અંગ્રેજી સાહિત્ય
અંગ્રેજી સાહિત્યનું સૌથી પ્રાચીન ગણાતું વીરકાવ્ય ‘બેઆવુલ્ફ’ જૂની-અંગ્રેજી ઍંગ્લો-સૅક્સન-ભાષામાં દસમી સદીમાં લખાયેલું. તે છઠ્ઠી સદીની જર્મન પ્રજાના શૌર્યયુગ વિશે છે. ઍંગ્લો-સેક્સન ગદ્યસાહિત્યનો પિતા રાજા આલ્ફ્રેડ (849-899) છે.
ઈ. સ. 1૦66માં ફ્રાંસના નૉર્મન રાજા વિલિયમે ઇંગ્લૅન્ડ જીતી લીધું, એને પરિણામે અંગ્રેજી સાહિત્ય પર ફ્રેંચનો પ્રભાવ વધ્યો. ફ્રેંચ લોકોએ પણ અંગ્રેજી અપનાવ્યું અને અંગ્રેજી સાહિત્યમાં નવો પ્રાણ પુરાયો.
ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજી સાહિત્યની વસંત બેઠી. જ્યૉફ્રે ચૉસર (1343-14૦૦) અંગ્રેજી સાહિત્યનો પ્રથમ મહાન સર્જક છે. તેણે વિદેશોના પ્રવાસો દ્વારા સારી પેઠે દુનિયા જોઈ હતી. ઇટાલીના કવિ પૅટ્રાર્કનો સંપર્ક પણ તેણે સાધેલો. તેની કૃતિઓમાં ‘ધ હાઉસ ઑવ્ ફેઇમ’, ‘ધ પાર્લમેન્ટ ઑવ્ ફાઉલ્સ્’ તથા ‘ટ્રૉઇલસ અને ક્રિસીડા’ પ્રખ્યાત છે, પરંતુ તેની કવિપ્રતિભા ‘કૅન્ટરબરી ટેલ્સ’(કથાઓ)માં ખૂબ ખીલી ઊઠી છે, એમાં વાર્તાકથન અને પાત્રચિત્રણની કુશળતા સાથે માર્મિક વિનોદ છે.
ચૉસરના અવસાન બાદ બે સદી સુધી સાહિત્યમાં કોઈ ગણનાપાત્ર સર્જક દેખાતો નથી. એ સમયમાં ધાર્મિક રૂપકો અને બોધપ્રધાન સાહિત્ય રૂપે સંતોના જીવનનાં તથા બાઇબલના વિષયનાં નાટકો (mysteries & miracle plays) ભજવાતાં. ધીમે ધીમે ધાર્મિક રૂપકોમાંથી ધાર્મિકતા ઘટવા માંડી અને મનોરંજનનું તત્વ વધવા માંડ્યું. ‘નોઆરનું જહાજ’ અને ભરવાડ વિશેનું રૂપક ‘સેકન્ડા પેસ્ટોરમ’માં ભાવિ નાટ્યકૃતિઓનાં બીજ જોઈ શકાય છે. નીતિપ્રધાન નાટકો(morality plays)માં ‘ધ કૅસલ ઑવ્ પર્સિવિયરન્સ’ અને ‘મૅનકાઇન્ડ’ નોંધપાત્ર છે. કલાની દૃષ્ટિએ ‘એવરીમૅન’ પણ ઉચ્ચ કક્ષાનું છે. તેની રચના 1509-1519 દરમિયાન થઈ હતી. નીતિપ્રધાન નાટકો સાથે એક નવો દરબારી નાટ્યપ્રયોગ ‘ઇન્ટરલ્યૂડ’ વિકસ્યો.
વિલિયમ કૅકસ્ટને (1422-1491) અંગ્રેજી પ્રજાને મુદ્રણાલયની ભેટ ધરી અને પુસ્તકો છપાતાં પ્રજાની વાચનભૂખ સંતોષાવા લાગી. ટૉમસ મેલરી(મૃત્યુ 1471)એ રાજા આર્થરની કથાઓ દ્વારા લોકોને મનોરંજનાત્મક વાચન પૂરું પાડ્યું.
પુનરુત્થાન (renaissance) યુગ : ઈ. સ. 1453માં તુર્કીએ કૉન્સ્ટૅન્ટિનોપલ જીતી લીધું અને ત્યાંના પંડિતો અને ધર્મગુરુઓ વિપુલ ગ્રંથભંડાર સાથે યુરોપના દેશોમાં ભાગી ગયા. આ જ્ઞાનગ્રંથોના અનુવાદો અંગ્રેજીમાં પ્રગટ થવા લાગ્યા. આ અરસામાં વાસ્કો ડી ગામા અને કોલંબસની દરિયાઈ યાત્રાઓ અને શોધખોળોએ અંગ્રેજ પ્રજામાં રોમાંચ પ્રગટાવ્યો. નવીન જાગૃતિ પેદા કરનાર અને ભૂતકાળનાં સ્થાપિત મૂલ્યોને પડકારતી, પુનરુત્થાનના આમુખરૂપ કૃતિ ‘યુટોપિયા’નું સર્જન ટૉમસ મોરે (1477-1535) કર્યું. સોળમી સદીના પ્રારંભમાં સાહિત્ય વિશે લોકોની અભિરુચિ વધી અને ઇટાલી અને ફ્રાંસની કવિતાના નમૂના રૂપે ટૉમસ વેટ (1503-1542) અને સરે(1517-1547)એ કાવ્યો અને સૉનેટો રચી કવિતા પ્રતિ લોકોનું ધ્યાન આકર્ષ્યું.
