આઇડિયા ઑવ્ અ યુનિવર્સિટી, ધી (1852) : અંગ્રેજી ચિંતનગ્રંથ. ‘ઑક્સફર્ડ મૂવમેન્ટ’ના મુખ્ય સ્થાપક અને કાર્યકર કાર્ડિનલ જૉન હેન્રી ન્યૂમનનો આ નિબંધ આકર્ષક નિરૂપણરીતિને કારણે સાહિત્યક્ષેત્રે જાણીતો બન્યો છે. ધાર્મિક અને નૈતિક ઉપરાંત બૌદ્ધિક સંસ્કૃતિ કેવી રીતે અને શા માટે સ્પૃહણીય છે તેની સવિસ્તર ચર્ચા એમાં થયેલી છે. ન્યુમન કહે છે કે એક એવું પણ જ્ઞાન છે, જે જેવું છે તેવું જ જાણવા જેવું છે. તે શું કરે છે તે મહત્વનું નથી. ન્યુમનના મતે સાચી કેળવણી સૌજન્ય પ્રગટાવે છે અને બૌદ્ધિક વિકાસની તક પૂરી પાડે છે. સાચું જ્ઞાન ઋજુતા તથા સમભાવ પ્રગટાવે છે. યુનિવર્સિટીનું પણ આ જ ધ્યેય છે. પરંતુ એ કહે છે કે આ બધાંની પવિત્રતા માટે કોઈ ખાતરી નથી. યુનિવર્સિટીનો ધર્મ કંઈક શીખવવાનો છે, સંશોધનનો નહિ; એણે મનને કેળવવાનું છે, ઉપયોગી માહિતીનું વિતરણ કરવાનું નથી એમ ન્યુમનનું પ્રતિપાદન છે. ધાર્મિક કેળવણી અને ટ્યૂટૉરિયલ પદ્ધતિનો એ પુરસ્કર્તા હતો.
વિ. પ્ર. ત્રિવેદી