આઇટુક (ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ, AITUC)

February, 2001

આઇટુક (ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ, AITUC) : ડાબેરી વિચારસરણી ધરાવતા કામદારોનું અખિલ ભારતીય મંડળ. તે વેતન કમાનારાઓનું મંડળ છે. કામની શરતો અને પરિસ્થિતિને સુધારવા માટે તે રચાયેલું છે. કામદાર સંઘ ન હોય તો કામદારોને માલિકોની દયા પર જીવવું પડે અને તેઓ તેમનું શોષણ કરે. કામદાર સંગઠનનો ઉદ્દેશ ઉદ્યોગ પરનો છેવટનો કાબૂ કામદારોનો રહે તે હોય છે. માલિકો પાસેથી વધારે વેતન અને કામની વધુ સારી પરિસ્થિતિ પ્રાપ્ત કરવા માટે પોતાનાં સંગઠનો દ્વારા માલિકો પર કામદારો દબાણ કરે છે. કાર્લ માર્ક્સના મતે સતત સંઘર્ષ કામદાર સંગઠનનું કર્તવ્ય છે. કામદાર પ્રવૃત્તિ કેવું સ્વરૂપ ધારણ કરે છે તેનો આધાર ત્રણ પરિબળો પર છે : (1) મૂડીવાદને અવરોધવાની અને વિરોધવાની તેની શક્તિ, (2) બુદ્ધિજીવીઓના માનસનું કામદાર પ્રવૃત્તિ પરનું પ્રભુત્વ, (3) કામદાર મંડળની પરિપક્વતાની કક્ષા.

ભારતમાં કામદાર સંઘ પ્રવૃત્તિ : જૂના જમાનામાં ભારતમાં, કામદાર મંડળો શ્રેણી સ્વરૂપનાં (guilds) હતાં. 1885માં જે જાતની કામદાર પ્રવૃત્તિ હતી તે અતિશય મવાળ અને સાવચેતીથી ચાલનારી હતી. કામદાર સંગઠનોના નેતા સામાજિક કાર્યકરો હતા. પ્રથમ વિશ્વયુદ્ધ(1914-1918)ને અંતે 1918માં મદ્રાસમાં બી. પી. વાડિયાના કામદાર સંઘના અને અમદાવાદમાં મજૂર મહાજન સંઘના પુરોગામી સંઘનો કામદાર સંઘ પ્રવૃત્તિ તરીકે ઉદભવ થયો. 1920માં અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ(AITUC)ની સ્થાપના થઈ. તેના હેતુઓ નીચે પ્રમાણે હતા : 1. કામદાર મંડળોની પ્રવૃત્તિઓનું સંકલન કરવું; 2. કામદારો ઉપર વધારે કાબૂ મેળવવો; 3. આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠનમાં પ્રતિનિધિત્વ મેળવવું; 4. ભારતનાં કારખાનાંઓમાં કામ કરતા શ્રમિકોની કામની શરતો સુધારવી.

