અંદાઝ (1949) : હિન્દી ફિલ્મ-ઉદ્યોગને માટે પથપ્રદર્શક ફિલ્મ. નિર્માતા : મહેબૂબ પ્રોડક્શન. કથા, દિગ્દર્શન : મહેબૂબ. મુખ્ય કલાકારો : મહેબૂબ, દિલીપકુમાર, રાજ કપૂર, નરગિસ.

આ કથામાં નિરૂપેલ પ્રણયત્રિકોણમાં પશ્ચિમની સંસ્કૃતિનું ભારતીય સંસ્કૃતિ પર જે આક્રમણ થઈ રહ્યું છે, અને તેથી ભારતીય સંસ્કૃતિનો હ્રાસ થતો જાય છે, તે દર્શાવ્યું છે. નાયિકાને જ્યારે જેલની સજા થાય છે ત્યારે એ એના પતિને કહે છે કે મારાં સંતાનોને પશ્ચિમી ઢબે બિલકુલ ઉછેરતા નહિ. આમાં નાયિકા અને નાયક વચ્ચેનો જે દૃષ્ટિભેદ છે, જે સંઘર્ષ છે, તે પશ્ચિમની સંસ્કૃતિના અંધ અનુકરણના અનિષ્ટથી ઉત્પન્ન થાય છે.

‘અંદાઝ’થી ચમકદમકવાળી, ઊંચી ટૅકનિકવાળી અને સંગીતમય ફિલ્મનો નવો યુગ શરૂ થયો. પશ્ચિમી સંસ્કૃતિનો પાસ આપણને કેવો લાગ્યો હતો તે દર્શાવવાને ટેબલ ટેનિસ, પિયાનો, પશ્ચિમી વેશભૂષા, રહેણીકરણી એ બધાંનો પ્રચુર ઉપયોગ થયો, જે પછીની ફિલ્મોમાં સામાન્ય બની ગયું છે. પાર્શ્વગાયક મુકેશને પણ આ ફિલ્મે જ કીર્તિ અપાવી, અને તેની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત થઈ. દિલીપકુમાર અને રાજ કપૂર પણ આ ફિલ્મથી જ ઝળક્યા.

કેતન મહેતા