આઝમ, બાબર (જ. 15 ઑક્ટોબર 1994, લાહોર) : પાકિસ્તાનનો જાણીતો ક્રિકેટર. પિતાનું નામ સિદિક આઝમ. ક્રિકેટના વાતાવરણ વચ્ચે પરવરીશ પામેલ બાબર આઝમને ખૂબ જ નાની વયે લાહોરની ક્રિકેટ એકૅડેમીમાં મૂક્યો હતો. તેના બે પિતરાઈ ભાઈઓ કામરાન અકમલ અને ઉમર અકમલ પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમી ચૂક્યા હતા. પરિણામે ક્રિકેટનું શરૂઆતનું શિક્ષણ તો તેના ભાઈઓ પાસેથી જ મળ્યું હતું.

જમણા હાથે બૅટિંગ કરતા બાબરને સૌપ્રથમ વખત 2008માં 15 વર્ષથી નાની વયના ખેલાડી દ્વારા રમાતા વિશ્વ ચૅમ્પિયનશિપ સ્પર્ધામાં રમવા મળ્યું. ત્યારબાદ 19 વર્ષથી નાની ઉંમરના ખેલાડીઓ દ્વારા રમાતા વિશ્વકપમાં 2010માં ખેલાડી તરીકે અને 2012માં સુકાની  તરીકે રમવા મળ્યું. જોકે અહીં તેની ટીમ ભારત સામે હારી ગયેલ પરંતુ બાબર આઝમ સૌથી વધુ રન કરનાર ખેલાડી બનેલ.

પંજાબી મુસ્લિમ કુટુંબમાં જન્મેલ બાબરને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવાનું પણ પોતાના જ મનપસંદ મેદાન લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ઉપર મળ્યું. 31 મે, 2015ના રોજ શરૂ થયેલ શ્રેણીની અંતિમ વનડે મૅચમાં ચોથા ક્રમે રમતાં તેણે 60 દડામાં 54 રન કરી પોતાની પ્રથમ વન-ડેમાં અડધી સદી ફટકારી. ત્યારબાદ ઑક્ટોબર, 2016માં શારજાહમાં વેસ્ટઇન્ડીઝ સામેની ત્રણ મૅચની શ્રેણીમાં તેણે ત્રણેય મૅચમાં સદી ફટકારી પોતાની પ્રથમ ત્રણ વન-ડે સદી સતત ફટકારનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો. સાથે સાથે બે દેશ વચ્ચે રમાયેલ ત્રણ વન-ડેની શ્રેણીમાં 360 રન કરી સૌથી વધુ રનનો અગાઉનો 2013માં ભારત સામે દક્ષિણ આફ્રિકાના ખેલાડી ડીકોર્કનો 342 રનનો વિક્રમ પણ તેણે પોતાના નામે કર્યો.

વન-ડે ક્રિકેટની ધમાકેદાર શરૂઆત બાદ ટેસ્ટ ક્રિકેટનાં દ્વાર પણ તેના માટે ખુલી ગયાં. 13 ઑક્ટોબર, 2016ના રોજ દુબઈમાં વેસ્ટઇન્ડીઝ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ચોથા ક્રમે રમવા આવી તેણે શાનદાર અડધી સદી (69 રન) કરી. આમ તેણે ટેસ્ટ અને વન-ડે બંનેમાં પોતાની પ્રથમ મૅચમાં અડધી સદી કરવાની સિદ્ધિ મેળવી.

પાકિસ્તાનના જ ખેલાડી શાહિદ આફ્રિદીને પોતાનો આદર્શ માનતા બાબર આઝમે વન-ડે ક્રિકેટમાં અનેક વિક્રમ પોતાના નામે કર્યા છે. 2000થી વધુ વન-ડે રન કરનાર ખેલાડીમાં તેની સરેરાશ 59.23 રનની છે જે શ્રેષ્ઠ છે. વન-ડેમાં બે વખત સતત ત્રણ સદી કરનાર પણ તે વિશ્વનો એક માત્ર ખેલાડી છે. તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત નવ અડધી સદી કરનાર પણ તે વિશ્વનો એક માત્ર ખેલાડી છે. વન-ડેમાં પોતાની 83 ઇનિંગ્સમાં 15 સદી કરનાર પણ તે એક માત્ર ખેલાડી છે. અગાઉનો વિક્રમ દક્ષિણ આફ્રિકાના ખેલાડી હશિમ અમલાનો હતો જેણે આ સિદ્ધિ 86 દાવમાં મેળવેલ.

ટેસ્ટ અને વન-ડેની જેમ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પણ આઝમનું બૅટ આક્રમક બની રન વર્ષા કરે છે. 2018માં ન્યૂઝીલૅન્ડના પ્રવાસની ત્રણ મૅચમાં તેણે અનુક્રમે 41, અણનમ 50 અને 18 રન કરી શ્રેણી 2 વિ. 1થી જીતી લીધી પરિણામે તે ટી-ટ્વેન્ટીનો રેટિંગમાં નંબર વન ખેલાડી બન્યો. 13 વર્ષ પછી પાકિસ્તાનના પ્રવાસે આવેલ વેસ્ટઇન્ડીઝની ટીમ સામે પણ તેણે ત્રણ મૅચમાં 82.5ની સરેરાશ તથા 148.64ના સ્ટ્રાઇક રેટથી 165 રન કર્યા જેમાં બીજી મૅચમાં તેણે અણનમ 97 રન કરી મૅન ઑફ ધ મૅચનો ખિતાબ મેળવ્યો ઉપરાંત સમગ્ર શ્રેણીમાં તેના શ્રેષ્ઠ દેખાવ બદલ તેણે મૅન ઑફ ધ સિરિઝનો ખિતાબ મેળવ્યો. 14મી એપ્રિલ, 2021ના રોજ દક્ષિણ આફ્રિકા સામે સેન્ચ્યૂરીયન સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-ટ્વેન્ટીમાં પોતાની પ્રથમ ટી-ટ્વેન્ટી સદી નોંધાવી સાથે સાથે મહંમદ રીઝવાન સાથે 197 રનની ભાગીદારી પણ નોંધાવી જે પાકિસ્તાન તરફથી ટી-ટ્વેન્ટીમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ ભાગીદારી છે.

ટી-ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીયમાં સદી સાથે તે ક્રિકેટ ઇતિહાસના માત્ર થોડાક એવા ખેલાડીઓમાં સામેલ થઈ ગયો જેણે ક્રિકેટના ત્રણેય ક્ષેત્રમાં સદી નોંધાવી હોય. તેના ટી ટ્વેન્ટીના દેખાવના કારણે તે આમાં સૌથી વધુ સમય સુધી રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ટકાવી શક્યો. સાથે સાથે વન-ડેમાં પણ તે નંબર વન ખેલાડી છે. જ્યારે ટેસ્ટમાં રેન્કિંગમાં ચોથા ક્રમે છે.

માત્ર 27 વર્ષની વયના અને  પાંચ ફૂટ 11 ઇંચ ઊંચાઈ ધરાવતા બાબર આઝમ હાલમાં પાકિસ્તાન ટીમના ટેસ્ટ અને વન-ડેમાં સુકાની પદ સંભાળી રહ્યો છે અને વન-ડેમાં વિરાટ કોહલીના વિક્રમો માટે ખતરો બની રહેલ છે.

જગદીશ શાહ