1558માં રાણી એલિઝાબેથે રાજ્યારોહણ કર્યું. તે પછી પ્રજાનું ચૈતન્ય હિલોળે ચડ્યું. સ્પેનના અજેય નૌકાકાફલાને પરાજય આપ્યા બાદ અંગ્રેજ પ્રજામાં દેશપ્રેમનું પ્રચંડ મોજું ફરી વળ્યું. આ અરસામાં એડમંડ સ્પેન્સર(1552-1599)ની ચિત્રાવલિ સમી ઇંગ્લૅન્ડની રાણીની ગૌરવગાથા ગૂંથતી કાવ્યકૃતિ ‘ફેઇરી ક્વીન’ની રચનાએ કવિતામાં નવી ચમક આણી. ફિલિપ સિડની(1554-1586)ની કૃતિઓ ‘આર્કેડિયા’ અને ‘એસ્ટ્રોફેલ ઍન્ડ સ્ટેલા’ પણ લોકોમાં પ્રિય થઈ પડી. ફિલિપ સિડનીએ ‘ડિફેન્સ ઑવ્ પોએઝી’ (કવિતાનું બચાવનામું) રચી વિવેચક તરીકે પ્રતિષ્ઠા મેળવી. જૉન ડૉન(1572-1631)નાં કાવ્યોએ ‘મેટાફિઝિકલ’ (અધ્યાત્મવાદી) કવિતામાં નવો પ્રાણ પૂર્યો.
નાટકો પ્રત્યે જનસમુદાયનું આકર્ષણ વધતાં સંખ્યાબંધ નાટક-કંપનીઓ અને નાટયગૃહો અસ્તિત્વમાં આવ્યાં. જૉન લિલી (1554-1606), જ્યૉર્જ પીલ (1558-1596), ટૉમસ કિડ (1558-1594) વગેરેએ નાટ્યક્ષેત્રે ફાળો આપ્યો. આ વિદ્વાન નાટ્યકારોની પહેલાં નિકોલસ યુડલ (1504-1556)ની નાટ્યકૃતિ ‘રાલ્ફ રૉઇસ્ટર ડૉઇસ્ટર’ પ્રથમ અંગ્રેજી કૉમેડી ભજવાઈ ચૂકી હતી.
શેક્સપિયરના આગમન પૂર્વે ક્રિસ્ટોફર માર્લો (1564-1593) આવ્યો અને એનાં નાટકોથી ઍલિઝાબેથ યુગનું થિયેટર ધમધમી ઊઠ્યું. ‘ટૅમ્બરલેન’, ‘ડૉક્ટર ફૉસ્ટસ’, ‘ધ જ્યૂ ઑવ્ માલ્ટા’ અને ‘ઍડવર્ડ ધ સેકન્ડ’ એનાં પ્રખ્યાત નાટકો છે.
શેક્સપિયર (1564-1616) એટલે રાણી એલિઝાબેથનો યુગ. સંપત્તિ તેમજ સાહિત્યકલાસમૃદ્ધિનો એ સુવર્ણયુગ હતો. આ યુગમાં શેક્સપિયરે એની નાટ્યપ્રતિભાથી સર્જેલાં નાટકો વિશ્વભરમાં પંકાયાં. શેક્સપિયરની જન્મભૂમિ સ્ટ્રૅટફર્ડ-ઑન-એવન. પિતા જૉન અને માતા મેરી. પિતાની નબળી આર્થિક સ્થિતિને કારણે તે નસીબ અજમાવવા લંડન આવ્યો અને ખૂબ રઝળપાટ પછી એક નાટકમંડળીમાં તેને કામ મળ્યું. અલ્પ સમયમાં તેણે નાટ્યક્ષેત્રે ભારે નામના મેળવી. એણે પ્રારંભમાં ઐતિહાસિક નાટકો રચ્યાં. સાથે ‘રોમિયો જૂલિયેટ’ (1595) જેવી કરુણ નાટ્યકૃતિ પણ રચી. શેક્સપિયરે ઐતિહાસિક, કરુણાંત તથા કરુણ-હાસ્ય મિશ્રિત નાટકો અને સુખાન્ત નાટકો મળીને કુલ 37 નાટકો લખ્યાં છે. તે ઉપરાંત તેણે 155 સૉનેટ કાવ્યો અને ‘વિનસ અને એડોનિસ’ અને ‘રેપ ઑવ્ લ્યુક્રીસ’ કાવ્યો પણ રચ્યાં છે. તેણે નાટકોમાં ‘બ્લૅન્ક વર્સ’નો સમર્થ પ્રયોગ કર્યો છે. માનવચિત્તની લીલાઓ પારખવાની તેનામાં અસાધારણ શક્તિ હતી, તેથી તેનાં પાત્રનિરૂપણ અને સંવાદો ખૂબ સફળતા પામ્યાં છે. તેની અજોડ સર્જકશક્તિએ તેને વિશ્વનો મહાન નાટ્યકાર બનાવ્યો છે. તેનાં નાટકોનાં દુનિયાની વિવિધ ભાષાઓમાં ભાષાંતરો થયાં છે.
શેક્સપિયરનાં સમકાલીનોમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્વાન બેન જૉન્સને (1573-1637) રંગભૂમિને પોતાના પુરુષાર્થથી નવો ઘાટ આપ્યો અને પ્રજાની નાટ્યાભિરુચિને નવી દિશામાં વાળવા પ્રયાસ કર્યો. તેનાં નાટકો ‘એવરી મૅન ઇન હિઝ હ્યૂમર’ (1598), ‘એવરી મૅન આઉટ ઑવ્ હિઝ હ્યૂમર’, ‘વૉલ્પોન’ અને ‘ઍલકેમિસ્ટ’ જાણીતાં છે.
પુનરુત્થાનયુગમાં સાહિત્યક્ષેત્રે કવિતાનું વર્ચસ્ વર્તાય છે અને ગદ્યસાહિત્ય નિર્માલ્ય લાગે છે, પરંતુ આ કાળમાં ધર્મલક્ષી ગદ્યસાહિત્યમાં 1611માં બાઇબલનો અધિકૃત અનુવાદ થયેલો એ મહત્વની ઘટના છે.
સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં ફ્રાન્સિસ બેકન (1561-1626) તત્વચિંતનક્ષેત્રે નિબંધો દ્વારા નવપ્રસ્થાપન કરે છે. તેની પૂર્વે ફ્રાંસમાં મૉન્ટેઇને સમર્થપણે નિબંધપ્રકાર ખેડ્યો હતો. બેકનના નિબંધોમાં રસનો વિષય છે માનવીની સામાજિક અને નૈતિક જવાબદારી. તેનાં કેટલાંક વિધાનો અંગ્રેજી ભાષામાં ચલણી કહેવતરૂપ બની ગયાં છે.
આ અરસામાં રૉબર્ટ બર્ટને (1576-164૦) જ્ઞાનકોશરૂપ ગ્રંથ ‘ધી એનૅટોમી ઑવ્ મેલન્કલી’ પ્રગટ કર્યો હતો.
રાજા ચાર્લ્સના શિરચ્છેદ પછી 1649માં રાજ્યસત્તા ક્રૉમવેલના હાથમાં આવી અને પ્યુરિટનવાદ-મરજાદીપણા-નું વર્ચસ્ વધ્યું. સાહિત્યસંગીતકલાનો વિકાસ રૂંધાયો.
મહાકવિ મિલ્ટન (1608-1674) : શેક્સપિયર પછી મિલ્ટન પ્રતિભાસંપન્ન કવિ તરીકે ધ્યાન આકર્ષે છે. તેણે કેમ્બ્રિજમાં ઉચ્ચ શિક્ષણ પૂરું કરીને યુરોપનો પ્રવાસ ખેડ્યો હતો. તેની આરંભની કૃતિઓ ‘કોમસ’ (1637) અને ‘લિસિડસ’ (1627) છે, પરંતુ તેની મહાન પ્રતિભા દર્શાવતી કલાકૃતિ તો ‘પૅરડાઇઝ લૉસ્ટ’ છે. એનું વસ્તુ બાઇબલમાંનું આદમ અને ઈવના ઈશ્વરી આદેશના ભંગને કારણે ઈડન(સ્વર્ગનો બાગ)માંથી પૃથ્વી પર થયેલું અધ:પતન અને તેના પરિણામે પાપ અને મૃત્યુનો શાપ છે. ‘પૅરડાઇઝ લૉસ્ટ’ પછી ‘પૅરડાઇઝ રિગેઇન્ડ’(1671)માં પ્રથમ કૃતિનો જવાબ છે. શેતાન અને ઈશુ ખ્રિસ્ત એનાં બે મુખ્ય પાત્રો છે. બાઇબલ પર આધારિત મિલ્ટનની કૃતિ ‘સૅમ્સન ઍગોનિસ્ટીસ’(1671)માં આત્મકથાનું તત્વ દૃષ્ટિગોચર થાય છે. કવિ મિલ્ટનને અંધાપો આવ્યો હતો. તેની પુત્રીઓ તેની સંભાળ રાખતી.
જૉન ડ્રાયડન (1631-17૦૦) અને ઍલેક્ઝાંડર પોપ (1688-1744) : સત્તરમી સદીના મધ્ય ભાગમાં અંગ્રેજી સાહિત્યમાં તાત્વિક પરિવર્તન આવ્યું. એનાં મૂળ પ્રજાજીવનમાં હતાં. પ્રશિષ્ટ કૃતિઓ પ્રત્યે વાચકોનું આકર્ષણ વધ્યું. આ દરમિયાન ડ્રાયડનની નાટ્યકાર તરીકેની કારકિર્દીનો આરંભ થયો. તેની નોંધપાત્ર સિદ્ધિ કટાક્ષકળામાં છે. ‘ઍબ્સેલમ અને એચિટોફેલ’ (1681) અને ‘ધ હાઇન્ડ ઍન્ડ ધ પાન્થર’ (1687) આવી કૃતિઓ છે. એની કવિતામાં સરળતા અને પ્રવાહિતા દેખાય છે. તેના સમકાલીન સૅમ્યુઅલ બટલરે (1613-168૦) ‘હ્યુડિબ્રાસ’ (1663) કટાક્ષકૃતિ રચીને લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.
પુન:સ્થાપન (Restoration) યુગનો ડ્રાયડન જેવો બીજો નામાંકિત સાહિત્યસર્જક ઍલેક્ઝાંડર પોપ (1688-1744) છે. સફાઈદાર અભિવ્યક્તિ અને આકૃતિ પર તે વિશેષ ધ્યાન આપે છે. ‘એસે ઑન ક્રિટિસિઝમ’ (1711) તેનું પ્રસિદ્ધ પુસ્તક છે, પરંતુ તેની યુગપ્રતિનિધિત્વ કરતી કૃતિઓ છે ‘ધ રેપ ઑવ્ ધ લૉક’ (1714) અને ‘ડન્સિયાડ’ (1728). પ્રથમ કૃતિમાં અઢારમી સદીની કૃત્રિમ અને દંભી રીતરસમોની મજાક છે, જ્યારે બીજી કૃતિમાં સમકાલીન જડતા પર કટાક્ષ છે. પોપની ‘એસે ઑવ મૅન’કાવ્યકૃતિ પણ પ્રખ્યાત છે.
બેકને સોળમા સૈકામાં ઉઘાડેલા નિબંધના પ્રદેશમાં જોસેફ ઍડિસન (1672-1719) અને રિચાર્ડ સ્ટીલ (1672-1729) દ્વારા શરૂ થયેલ સામયિક ‘ટૅટલર’માં લખાયેલા તેમના નિબંધોથી વધુ વિસ્તાર થયો. 1711માં ‘ટૅટલર’ બંધ થયા પછી ‘સ્પેક્ટેટર’ શરૂ થયું. તેમાં આ બંને લેખકોનો સહયોગ હતો. એમનાં મિતભાષી, હળવાં, કટાક્ષયુક્ત અને ઉપદેશાત્મક લખાણો મધ્યમવર્ગના વાચકોને ખૂબ માફક આવ્યાં. ‘સ્પેક્ટેટર’ લોકપ્રિય બન્યું અને નિબંધનો સમૃદ્ધિકાળ શરૂ થયો.