1926થી સામ્યવાદીઓએ કામદાર પ્રવૃત્તિને પોતાના નેજા નીચે લાવીને તેની પર સંપૂર્ણ પકડ જમાવવાના પ્રયત્નો શરૂ કર્યા. 1928થી 1929 સુધીમાં તેમણે કામદાર પ્રવૃત્તિ પર અને મજૂર સંગઠનો પર સારા પ્રમાણમાં કાબૂ જમાવી દીધો હતો. આઇટુક પર પણ સામ્યવાદીઓને સંપૂર્ણ કાબૂ મેળવવો હતો, પરંતુ આઇટુકમાં માત્ર સંઘર્ષ નહિ, પરંતુ રચનાત્મક પ્રવૃત્તિ કરતા નેતાઓ પણ હતા. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના કાર્યકરો પણ તેની સાથે સંકળાયેલા હતા. વી. વી. ગિરિ, એન. એમ. જોશી, જવાહરલાલ નહેરુ વગેરેનો પણ આઇટુક સાથે નાતો હતો. નાગપુર ખાતે મળેલા 1929ના આઇટુકના અધિવેશનમાં શાહી શ્રમ કમિશનનો બહિષ્કાર કરવો, મૉસ્કો ખાતેના આંતરરાષ્ટ્રીય શ્રમ મંડળ સાથે સંકલન કરવું વગેરે મુદ્દાઓ પર આઇટુકમાં ભાગલા પડ્યા. 1931માં આઇટુકમાં ફરી ભાગલા પડ્યા. 1938માં નાગપુરમાં ફરી પાછું, આઇટુકમાંથી છૂટાં પડેલાં ત્રણે મંડળો વચ્ચે સમાધાન થયું. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) પરત્વે આઇટુકમાં જુદા જુદા અભિગમો હતા. આઇટુકમાંના રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતાઓ વિશ્વયુદ્ધ દરમિયાન જેલમાં હતા. એટલે આઇટુક લગભગ પૂરેપૂરી રીતે સામ્યવાદીઓના હાથમાં હતું. વિશ્વયુદ્ધ બાદ, જેલમાંથી છૂટેલા રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતાઓએ, કામદાર પ્રવૃત્તિની અને આઇટુકની નીતિઓ, પદ્ધતિઓ, રીતરસમો બદલવાનો તથા તેમને પરિવર્તિત કરવાનો અભિગમ અપનાવી જોયો. 1946માં તેમણે હિંદુસ્તાન મજૂદર સેવક સંઘની સ્થાપના પણ કરી. આઇટુકને બદલવાનો પ્રયાસ નિષ્ફળ જતાં 1947માં તેમણે ‘ઇન્ટુક’(Indian National Trade Union Congress)ની સ્થાપના કરી. 1948માં સમાજવાદીઓ પણ આઇટુકમાંથી નીકળી ગયા અને તેમણે હિંદ મઝદૂર સભાની સ્થાપના કરી. ભારતીય કામદાર પ્રવૃત્તિ સામે એવો આક્ષેપ થાય છે કે તે મુખ્યત્વે રાજકીય છે અને પ્રમુખ કામદાર સંઘો રાજકીય પક્ષોના આંગળિયાત છે. દાખલા તરીકે (રાજકારણના મધ્યબિંદુના પરિપ્રેક્ષ્યમાં) ભારતીય સામ્યવાદી પક્ષમાં ભાગલા પડ્યા તેને પરિણામે આઇટુકમાં પણ ભાગલા પડ્યા અને સી.આઇ.ટી.યુ. નામનો નવો દેશવ્યાપી વધુ ડાબેરી કામદાર સમવાય સંઘ ઊભો થયો.

1980-1981ની ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ની વાર્ષિકીમાં આઇટુકની સભ્યસંખ્યા 25 લાખ 21 હજારની દર્શાવી છે, સિટુ (સી.આઇ.ટી.યુ.)ની 15 લાખની. પરંતુ રાષ્ટ્રીય સ્તરના કામદાર સંઘો જે પ્રમાણે પોતાની સભ્યસંખ્યા દર્શાવે છે તેટલી તેમની સભ્યસંખ્યા ખરેખર હોતી નથી. આઇટુકનો દાવો 10 લાખ 64 હજારની સભ્યસંખ્યાનો હતો તેની સામે સરકારે તેને અંગે સ્વીકારેલો આંકડો 3 લાખ 44 હજારનો હતો. કેન્દ્રીય કામદાર સંગઠનોની કુલ સભ્યસંખ્યા 61 લાખમાંથી આઇટુકની સભ્યસંખ્યા 5.8% હતી. કામદારોના વિકાસ ઉપરાંત તેમના જીવનનાં અન્ય પાસાંઓમાં તેમની પ્રગતિ થવી જોઈએ, તેવા નીતિવિષયક તત્વજ્ઞાનને તો આઇટુક સ્વીકારતું જ નથી. તેનું નીતિવિષયક તત્ત્વજ્ઞાન કાર્લ માર્ક્સની નીતિ અનુસાર કેવળ રાજકીય સંઘર્ષ છે. પરિણામે હેતુઓ અને ઉદ્દેશોને ફળીભૂત કરવાના સંદર્ભમાં, કામદાર સંઘ તરીકે તેનું મૂલ્યાંકન દુષ્કર છે. હડતાળો, બંધો, સંઘર્ષો અને ઝઘડાઓ સિવાય કામદારોના વિવિધ રીતના ઉત્કર્ષના તેનું પ્રદાન લગભગ નહિવત્ છે.

પરેશ મજમુદાર