આઇઝોએસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક મોટું કુળ. તે ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં વિસ્તરેલું છે. આ કુળમાં 100થી વધારે પ્રજાતિઓ અને 600 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. Messembryanthemum, Cryptophytum, Glinus, Mollugo, Trianthema, Zaleya, Sesuvium અને Corbichnia આ કુળની જાણીતી પ્રજાતિઓ છે. પેસિફિકનો પ્રદેશ, મિસૂરી, વૅસ્ટઇંડિઝ, ફ્લૉરિડા, કૅલિફૉર્નિયા અને પૂર્વ ઍશિયામાં તેની ઘણી જાતિઓ જોવા મળે છે. S. portulacastrum કાદવ-કીચડવાળી ભૂમિમાં નળકાંઠા વિસ્તારમાં સુલભ છે. S. Sesuvoides (Fenzi) Verdcourt સૌરાષ્ટ્ર કિનારે પથરાયેલી છે. Trianthema અને Mullugo પણ ભેજવાળી જમીન પર મળી આવે છે. સાટોડો (વિષખાપરો) (Trianthema portulacastrum L.) કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ વગેરે સ્થળોએ ખાડા સુકાતાં ફાટેલી જમીનમાં ઊગી નીકળે છે. Zaleya ભરૂચમાંથી મળી આવ્યાનું નોંધાયેલું છે. આ કુળને કેટલીક વાર ફિકોઇડી (જ્યુસ, 1789), મિઝેમ્બ્રીએસી (લિન્ડલે, 1836) અને ટેટ્રાગોનિયેસી (રીચેન્બેચ, 1827) તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે આઇઝોએસી (બ્રૉન, 1864) નામ સંરક્ષિત કરવામાં આવ્યું છે.
આ કુળની વનસ્પતિઓ એકવર્ષાયુ અથવા બહુવર્ષાયુ શાકીય કે નાના ક્ષુપસ્વરૂપે જોવા મળે છે. પર્ણો સાદાં, એકાંતરિક કે વધારે સામાન્યપણે સમ્મુખ કે આભાસી ભ્રમિરૂપ (whorled) માંસલ, જાડાં કે નાનાં શષ્કી, ઉપપર્ણીય કે અનુપપર્ણીય હોય છે. Acthephyllumમાં પીંછાકાર સંયુક્ત પર્ણો જોવા મળે છે. પુષ્પો એકાકી (solitary), કક્ષીય દ્વિશાખિત (dichasial) કે અગ્રીય એકશાખી (monochasial) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પો ત્રિજ્યાસમમિત (actinomorphic), દ્વિલિંગી અને અધોજાય (hypogynous) કે ઉપરિજાય (epigynous) હોય છે. પરિદલપુંજ 5-8, યુક્ત કે મુક્ત વ્રજપત્રોનો બનેલો અને એકચક્રીય હોય છે. તે બીજાશય સાથે અભિલાગ (adhesion) પામેલ કે બીજાશયથી મુક્ત હોય છે. દલપુંજ હોતો નથી. દલપુંજ જેવી દેખાતી રચનાઓ દલાભ (petaloid) વંધ્ય પુંકેસરો છે. જોકે સત્ય દલપત્રોથી આવાં પુંકેસરોને સ્પષ્ટપણે જુદાં પાડી શકાતાં નથી. પુંકેસરચક્ર મૂળભૂત રીતે પાંચ પુંકેસરોનું બનેલું હોય છે; પરંતુ વિપાટનને કારણે તેઓ અસંખ્ય બને છે. સૌથી બહારનાં પુંકેસરો વંધ્ય અને દલાભ હોય છે. તંતુઓ મુક્ત અથવા તલપ્રદેશોથી સમૂહોમાં જોડાયેલા અથવા એકગુચ્છી (monoadelphous) હોય છે. પરાગાશયો નાનાં અને દ્વિખંડી હોય છે. તેમનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. સ્ત્રીકેસરચક્ર 3-5 યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે અને ઊર્ધ્વસ્થ કે અધ:સ્થ બીજાશય ધરાવે છે. તે 1-5 કોટરીય (કેટલીક વાર 20 કોટરીય) હોય છે. મુખ્યત્વે અક્ષવર્તી (axile) કે (કેટલીક વાર ચર્મવર્તી (parital), કે તલસ્થ (basal) જરાપર સામાન્યત: ઘણાં અંડકો (ભાગ્યે જ એક) ગોઠવાયેલાં હોય છે. તે અધોમુખ (anatropous) કે વક્રમુખ (campylotropous) હોય છે. પરાગવાહિની એક અથવા કેટલીક વાર તેનો અભાવ હોય છે. પરાગાસન 220, અને અરીય (radiating) હોય છે. ફળ સરળ, શુષ્ક, સ્ફોટનશીલ અને વિવરીય (loculicidal) પ્રાવર (capsule) પ્રકારનું હોય છે. કેટલાકમાં પટવિદારક (septicidal) કે અનુપ્રસ્થ (transuerse) પ્રાવર અથવા ચર્મિલ, ધીમું સ્ફોટનશીલ કે અનિષ્ઠિલ જેવું હોય છે. બીજમાં ભ્રૂણ મોટો અને ભ્રૂણપોષયુક્ત હોય છે.
પુષ્પીય સૂત્ર :
બીજાશયનું સ્થાન, જરાયુવિન્યાસનો પ્રકાર અને અંડકના લક્ષણને આધારે આ કુળનું ઉપકુળો અને જનજાતિઓ(tribes)માં વર્ગીકરણ થાય છે. જ્યૉર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકરે તેનું વર્ગીકરણ મુક્તદલાની કેલીસીફ્લૉરી શ્રેણીમાં કરેલું છે. બક્ષબોમ (1944) તેને અને કૅકટેસીને સેન્ટ્રોસ્પર્મીમાં મૂકે છે. હેલિયરના મંતવ્ય મુજબ ફાઇટોલેકેસીના પૂર્વજ સમૂહમાંથી તેનો ઉદભવ થયો છે. Glinus, Mollugo અને Gisekia પ્રજાતિઓને હવે અલગ કુળ મોલુજીનેસીમાં મૂકવામાં આવે છે.
આ કુળનાં સભ્યો મોટે ભાગે શોભન વનસ્પતિઓ તરીકે ઉપયોગી છે. લગભગ 80 જેટલી પ્રજાતિઓની જાતિઓ નવીન ચીજ (novelty) તરીકે ઉગાડવામાં આવે છે. Tetragonia expensa(ન્યૂઝીલૅન્ડ સ્પિ’નિજ્)ને મર્યાદિત પ્રમાણમાં ભાજી અને કચુંબર માટે વાવવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર વિષખાપરા(સાટોડો)નાં મૂળ આદુના, સૂંઠના ચૂર્ણ સાથે જૂની કબજિયાત દૂર કરવા વપરાય છે. ખૂબ પેશાબ લાવી કમળો મટાડે છે.
કૅક્ટેસી, લિથ્રેસી અને બિગોનિયેસી તેની નિકટનાં સંબંધિત કુળો છે.
બળદેવભાઈ પટેલ
સરોજા કોલાપ્પન