આચાર્ય, શાન્તનુકુમાર (જ. 15 મે 1933, મોમિનપુર કોલકાત્તા) : ઓરિસાના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘ચલન્તિ ઠાકુર’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેમણે કટકની રાવેનશૉ કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે એમ. એસસી.ની પદવી મેળવી (1956). ત્યારબાદ કૉલેજ અધ્યાપક, સીનિયર વહીવટી અધિકારી અને આચાર્ય તરીકે કામગીરી કરી. 1992માં તેઓ ઉત્કલ યુનિવર્સિટીના કુલસચિવ-પદેથી સેવા-નિવૃત્ત થયા.
તેમની પ્રથમ વાર્તા ‘મન મર્મર’ ડૉ. હરેકૃષ્ણ મહેતાબના સામયિક ‘ઝંકાર’માં 35 વર્ષ પહેલાં પ્રગટ થયેલી. ત્યારબાદ તેમના 1૦ વાર્તા-સંગ્રહો; 8 નવલકથાઓ; 8 બાલ-પુસ્તકો અને 1 અનુવાદનું પુસ્તક આજ સુધીમાં પ્રગટ થયાં છે. તેમની રચનાઓ ભારતીય ભાષાઓ ઉપરાંત રશિયન વગેરે ભાષાઓમાં અનૂદિત થઈ છે. તેમની નવલકથાઓ ‘નરકિન્નર’, ‘શતાબ્દીર નચિકેતા’, ‘માત્રિનકા શરે’ વગેરે અને ‘સર્પયાન’ તથા ‘આદ્ય સકલ’ જેવા વાર્તાસંગ્રહો ઓરિસાના વાચકોમાં અત્યંત પ્રિય છે.
તેમની સાહિત્યસેવા જોતાં તેમને વિષુવ પુસ્કાર (1961), ઓરિસા સાહિત્ય અકાદમી પુરસ્કાર (197૦), સારલા પુરસ્કાર (1987), વિષુવ ઝંકાર પુરસ્કાર (1987) ઉપરાંત ઉત્કલમણિ સન્માન (1992) જેવાં અનેક માન-સન્માન આપવામાં આવ્યાં છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ચલન્તિ ઠાકુર’ તેમની જૂની વાર્તાઓનો નવો વાર્તાસંગ્રહ છે. તે માનવીય સ્થિતિઓના મૌલિક તેમજ વિશ્વસનીય અવલોકનનું સર્વોત્તમ ઉદાહરણ છે. માનવીની વિટંબણાની ઊંડી સમજ, દુર્લભ મનોવૈજ્ઞાનિક અંતદૃષ્ટિ, નાટકીયતાની અનુભૂતિ, પાત્રોની પ્રામાણિક ગૂંથણી અને દયા તથા પ્રેમના માર્મિક નિરૂપણને લીધે ઊડિયામાં રચાયેલ તેમની આ વાર્તાઓનું ભારતીય વાર્તાસાહિત્યમાં ઉલ્લેખનીય પ્રદાન છે.
બળદેવભાઈ કનોજિયા