ડૅનિયલ ડિફો (166૦-1731) એની રસપ્રદ કથા ‘રૉબિન્સન ક્રૂઝો’- (1719)થી જાણીતો છે. સ્ટીલ અને ઍડિસન પછી સમર્થ કટાક્ષકાર અને નિબંધલેખક તરીકે જૉનાથન સ્વિફ્ટ (1667-1745) ચિત્તમાં વસી જાય એવો લેખક છે. તે ચોક્કસ પ્રકારના ધ્યેયપૂર્વક લખતો. ‘અ મૉડેસ્ટ પ્રપોઝલ’ (1729), ‘ધ બૅટલ ઑવ્ બુક્સ’, ‘ધ ટેલ ઑવ્ ટબ’ તેની હળવી કટાક્ષવૃત્તિનો સારો પરચો કરાવે છે. તેની સુપ્રસિદ્ધ ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ (1726) પણ તે વખતના રાજકારણ પર રૂપક રૂપે ગર્ભિત કટાક્ષકથા છે.
કવિ પોપના બે સમર્થ અનુગામી કવિઓ ઑલિવર ગોલ્ડસ્મિથ (173૦-1774) તથા સૅમ્યુઅલ જ્હોન્સન (1709-1784) છે. ગોલ્ડસ્મિથનાં બે કાવ્યો ‘ધ ટ્રાવેલર’ (1764) અને ‘ધ ડેઝર્ટેડ વિલેજ’ (177૦) સમકાલીન આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડમાં પ્રવર્તતાં સામાજિક તથા આર્થિક અનિષ્ટોનું પ્રતિબિંબ પાડે છે. જૉન્સનની ‘લંડન’ (1738) અને ‘ધ વૅનિટી ઑવ્ હ્યૂમન વિશિઝ’ (1749) કૃતિઓ જૂવેનલના કટાક્ષો પર આધારિત છે.
પોપ પછી અઢારમા સૈકામાં પ્રકૃતિ એક સ્વતંત્ર વિષય તરીકે કવિતામાં આવી. જેમ્સ થોમ્સન (17૦૦-1748) તેના ‘સીઝન્સ’ (1726-173૦) કાવ્યથી લોકપ્રિય બન્યો. વિલિયમ કાઉપર(1731-18૦૦)ની કવિતામાં માનવતા પ્રતિ લોકસમુદાયનું ઢળતું વલણ દેખાય છે. આ સદીના સર્જકોમાં ઊર્મિલતા, વેવલાઈ, ઉન્માદ, નિરાશા અને ઉદાસીનતાની ફૅશન બની ગઈ લાગે છે. આ પ્રકારની કૃતિઓ રચનારામાં વિલિયમ બ્લેઇક(1757-1827)નું નામ પ્રસિદ્ધ છે. ‘ધી એવરલાસ્ટિંગ ગોસ્પેલ’ (1818) એની સુંદર કૃતિ છે. બ્લેઇક સારો ચિત્રકાર પણ હતો.
ક્રૉમવેલ પછી 166૦માં ચાર્લ્સ બીજાનું રાજ્યારોહણ થયું અને બે દાયકાથી બંધ પડેલાં થિયેટરો ફરીથી ઊઘડ્યાં. ઇથરેજ (1634-1691), વાઇકરલી (1641-1715) અને કૉન્ગ્રીવ(167૦-1729)નાં સુખાન્તવિનોદી નાટકો (comedies) રંગભૂમિ પર રજૂ થયાં. વાઇકરલીનું ‘કન્ટ્રી વાઇફ’ (1672-73) અને ‘ધ પ્લેન ડીલર’ (1674) તથા કૉન્ગ્રીવનાં ‘ધી ઑલ્ડ બૅચલર (1693), ‘ધ ડબલ ડીલર’ (1694) તથા ‘ધ વે ઑવ્ ધ વર્લ્ડ’ ખૂબ પ્રશંસા પામ્યાં. ગોલ્ડસ્મિથનું નાટક ‘શી સ્ટૂપ્સ ટુ કાકર’ (1773), શેરિડન (1751-1816)નું ‘ધ રાઇવલ્સ’ (1775) અને ‘ધ સ્કૂલ ફૉર સ્કૅન્ડલ’ (1777) પણ ધ્યાન ખેંચે છે. શેરિડનનાં નાટકોમાં અઢારમી સદીનો અંગ્રેજી સમાજ સારી રીતે પ્રતિબિંબિત થાય છે.
શેરિડન પછી ઓગણીસમી સદીમાં રંગદર્શી (romantic) સર્જકોનું ધ્યાન નવલકથાલેખન ઉપર કેન્દ્રિત થયું. રિચાર્ડસન(1689-1761)ની નવલકથા ‘પામેલા’ (1740-41) પ્રસિદ્ધ થઈ ત્યારે નવલકથાનો જન્મ થયો. આ નવલકથા પત્રો રૂપે રજૂ થયેલી છે. એ જ લેખકની અન્ય બે કથાકૃતિઓ ‘ક્લૅરિસા’ (1747-48) અને ‘સર ચાર્લ્સ ગ્રાન્ડિયન’ (1753-54) છે. રિચાર્ડસનના પ્રયોજનની મજાક ઉડાડવા હેન્રી ફીલ્ડિંગે (1707-1754) ‘જોસેફ ઍન્ડ્રૂઝ’ (1742) નવલકથા લખી. ‘પામેલા’ના કથાવસ્તુને ઉલટાવી નાંખવાનો પ્રપંચ કરતાં એ એક નવા જ પ્રકારની રમૂજી દાસ્તાન રચી બેઠો. તેની સુવિખ્યાત નવલકથા ‘ટૉમ જોન્સ’(1949)માં તેના નાયકનું પાત્રચિત્રણ સ્મરણીય છે.
