આચાર્ય, વાસુ (જ.  11 જાન્યુઆરી 1944, બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાનના જાણીતા દ્વિભાષી કવિ. તેમને તેમના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ ‘સીર રો ઘર’ માટે 1999ના વર્ષ માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

તેઓ એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ હાલ બિકાનેરના રાજકીય માધ્યમિક વિદ્યાલયમાં મુખ્ય અધ્યાપક તરીકે કામગીરી કરે છે. તેઓ પત્રકારત્વ, પ્રૌઢ શિક્ષણ અને આધ્યાત્મિક ચિંતન ક્ષેત્રે પણ સક્રિય છે.

તેમના 3 કાવ્યસંગ્રહોમાંથી 2 રાજસ્થાનીમાં અને 1 હિંદીમાં છે. રાજસ્થાનીમાં ‘સરનાતો’ અને ‘સીર રો ઘર’ અને હિંદીમાં ‘અપને સૂરજ પર વિશ્વાસ’ નામના કાવ્યસંગ્રહો છે.

‘સીર રો ઘર’ માટે તેમને રાજસ્થાની અકાદમી, બિકાનેરનો ગણેશીલાલ વ્યાસ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. તેમની પુરસ્કૃત કૃતિ ‘સીર રો ઘર’માંનો મુખ્ય સૂર પ્રેમ, અંતર્વૈયક્તિક સંબંધો તથા અનિવાર્ય સામાજિક પરિવર્તનો છે. લુપ્ત થતી માનવીય ઉષ્મા વિશે તેઓ અજંપો વ્યક્ત કરે છે. તેમાં કવિ સરળ સંરચનામાં અકળ વેદના પ્રગટ કરવામાં સફળ રહ્યા હોવાથી તે કૃતિ ભારતીય કાવ્યમાં ઊંચું સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનોજિયા