ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ટ્રૉપિકલ એગ્રિકલ્ચર
January, 2002
ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ટ્રૉપિકલ એગ્રિકલ્ચર (CIAT) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશનના સહિયારા પ્રયત્નોથી પાલમીરા, કોલંબિયામાં સ્થાપવામાં આવેલ ઉષ્ણકટિબંધની ખેતી માટેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર. સીઆટે કસાવા (Cassava tropica) અને કઠોળ(beans)ની સુધારણા માટેની પ્રાથમિક જવાબદારી સ્વીકારી છે. કસાવા આફ્રિકા, લૅટિન અમેરિકા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં મોટા પ્રમાણમાં વવાય છે. તેના મૂળ ખોરાક તરીકે સાબુદાણા બનાવીને વપરાય છે. આ સંસ્થા મકાઈ અને ચોખાની સુધારણા અનુક્રમે CIMMYT અને ઇન્ટરનૅશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(IRRI)ના સહયોગથી કરે છે. તે ઉપરાંત ઘાસચારાની જાળવણી માટે કૃષિપદ્ધતિનું સંશોધનકાર્ય પણ તે કરે છે. આ સંસ્થા લૅટિન અમેરિકાના કૃષિવિષયક પ્રશ્નોના ઉકેલને અગ્રતા આપે છે. સીઆટ પાસે કઠોળની 10,000 કરતાં પણ વધુ જાતોની નોંધણી છે. તે કઠોળ વર્ગના તથા ઘાસચારાના પાકોનો ઝડપી નોંધરૂપે કરેલો સંગ્રહ ધરાવે છે.
નટવરલાલ પુ. મહેતા
મગનભાઈ ઉ. કુકડિયા