અંધશ્રદ્ધા : તર્કસંગત ન હોય તેવી, વિચાર અને વર્તનમાં પ્રગટ થતી માન્યતા. આધિદૈવિક અદૃશ્ય બળો, જાદુ, મેલી વિદ્યા, શુકન-અપશુકન, બૂરી નજર, ભૂત વગેરે વિશેની શ્રદ્ધા. અંધશ્રદ્ધાને ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત એમ ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય.
(1) દરેક ધાર્મિક વ્યવસ્થા અંધશ્રદ્ધાને વધારવાનું વલણ ધરાવે છે. દા.ત., એક ખ્રિસ્તી એવું માનતો હોય કે તેના પોતાના મુસીબતના સમયમાં બાઇબલનું તે કોઈ પણ પાનું ઉઘાડે અને તેની પહેલી નજરે જે શબ્દો પડે તે તેને માર્ગદર્શન આપશે. વળી કોઈ એક ધર્મના વ્યવહારો એથી ભિન્ન ધર્મવાળાને અંધશ્રદ્ધાથી ભરેલા લાગતા હોય છે.
(2) સાંસ્કૃતિક પ્રણાલીમાં અંધશ્રદ્ધા વિવિધ પ્રકારે પ્રવર્તે છે. ઘણી વાર તે ધાર્મિક અંધશ્રદ્ધાથી અલગ ન પાડી શકાય તેવી હોય છે. લગભગ તમામ યુગોમાં બધા જ માણસો ઓછેવત્તે અંશે ગંભીરતાથી અનિષ્ટના નિવારણ, ઇષ્ટના આગમન, ભવિષ્યકથન, સારવાર કે માંદગી અથવા અકસ્માત અટકાવવા સંબંધી વિવિધ પદ્ધતિઓમાં બિનતાર્કિક શ્રદ્ધા ધરાવતા નજરે પડે છે. તાવીજની તાકાત કે બૂરી નજર લાગવા જેવી અંધશ્રદ્ધા ઇતિહાસના લગભગ તમામ કાળમાં અને વિશ્વના લગભગ તમામ ભાગોમાં જોવા મળે છે. અમુક અંધશ્રદ્ધા કોઈ એક દેશ, પ્રદેશ, ગ્રામ, કુટુંબ કે કોઈ સામાજિક અથવા ધંધાકીય જૂથ પૂરતી મર્યાદિત હોય છે.
(3) અંતે તો વ્યક્તિ પોતે વ્યક્તિગત અંધશ્રદ્ધા ઊભી કરે છે. એક વ્યક્તિ કોઈ તારીખને, વારને, સમયને, સ્થળને, વસ્તુને, રંગને, વ્યક્તિ કે પ્રક્રિયાને શુકનવંતી કે અપશુકનિયાળ માને છે. વિદ્યાર્થી અમુક જ કલમથી પરીક્ષામાં પ્રશ્નપત્ર લખે, વ્યક્તિ અમુક જ સમયે ઘરની બહાર નીકળે, કોઈ એક આંકડાને શુકનિયાળ માનીને વ્યક્તિ પોતાની જિંદગીમાં તેનો ઉપયોગ કર્યા કરે કે તે મુજબ વ્યવહારો ગોઠવે – આ બધાં અંધશ્રદ્ધાનાં બાહ્ય સ્વરૂપો છે.
અંધશ્રદ્ધા માનવજાતિના ઇતિહાસમાં પ્રગાઢ અસર ઉપજાવનારી રહી છે. આજનાં વૈજ્ઞાનિક તથ્યો ને તર્કશુદ્ધ પુરાવાઓના કહેવાતા જમાનામાં પણ બહુ ઓછા લોકો એવા હશે જે ખાનગી કે જાહેર રીતે એકાદ-બે બાબતોમાં પણ અંધશ્રદ્ધા ધરાવતા ન હોય.
હેમન્તકુમાર શાહ