અંબેર : રાજસ્થાન રાજ્યમાંની પ્રાચીન ઐતિહાસિક નગરી. ‘ગુલાબી નગર’ની ઉપમા પામેલ જયપુરથી 8 કિમી. પૂર્વમાં આ અતિપ્રાચીન અને જૂનું રાજધાનીનું શહેર આવેલું છે.
ભગવાન શિવના નામ ‘અંબિકેશ્વર’ અથવા ‘અંબરીષ’ ઉપરથી આ શહેરનું નામ આમેર કે અંબેર પડેલું હશે તેમ માનવામાં આવે છે. ઈ.સ. બારમી સદીની મધ્યમાં કછવાહા રાજપૂતોએ આ શહેર જીતી લઈ ત્યાં રાજધાની સ્થાપેલી. ઈ. સ. 1728માં સવાઈ જયસિંહે (બીજાએ) જયપુર શહેર વસાવી, રાજધાની ત્યાં ખસેડતાં આ શહેરની જાહોજલાલી નષ્ટ થઈ.
આમેરનો કિલ્લો રાજપૂત યુગના વાસ્તુશિલ્પનો અજોડ નમૂનો છે. ભાઓટા ઝીલ ઉપર લાલ રંગની પહાડી ઉપર આ કિલ્લો બાંધવામાં આવેલો છે. તળેટીમાં આવેલા સરોવર અને કેસરવાડી પછી લાંબા દાદર ચઢવા પડે છે. અહીંના રાજમહેલનું પ્રવેશદ્વાર ‘સિંહપોલ’ નામે ઓળખાય છે. આ પ્રવેશદ્વારની બાજુમાં જ રાજપૂત રાજાઓની કુલદેવી ‘શીલામાતા’નું સુંદર મંદિર આવેલું છે, જેમાં ઇટાલીના આરસપહાણ વપરાયા છે. ત્યાંથી આગળ જતાં દીવાને આમનો વિશાળ મંડપ આવે છે. ગણેશ પોલ અંબેર મહેલનું ખરું પ્રવેશદ્વાર છે. અંદર જતાં દીવાને ખાસ (જયમંદિર) શીશમહેલનું સંગેમરમરકામ અને કાચકામ ખાસ જોવાલાયક છે. સુહાગ મંદિર અને ભવન સુખનિવાસમાં હાથીદાંત અને ચંદનકાષ્ઠ પરની કોતરણી અદ્વિતીય છે. આમેર કિલ્લાની તળેટીમાં ભગ્ન નગર-અવશેષો સાથે ભક્ત-શિરોમણિ મીરાંનું મંદિર ખાસ જોવાલાયક છે.
મહેશ મ. ત્રિવેદી