ્કૃત કૃતિ ‘તક તોર’ વિવેચનાત્મક નિબંધોનો સંગ્રહ છે, જે લેખકના ઊંડા અને ગંભીર વિશ્લેષણથી સમૃદ્ધ છે. તેમાંની પાંડિત્યપૂર્ણ તથ્યપરકતા અને અદ્વિતીય રચના-દૃષ્ટિને કારણે આ કૃતિ સિંધીમાં લખાયેલ ભારતીય વિવેચનમાં મહત્ત્વનો ઉમેરો કરે છે.
બળદેવભાઈ કનીજિયા