આઝમગઢ : ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો અને તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન 260 04´ ઉ. અ. અને 830 11´ પૂ. રે. વિસ્તાર : 4,214 ચોકિમી. વસ્તી : જિલ્લાની 31,48,830; શહેરની 66,523 (1991). આઝમગઢ જિલ્લો ઉત્તર પ્રદેશના 57 જિલ્લાઓમાં વસ્તીની દૃષ્ટિએ પાંચમા ક્રમે આવે છે. શહેર ઘાઘરા નદીની ઉપનદી ટોન્સના કિનારે વારાણસીની ઉત્તરે આવેલું છે. જિલ્લાની જમીન ફળદ્રૂપ અને સપાટ મેદાનવાળી છે. ઘઉં, ચોખા અને શેરડી મુખ્ય પાકો છે. 1665માં આઝમખાન નામના એક સૂબાએ શહેરની સ્થાપના કરી હતી. ખાંડની મિલો અને હાથવણાટ શહેરના મુખ્ય ઉદ્યોગ છે. જિલ્લાનું માઉ શહેર હાથશાળના વણાટ માટે પ્રખ્યાત છે.
હેમન્તકુમાર શાહ