ઇન્ટરપૉલ : વિશ્વના જુદા જુદા સભ્ય દેશોના પરસ્પર સહકાર દ્વારા રચવામાં આવેલ પોલીસ-સંગઠન. તેનું આખું નામ ‘ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઑર્ગનાઇઝેશન’ છે. આવું સંગઠન સ્થાપવાનો વિચાર પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પહેલાં આવેલો, પરંતુ તેની વિધિસર સ્થાપના 1923માં કરવામાં આવી હતી. સ્થાપના-સમયે તેની સભ્ય સંખ્યા માત્ર વીસ હતી, પરંતુ હવે તે વધીને 140 જેટલી થઈ છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 1923-38 દરમિયાન તેનું મુખ્યાલય વિયેના ખાતે હતું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી જ્યારે તેની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં આવેલી ત્યારે તેનું મુખ્યાલય પૅરિસ ખાતે ખસેડવામાં આવ્યું.

આ સંગઠનનું મુખ્ય ધ્યેય સભ્ય દેશો વચ્ચે પરસ્પર સહકારનું સંવર્ધન કરી વૈશ્વિક સ્તરે ગુનેગારીને અટકાવવાનું તથા તેને ડામવાનું છે. જે ગુનેગારો એક કરતાં વધુ દેશોમાં ગુનેગારી કરતા હોય અથવા જેમના ગુનાઓની અસર એક કરતાં વધુ દેશો પર પડતી હોય અથવા જે ગુનેગારો એક દેશમાંથી બીજા દેશમાં નાસભાગ કરતા હોય તેવા ગુનેગારોની પ્રવૃત્તિઓ અટકાવવા અથવા ડામવા તે જે તે દેશ પોતાના મુખ્યાલયમાં ગુનેગારો વિશે જે માહિતી ઉપલબ્ધ હોય તે માહિતીની સભ્ય દેશો વચ્ચે આપ-લે કરે છે. દરેક સભ્ય દેશ પોતાના દેશમાં એક ‘માહિતી વિનિમય કેન્દ્ર’ (Clearing House) સ્થાપે છે, જે નૅશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB) નામથી ઓળખાય છે અને જે ઇન્ટરપૉલ સાથે સતત સંપર્કમાં રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનેગારીમાં સંડોવાયેલા અથવા શકમંદ હોય તેવા સંભવિત ગુનેગારોની વિગતવાર માહિતી તેમના ફોટા, તેમની આંગળીઓનાં નિશાન વગેરે સાથે ઇન્ટરપૉલના મધ્યસ્થ કાર્યાલયમાં એકત્રિત કરવામાં આવે છે. તેમાં દાણચોરી, બનાવટી ચલણ અને સિક્કાઓ, માદક પદાર્થો, શસ્ત્રોની ગેરકાયદેસર હેરફેર વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પોતાની પાસેની માહિતીનું પ્રસારણ કરવા માટે ઇન્ટરપૉલ પચાસ જેટલા રેડિયો સ્ટેશનોનો માધ્યમ તરીકે ઉપયોગ કરે છે.

ઇન્ટરપૉલ સભ્ય દેશે પોતાની પાસે માગેલી માહિતી જે તે દેશના કાયદાઓની મર્યાદામાં હોય તો જ તે પૂરી પાડે છે.

સભ્ય દેશની લશ્કરી, રાજકીય, સામાજિક કે ધાર્મિક બાબતો ઇન્ટરપૉલના કાર્યક્ષેત્રમાં આવતી નથી.

ભારતે કેટલાક ગુનાઇત કૃત્યો કરીને દેશની બહાર નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે ઇન્ટરપૉલની મદદ લીધી છે જેમાં મુંબઈના અંધારી આલમના ખૂંખાર ગુનેગાર આબુ સાલેમ તથા બોફૉર્સ કૌભાંડમાં સંડોવાયેલા કાક્રોચીનો પણ સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે