આચાર્ય, શાંતિદેવ

February, 2001

આચાર્ય, શાંતિદેવ (જ. 650 લગભગ, સુરઠ, સૌરાષ્ટ્ર) : ગુજરાતના વિશ્વવિખ્યાત બૌદ્ધ આચાર્ય. તે રાજકુમાર હતા. તેઓ શ્રી હર્ષના પુત્ર શીલના સમકાલીન હોવાના ઉલ્લેખો મળે છે. તેમના પિતાનાં ભિન્ન ભિન્ન નામો મળે છે : શીલ, કલ્યાણવર્મા, મંજુવર્મા આદિ. સમકાલીન રાજા ધરસેન શ્રી હર્ષનો દૌહિત્ર હતો; પણ શ્રી હર્ષ અપુત્ર હોવાથી તેને પુત્રતુલ્ય ગણતો. તેનો નિર્દેશ હોઈ શકે. તે રાજપુત્ર હતા. બૌદ્ધદેવી તારાની પ્રેરણાથી અથવા માતાના આદેશથી તેમણે સિંહાસનનો ત્યાગ કર્યો અને ભિક્ષુપદ માટે સંઘમાં જોડાયા. તે ભિક્ષુ મંજુવજ્રને મળ્યા. તેમની પાસે 12 વર્ષ સુધી અધ્યયન કરીને ‘શાંતિનાથ ભિખ્ખુ’ નામ ધારણ કર્યું. તે પછી મગધની પ્રખ્યાત નાલંદા વિદ્યાપીઠમાં લાંબો સમય રહી અધ્યયન, સંશોધન અને અધ્યાપનકાર્યો કર્યાં. તેમની પ્રખર વિદ્વત્તાને કારણે તેમને મહાયાન સંપ્રદાયના દીપંકર, નાગાર્જુન, અશ્વઘોષ આદિ પ્રખર વિદ્વાનોની હરોળમાં મૂકવામાં આવે છે. બૌદ્ધ લામા તારાનાથે તિબેટીમાં બૌદ્ધ ધર્મનો ઇતિહાસ લખ્યો, તેમાં આચાર્ય શાંતિદેવની વિદ્વત્તાની પ્રશંસા કરી છે. શાંતિદેવની ત્રણ પ્રમુખ રચનાઓ ‘શિક્ષાસમુચ્ચય’, ‘બોધિચર્યાવતાર’ તથા ‘સૂત્રસમુચ્ચય’ જાણીતી થઈ. ‘શિક્ષાસમુચ્ચય’ 27 ટૂકોની લાંબી કવિતા છે. તેમાં બોધિસત્વની શિક્ષા તથા તેમના બોધની સમજણ આપેલી છે. તિબેટી ભાષામાં તેના ત્રણ અનુવાદ થયા છે. ‘બોધિચર્યાવતાર’માં બૌદ્ધ થવા માટેનો શિક્ષામાર્ગ તે અન્ય જીવોની સેવાનો માર્ગ છે, એ સરળ રીતે સ્ફુટ કર્યું છે. બૌદ્ધ સાહિત્યમાં આ ત્રણ રચનાઓનું મૂલ્ય ઊંચું અંકાય છે, શાંતિદેવે તીર્થાટન પણ કરેલું.

બંસીધર શુક્લ