સ્મૉલેટ (1721-1771) ફીલ્ડિંગનો સમકાલીન નવલકથાકાર છે. તેની નવલકથા ‘રૉડરિક રૅન્ડમ’(1748)માં દરિયાઈ જીવનનાં સ્મરણીય ચિત્રો છે. ‘ધી એક્સપિડિશન ઑવ્ હમ્ફ્રી ક્લિન્કર’ (1771) તેની શ્રેષ્ઠ પત્રાત્મક નવલકથા છે. રખડુ નાયક સદગુણી કન્યાને પરણે એટલે સુધરી જાય એવું કથાવસ્તુ તેની નવલોમાં સામાન્ય રીતે હોય છે. અઢારમા સૈકાનો સમર્થ નવલકથાકાર લૉરેન્સ સ્ટર્ન (1713-1768) છે. તેની ‘ટ્રિસ્ટ્રમ શૅન્ડી’ (1758-67) મનુષ્યના આંતરપ્રવાહોને આલેખતી અપૂર્વ કૃતિ છે. બીજી નવલકથા ‘સેન્ટિમેન્ટલ જર્ની’ (1761) ફ્રાંસમાંથી શરૂ થયેલા પ્રવાસની વિનોદયુક્ત નવલકથા છે. આ જ સદીમાં સૅમ્યુઅલ જ્હોન્સનની ‘રૅસિલસ’ (1759) અને ગોલ્ડસ્મિથની ‘વિકાર ઑવ્ વેકફીલ્ડ’ (1766) ગણનાપાત્ર નવલકથાઓ છે. હૉરેસ વૉલ્પોલે (1717-1797) ‘ધ કૅસલ ઑવ્ ઑટ્રેન્ટો’(1764)માં ભયાનક રસયુક્ત ‘ગૉથિક’ નવલકથા રચીને નવી કેડી પાડી.
અઢારમા સૈકામાં અનેક લેખકો વિવિધ વિષયો પર વ્યવસ્થિત રીતે પોતાના વિચારો વ્યક્ત કરવા લાગ્યા હતા. એમાં સૅમ્યુઅલ જ્હોન્સન(1709-1784)નું નામ જાણીતું છે. તેણે રચેલો ‘શબ્દકોશ’ (1747-55) એમાંની રમૂજી વ્યાખ્યાઓને કારણે પ્રશંસાપાત્ર છે. તેનું મહત્વનું બીજું પુસ્તક ‘લાઇવ્ઝ ઑવ્ પોએટ્સ’ (1779-81) છે. ડૉ. જ્હોન્સનને સાહિત્યજગતમાં તેના મિત્ર અને સાથી જેમ્સ બૉઝવેલે (174૦-1795) તેની જીવનકથા ‘લાઇફ ઑવ્ જ્હોન્સન’ લખી અમર બનાવેલ છે. આ એક ખૂબ રસિક કૃતિ છે.
ઓગણીસમી સદીના આરંભથી જ નવલકથા વધુ ઊંચાં નિશાન તાકે છે. જેન ઑસ્ટિન(1775-1817)ની નવલકથાઓ નવા જ વિષયો લાવે છે. તેની ‘નૉર્ધૅન્જર ઍબી’(1818)માં ભયાનક રસની કથાઓ પર કટાક્ષ છે. તેની સર્વોત્તમ નવલકથા ‘પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ’ (1813) છે. તેની અન્ય કૃતિઓ ‘સેન્સ ઍન્ડ સેન્સિબિલિટી’ (1811), ‘મૅન્સફીલ્ડ પાર્ક’ (1814), ‘એમ્મા’ (1816) અને ‘નોધેન્ગર ઍબી’ વિવિધ પ્રકૃતિનાં પાત્રોના કુશળ સર્જનને કારણે આજે પણ રસપૂર્ણ લાગે છે.
આ જ અરસામાં ઐતિહાસિક નવલકથાનું ખેડાણ સર વૉલ્ટર સ્કૉટે (1711-1832) શરૂ કર્યું. તેમની ચિત્રાત્મક શૈલી ભૂતકાલીન સમાજનાં વર્ણનો, પાત્રચિત્રણની કલા દ્વારા ભૂતકાળની સૃષ્ટિને પ્રત્યક્ષ કરાવે છે. ‘વૅવર્લી’ (1814), ‘આઇવેન્હો’ (1819), ‘કેનિલવર્થ’ (1821) વગેરે ખૂબ લોકપ્રિય બનેલી. તેમની ‘ક્વેન્ટિન ડર્વર્ડ’માં ફ્રાંસના લૂઇ અગિયારમાની કથાનું આલેખન હોવાથી તેના તરફ આખા યુરોપનું ધ્યાન ખેંચાયું હતું.
ચાર્લ્સ ડિકન્સ (1812-187૦) ઓગણીસમી સદીનો ઉત્તમ નવલકથાકાર છે. તેની નવલકથાના હપતા છાપામાં છપાતા ત્યારે લોકો એ અખબાર પ્રગટ થાય ત્યારે ટપાલમાં લેવા સામે જતા અને એથી અખબારનો ફેલાવો વધી ગયેલો. ‘પિકવિક પેપર્સ’ (1836-37) હાસ્યરસિક નવલકથા તરીકે ખૂબ પંકાયેલી છે. ઇંગ્લૅન્ડના નીચલા સ્તરના લોકોની વ્યથાને વાચા આપનાર ‘ઑલિવર ટ્વિસ્ટ’ (1937-38) અને ‘નિકોલસ નિકલ્બી’ (1838-39) કરુણ કથાઓ છે. ‘ડેવિડ કૉપરફીલ્ડ’(185૦)માં તેના લેખકના જીવનનું જ ઘણે અંશે વર્ણન છે. શેક્સપિયર પછી વિવિધ સ્તરની ઘટનાઓ અને વિવિધ પાત્રોના નિરૂપણે તેને અત્યંત સફળ નવલકથાકાર તરીકે ખ્યાતિ અપાવી છે.
ડિકન્સ પછી વિલિયમ થૅકરે(1811-1863)એ તેની નવલકથા ‘વૅનિટી ફેર’(1847-5૦)માં બેકી શાર્પનું વાસ્તવિક પાત્રાલેખન કરીને નામના મેળવી હતી. તેની ‘ધ હિસ્ટ્રી ઑવ્ હેન્રી એસ્મન્ડ’(1852)માં ઐતિહાસિક તત્વનું સુંદર આલેખન છે.
