અંજારિયા, ભૃગુરાય દુર્લભજી

January, 2001

અંજારિયા, ભૃગુરાય દુર્લભજી (જ. 6 ઑક્ટોબર 1913, રાજકોટ; અ. 7 જુલાઈ 198૦, મુંબઈ) : સાહિત્યસંશોધક, વિવેચક. જ્ઞાતિએ નાગર. માતા ચંચળબહેન. પિતા જામનગરમાં શિક્ષક. પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતાપિતાના અવસાનને કારણે પછીનું મૅટ્રિક સુધીનું શિક્ષણ રાજકોટમાં. બી.એ. 1935માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી, અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે. એ જ વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ મુંબઈમાં કર્યો, પણ પરીક્ષા અધૂરી છોડી. પીએચ.ડી. માટે કવિ કાન્ત વિશે ઊંડો અભ્યાસ કર્યો, પરંતુ એ કામ પણ અધૂરું મુકાયું. તબિયતને કારણે થોડાં વર્ષ જેતપુરમાં રહ્યા અને રાષ્ટ્રસેવાનાં કાર્યો કર્યાં તથા થોડાં વર્ષ પીએચ.ડી.ના અભ્યાસ માટે અમદાવાદ રહ્યા, તે સિવાય મુંબઈમાં જ નિવાસ. ખાનગી ટ્યૂશનો, ચિલ્ડ્રન્સ એકૅડેમી અને ફાર્બસ ગુજરાતી સભામાં (મંત્રી તથા ત્રૈમાસિકના તંત્રી તરીકે) કામગીરી ને કૉલેજમાં અધ્યાપનકાર્ય  એમ વિવિધ પ્રકારની ને વિક્ષેપભરી વ્યાવસાયિક કારકિર્દી ધરાવનાર ભૃગુરાય 1977માં મુંબઈની મીઠીબાઈ કૉલેજમાંથી અંગ્રેજીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા.

સંશોધક વિદ્વાનની તીક્ષ્ણ તથ્યદૃષ્ટિ ને સાહિત્યવિવેચકની રસજ્ઞતા તથા વિશ્લેષણશક્તિ ધરાવતા ભૃગુરાયે જોડણી, શબ્દાર્થ, છંદોલય, કૃતિપાઠ, કૃતિરચના ને કર્તાજીવનના વિશાળ અભ્યાસક્ષેત્રમાં અવિરતપણે અને ખંતપૂર્વક કામ કર્યા કર્યું ને અનેક લેખો લખ્યા, જે ગ્રંથસ્થ ધરાર ન કર્યા. ‘કાન્ત વિશે’ (1983) એમનો લેખક-અભ્યાસનો એક અસાધારણ નમૂનો રજૂ કરતો, મરણોત્તર પ્રકાશિત લેખસંચય છે. કાન્તના સમકાલીનોની મુલાકાતોની નોંધો જેવી મૂલ્યવાન દસ્તાવેજી સામગ્રી એમાં છે, કાન્તનાં કાવ્યોની રચનાના કાલક્રમનું દ્યોતક સંશોધન છે અને ‘પૂર્વાલાપ – છંદની દૃષ્ટિએ’ જેવાં માર્મિક વિવેચનો પણ છે. ‘ક્લાન્ત કવિ તથા બીજાં વિશે’(1988)માં ઉમાશંકર જોશી-સંપાદિત ‘ક્લાન્ત કવિ’માં સંઘરાયેલાં કાવ્યોના કર્તૃત્વના કોયડાને અપૂર્વ સજ્જતા ને સામર્થ્યથી એમણે ચર્ચ્યો છે ને એ પુસ્તકની બીજી આવૃત્તિમાં એમણે કરેલી હાંસિયાનોંધો(જે અહીં ગ્રંથસ્થ થઈ છે)માં એમણે બાળાશંકરની નિજી શબ્દ-લય-ભાવસૃષ્ટિનું અત્યંત બારીક અને તાજગીભર્યું દિગ્દર્શન કરાવ્યું છે. ‘જોડણીકોશ વિશે’(1996)માં સાર્થ જોડણીકોશે પોતાના જ નિયમોના વિનિયોગમાં કરેલી ભૂલોની ઝીણવટભરી તપાસ છે અને પાઠશોધન, શબ્દાર્થચર્ચા અને છંદચર્ચાના કેટલાક લેખો તો હજુ અગ્રંથસ્થ છે. ‘રેષાએ રેષાએ ભરી જ્ઞાનઝંખા’(1997)માં ભૃગુરાયના બહુમુખી વ્યક્તિત્વનો પરિચય આપતો એમનો પત્રવ્યવહાર તથા એમનાં કાવ્યો સંઘરાયાં છે.

ભૃગુરાયે નરસિંહરાવ દિવેટિયા-કૃત ‘કવિતાવિચાર’ (1969), પ્રહલાદ પારેખકૃત ‘બારી બહાર’ (ત્રીજી આવૃત્તિ, 197૦) અને ‘શ્રીધરાણી અને પ્રહલાદનાં કાવ્યો’(1975)નું સંપાદન કર્યું છે અને માધ્યમિક કક્ષાનાં ધોરણ 8, 9 અને 1૦ માટેના ‘સુગમ વ્યાકરણ અને લેખન’(1975)માં સહલેખક તરીકે કામ કર્યું છે.

જયંત કોઠારી