અંજારિયા, હિંમતલાલ ગણેશજી

January, 2001

અંજારિયા, હિંમતલાલ ગણેશજી (જ. 2 ઑક્ટોબર 1877, રાજકોટ; અ. 26 જૂન 1972) : સાહિત્યશિક્ષણ માટેનાં કેટલાંક પુસ્તકોના સંપાદક. વડોદરાથી બી.એ. થઈ 1899માં ગોંડલ રાજ્યના કેળવણીખાતામાં જોડાયા. 1905માં એમ.એ. થયા પછી 1932 સુધી મુંબઈ નગરપાલિકાની શાળા સમિતિમાં મદદનીશ અને મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. નિવૃત્તિ પૂર્વેના એક દાયકા દરમિયાન પાછળથી કર્વે અને એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી તરીકે જાણીતી થયેલી મહિલા કૉલેજની સ્થાપનામાં સક્રિય રહ્યા હતા.

ઊગતી પેઢીના સાહિત્યરસને ઉત્તેજે તેવાં ગુજરાતી ગદ્યપદ્ય કૃતિઓનાં સંપાદનો એમણે આપેલાં છે. એમાંનાં ‘દેશભક્તિનાં કાવ્યો’ (1903); ‘કાવ્યમાધુર્ય’ (1903); ‘કવિતાપ્રવેશ’ (1908); ગુજરાતી નાટકોનાં ગીતોને પણ સમાવતો ગીતોનો સંચય ‘સંગીતમંજરી’ (1909); બાળકાવ્યોનો સંચય ‘મધુબિંદુ’ (1915); ‘પદ્યપ્રવેશ’ (192૦); ‘ગદ્યપ્રવેશ 12’ (1931-32); ‘પદ્યસંગ્રહ’ (1932); ‘કાવ્યસૌરભ’ (1949) આદિ સંપાદનોએ શાળાકૉલેજના અભ્યાસક્રમમાં પૂરક વાચનસામગ્રીની ગરજ સારેલી. એ સૌમાં પાલગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ની પદ્ધતિએ ઓગણીસમી-વીસમી સદીના સંધિકાળની ગુજરાતી કવિતાનું સંપાદન ‘કાવ્યમાધુર્ય’ સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર છે. ‘સાહિત્ય-પ્રારંભિકા’ ગુજરાતી સાહિત્યનો સ્વાતંત્ર્યપ્રાપ્તિ પૂર્વેનો અછડતો પરિચય કરાવે છે.

હિંમતલાલ ગણેશજી અંજારિયા

આ ઉપરાંત એમણે કાલિદાસના ‘વિક્રમોર્વશીય’ નાટકનો અનુવાદ (1906) પણ કર્યો છે અને ઇતિહાસ, ભૂગોળ, સ્ત્રીશિક્ષણ તથા બાળઉછેર જેવા વિષયો પર પુસ્તિકાઓ પણ લખી છે.

રમણ સોની