બુલવર લિટન (1803-1873), ચાર્લ્સ રીડ (1814-1884), મિસિસ ગાસ્કેલ (181૦-1835) અને વિલ્કી કૉલિન્સ (1824-1889) અન્ય જાણીતા નવલકથાકારો છે. એ બધાથી અનેક રીતે નિરાળું વ્યક્તિત્વ ધરાવતી બે બ્રૉન્ટ બહેનો શાલૉર્ટ બ્રૉન્ટ (1816-1855) અને એમિલી બ્રૉન્ટ(1818-1848)ની નવલકથાઓમાં મધ્યમ વર્ગનાં પાત્રો છે. શાલૉર્ટની નવલકથા ‘જેન આયર’ (1847) અને એમિલીની ‘વુધરિંગ હાઇટ્સ’ (1847) અતિ મહત્વની નવલકથાઓ છે. તેમની સમકાલીન લેખિકા મેરી ઍન અથવા મેરિયન એવાન્સે પુરુષનામ જ્યૉર્જ એલિયટ (1819-188૦) ધારણ કરીને નવલકથાઓ લખી. તેનામાં સવિશેષ બુદ્ધિવૈભવ છે. ‘ધ મિલ ઑન ધ ફ્લૉસ’ (186૦) ભાઈ બહેનના પ્રેમની કથા ગદ્યસ્વરૂપે પ્રસ્તુત કરે છે. અને ‘મિડલ માર્ચ’(1871-72)માં તેની સર્જનકલા અને બુદ્ધિવૈભવનો સુયોગ જોવા મળે છે.
ઍન્થની ટ્રૉલોપ (1815-1882) અને જ્યૉર્જ મેરિડિથ(1828-1909)નું પણ નવલકથાક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે.
ઓગણીસમી સદીના છેલ્લા ચરણમાં ટૉમસ હાર્ડીએ ‘વેસેક્સ’સ્થળ વિશેની નવલકથાઓ દ્વારા પ્રસિદ્ધિ મેળવી. તેની નવલકથાઓમાં નિયતિ (destiny) કે વિધિવક્રતાનું તત્વ ધ્યાન ખેંચે છે. ‘ધ મેયર ઑવ્ કૅસ્ટરબ્રિજ’ (1886) તથા ‘ટેસ ઑવ્ ડર્બરવિલે’ (1891) જેવી નવલકથાઓ માનવજીવનમાં સુખશાંતિ નષ્ટ કરવામાં વિધાતા મોટો ભાગ ભજવે છે એવી પ્રતીતિ ઉપજાવે છે. ‘ધ રિટર્ન ઑવ્ ધ નેટિવ’ (1878) તથા ‘જ્યૂડ ધી ઑબ્સ્ક્યોર’ (1895) વગેરે તેની પ્રખ્યાત કૃતિઓ છે. હાર્ડી પછી નોંધપાત્ર નવલકથાકાર સૅમ્યુઅલ બટલર (1835-1902) તેની કટાક્ષકૃતિ ‘ધ વે ઑવ્ ઑલ ફ્લેશ’ (1903), ‘એરવ્હોન’ (1872) અને ‘એરવ્હોન રીવિઝિટેડ’(1901)માં યંત્રોની ભક્તિ માનવને ગુલામ બનાવે છે અને યંત્રવાદ સંસ્કૃતિનો તથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોનો વિનાશ નોતરશે એવી ચેતવણી વ્યક્ત કરે છે. Erewhon એ Nowhere(કોઈ સ્થળ નહિ)નું ઉલટાવેલું શબ્દરૂપ છે.
અઢારમી સદીમાં કવિ ટૉમ્સને (17૦૦-1748) ‘ધ સીઝન્સ’ કવિતા દ્વારા વ્યક્ત કરેલો પ્રકૃતિપ્રેમ ઓગણીસમી સદીમાં વ્યાપક થતો ગયો. કોઈકને પ્રકૃતિમાં ગૂઢ તત્વ, તો કોઈકને દિવ્ય સંદેશ સાંપડ્યો, જગતનાં બાહ્ય તત્વો સાથે મનમેળ ન સધાતાં તરંગોની રંગીન સૃષ્ટિમાં અને પ્રકૃતિના સંગમાં આનંદ માણનારા કવિઓમાં વિલિયમ વર્ડ્ઝવર્થ (177૦-185૦) પ્રકૃતિમાં ગૂઢ સંદેશ જુએ છે. બાયરન (1788-1824) અજ્ઞાત પ્રદેશોમાં સાહસનાં સંવેદનો જાણે છે, કોલરિજ (1772-1834) સ્વપ્નસૃષ્ટિમાં ખેંચાઈ જાય છે. આ બધા કવિઓમાં વિસ્મયનો ભાવ મુખ્ય છે. નવું જીવનદર્શન ક્યારેક તેમને આધ્યાત્મિક એકલતા તરફ દોરી જાય છે. શેલી(1892-1822)માં આ તત્વ સવિશેષ છે.
કવિ વર્ડ્ઝવર્થે માનવતા માટે ઊંચી આશાઓ સેવી હતી, પરંતુ સમય જતાં તે નિરાશામાં ખૂંપતો ગયો. પ્રકૃતિનાં દૃશ્યોમાં તેને વધુ આનંદનો અનુભવ થયો. એનામાં સૂક્ષ્મ સંવેદનશીલતા હતી. ‘ધ પ્રિલ્યૂડ’ તથા ‘લિરિકલ બૅલાડ્ઝ’(1798)માં તેણે ગ્રામજીવનનાં મનોરમ દૃશ્યો આલેખ્યાં છે. કાવ્યોમાં તેણે સામાન્ય જનજીવનની ભાષા પ્રયોજવાની હિમાયત કરી છે. ‘ટિન્ટર્ન ઍબી’ (1798), ‘મૉર્ટાલિટી ઓડ’ વગેરે તેની જાણીતી કૃતિઓ છે.
કોલરિજ વર્ડ્ઝવર્થનો નિકટનો મિત્ર હતો. તે અત્યંત સહિષ્ણુતાવાળો હતો અને બધું જ્ઞાન પોતાનો જ ઇલાકો છે એમ માનતો. ‘ઍન્શિયન્ટ મૅરિનર’ (1798), ‘કુબ્લાખાન’ (1816) અને ‘ક્રિસ્ટાબેલ’ (1816) તેની સ્વપ્નસૃષ્ટિનાં અનોખાં આલેખનો છે.
બાયરનની મહત્તા ‘ધ વિઝન ઑવ્ જજમેન્ટ’ (1822) તથા ‘ડૉન વૉન’(1819-1824)માં પ્રતીત થાય છે. હાસ્ય, કટાક્ષ, ક્રાંતિકારિતા, ઊર્મિલતા, કરુણતા એ સર્વનો સુયોગ તેનાં સર્જનોમાં થયો છે. પ્રારંભકાળની તેની રચના ‘ચાઇલ્ડ હૅરલ્ડ’ (1812) પણ જાણીતી બની છે. તેની કવિતા અને તેના વ્યક્તિત્વનો પ્રભાવ અનેક કવિઓ પર પડ્યો છે.
શેલીમાં આદર્શવાદની ધૂન છે. કવિ થતા પહેલાં તે ઉપદેશક હતો. એની કવિતા પયગંબરી સંદેશાનું વાહન બની છે. આ પ્રકારની તેની કૃતિ ‘પ્રોમીથિયસ અનબાઉન્ડ’ (182૦), ઊર્મિપ્રધાન નાટ્યકૃતિ છે. શેલીની કાવ્યપ્રતિભા તેનાં ઊર્મિકાવ્યોમાં સંપૂર્ણ રીતે પ્રતીત થાય છે. ‘ટૂ એ સ્કાયલાર્ક’ (182૦), ‘ધ ક્લાઉડ’ (182૦), ‘ઓડ ટુ ધ વેસ્ટ વિન્ડ’ (182૦) વગેરે શેલીનાં પ્રસિદ્ધ ઊર્મિકાવ્યો છે.
જૉન કીટ્સે (1795-1821) કાવ્યવિષયો માટે પ્રશિષ્ટ ગ્રંથોમાંથી દંતકથાઓનો આધાર લીધો છે. સ્પેન્સર અને શેક્સપિયર પાસેથી એ શબ્દોની જાદુઈ શક્તિ પામ્યો છે. તેની બે કથાકૃતિઓ ‘ઇઝાબેલ’ (182૦) અને ‘ધી ઈવ ઑવ્ સેંટ એગ્નિસ’ (182૦) તેની કલ્પનાશક્તિ અને ચિત્રાંકનની કલાથી આસ્વાદ્ય બની છે. ‘A thing of beauty is a joy for ever’ (સૌન્દર્યનો આનંદ શાશ્વત હોય છે) એ તેની સ્મરણીય કાવ્યપંક્તિ છે.
‘રોમૅન્ટિક’ કવિઓનું જૂથ 183૦ સુધીમાં અસ્ત પામી ગયું. ત્યારબાદ કવિતામાં સમૃદ્ધિ આણનાર કવિ ટેનિસન (1809-1892) છે. તેની પ્રતિભા ઊર્મિકાવ્યોમાં ઝળકે છે. ‘યૂલિસીસ’માં તે વીરયુગનો સંકેત સજીવન કરે છે. દીર્ઘકાવ્યો રચવાની તેની મહેચ્છાને પરિણામે ‘ઇન મેમૉરિયમ’ (1834), ‘લૉકસ્લે હૉલ’, ‘ઇડિલ્સ’, ‘ઇનૉક આર્ડન’ વગેરે કૃતિઓ જન્મી છે. તેની કવિતામાં સુંદર પદલાલિત્ય અને અનુપમ ભાવગાંભીર્ય છે.
રૉબર્ટ બ્રાઉનિંગ (1812-1889) બાળપણથી કાવ્યશોખ ધરાવતો. 1855માં તેની સર્વોત્તમ કૃતિ ‘મૅન ઍન્ડ વિમેન’ પ્રસિદ્ધ થઈ. ‘ડ્રામૅટિક પર્સોને’(1864)થી તેની પ્રતિષ્ઠામાં વધારો થયો. તેના સુદીર્ઘ કાવ્ય ‘રિંગ ઍન્ડ ધ બુક’ (1869) દ્વારા તેને મહાન કવિનું સ્થાન પ્રાપ્ત થયું છે. તેની વિદ્વત્તા અને બુદ્ધિપ્રતિભા વિશે બે મત નથી. એનું સામર્થ્ય આશાવાદથી રણકતી પણ અર્થસભર અને ખરબચડી છતાં ચિત્રાત્મક કાવ્યબાનીમાં દેખાય છે.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મેથ્યુ આર્નોલ્ડ (1822-1888) ઉલ્લેખનીય કવિ છે. ‘ધ સ્કૉલર જિપ્સી’ (1853), ‘સોહરાબ ઍન્ડ રુસ્તમ’ વગેરે તેની જાણીતી કાવ્યકૃતિઓ છે. એની કવિતા કરતાં એનાં વિવેચનો વધારે જાણીતાં બન્યાં છે.
સ્વિનબર્ને (1837-1909) વિક્ટોરિયન યુગની કવિતા સામે વિદ્રોહમાં આવેગોની ભરતીવાળી, વિકૃત પ્રેમની અને નિષ્ઠુર લાગણીઓવાળી કૃતિઓ રચી છે. ‘પોએમ્સ ઍન્ડ બૅલાડ્ઝ’ (1889) એનો કાવ્યસંગ્રહ છે.
ઓગણીસમી સદીના અંતમાં નાટ્યક્ષેત્રે ઑસ્કર વાઇલ્ડ (1854-19૦૦) તેની નાટ્યકૃતિઓમાં બુદ્ધિના ચમકારા અને વ્યંગવિનોદથી પ્રેક્ષકોને રીઝવતો. તેની ખ્યાતનામ કૃતિઓમાં ‘ધી ઇમ્પૉર્ટન્સ ઑવ્ બીઇંગ અર્નેસ્ટ’ (1895) અને ‘ઍન આઇડિયલ હસબન્ડ’ (1895) છે.
વીસમી સદીનાં નાટકોમાં બૌદ્ધિક તત્ત્વ અને વાસ્તવવાદ તરફ વધારે ઝોક અપાયો છે. જ્હોન અરવિન (1883-1901) અને જ્હોન મેસફીલ્ડ (1878-1967) વગેરેની કૃતિઓમાં આ વલણો દેખાય છે. પરંતુ વીસમી સદીનો સમર્થ અને વિલક્ષણ નાટ્યકાર તો જ્યૉર્જ બર્નાર્ડ શૉ (1856-195૦) છે. 1892થી તેણે ‘વિડોઅર્સ હાઉસિસ’થી તેની નાટ્યકાર તરીકેની સુદીર્ઘ કારકિર્દીનો આરંભ કર્યો. દુનિયાભરનાં અનિષ્ટો તેણે સ્પષ્ટપણે નીરખ્યાં હતાં અને તેણે એ સર્વેને નાટકોમાં કટાક્ષ દ્વારા આલેખ્યાં. ચબરાકીભર્યા, વિનોદી સંવાદો રચવાની અને ઠઠ્ઠા ઉડાવવાની તેની શક્તિ વિશેષ હતી. નાટકમાં તે કોઈ ને કોઈ સમસ્યા ચર્ચે છે. તેણે નાટકો બે વિભાગમાં વહેંચેલાં – ‘પ્લેઝ પ્લેઝન્ટ’ અને ‘પ્લેઝ અનપ્લેઝન્ટ’. તેણે 52 જેટલાં વિવિધ પ્રકારનાં નાટકો રચ્યાં છે. નાટકોમાં ચર્ચેલી સમસ્યાને વધુ સ્પષ્ટ કરવા તે નાટકોની દીર્ઘ પ્રસ્તાવનાઓ લખતો.
અમેરિકામાં જન્મેલા ટી. એસ. એલિયટે (1888-1965) બ્રિટિશ નાગરિકત્વ અપનાવ્યું હતું. કવિતા કરતાં કરતાં તેને રંગભૂમિનો છંદ લાગેલો. વીસમી સદીના ત્રીજા દાયકામાં તેણે પદ્યનાટકોના સફળ પ્રયોગો કર્યા. તેમાં તેનું ‘મર્ડર ઇન ધ કથીડ્રલ’ (1935) ખૂબ ખ્યાતિ પામ્યું. ‘ફૅમિલી રીયુનિયન’ (1939), ‘ધ કૉકટેલ પાર્ટી’ (195૦) વગેરે તેની સુંદર પદ્ય-નાટ્યકૃતિઓ છે. ‘કૉકટેલ પાર્ટી’માં ગદ્યની નજીક જઈ બેસે તેવો લય તેણે પ્રયોજ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછી સમાજમાં વ્યાપેલી હતાશા તથા એક પ્રકારની આધ્યાત્મિક શૂન્યતાને તેણે પોતાની કૃતિઓમાં વાચા આપી છે.
પદ્યનાટકો રચનારાઓમાં એલિયટની સાથે ડબ્લ્યૂ. એચ. ઑડેન(1907-1973)નો ફાળો છે. ‘ઍસેન્ટ ઑવ્ એફ. સિક્સ (F6)’ નવી ભાત પાડનારું નાટક છે. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી રૉયલ કૉર્ટ થિયેટરમાં એક મંડળની સ્થાપના થઈ અને નવા નાટ્યકારોમાં જૉન ઑસ્બૉર્ન(1929)નું ‘લુક બૅક ઇન અગર’ (1956) નાટક તેમાં ભજવાયું.
નાટ્યક્ષેત્રની માફક કવિતાક્ષેત્રે પણ ટી. એસ. એલિયટ એક સમર્થ અને પ્રતિભાસંપન્ન કવિ ગણાય છે. તેને સાહિત્ય માટે નોબેલ પારિતોષિક એનાયત થયું હતું (1948). તે કાવ્યક્ષેત્રે નવી આબોહવા સર્જે છે. તેની કવિતાનો સંગ્રહ ‘પ્રૂફ્રૉક’ (1915) પ્રગટ થતાં જ પંકાઈ ગયો. પરંતુ તેની સિદ્ધિ તો ‘ધ વેસ્ટલૅન્ડ’ (1922) કાવ્યમાં દેખાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછીની યુરોપીય સંસ્કૃતિની છિન્નભિન્નતાનું નિરીક્ષણ આ કાવ્યમાં પ્રગટ થયું છે. કશી શ્રદ્ધા વિનાના જીવનમાં ખાલીપાની વ્યથા તેમાં રજૂ થઈ છે. તેની અન્ય જાણીતી કૃતિઓ છે ‘ધ હૉલો મૅન’ (1925) અને ‘ધ ફોર ક્વાર્ટેટ્સ’ (1943).
એલિયેટનું અનુકરણ કરનારા ઘણા હતા, પણ તેના કોઈ સીધા અનુગામી નહોતા. તેની અસર ઝીલનારા કવિઓમાં ઑડેન, સ્ટીફન સ્પેન્ડર (1909-1995) અને સેસિલ ડે લૂઇસ (1904-1972) વગેરેએ કાવ્યક્ષેત્રે વર્ચસ્ જમાવ્યું.
વિપુલકાય નવલકથાઓ વાંચવાના કંટાળાએ લઘુનવલો અને ટૂંકી વાર્તાઓની રચના પ્રેરી. રૉબર્ટ લૂઇ સ્ટીવન્સન(185૦-1894)ની કૃતિ ‘ટ્રેઝર આઇલૅન્ડ’ (1883) બદલાતી જતી વાચકની રુચિની નિર્દેશક છે. ‘ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઇડ’ (1886) દ્વારા સ્ટીવન્સને નવા પ્રકારની લઘુ નવલકથા આપી. કોનન ડૉઇલ(1859-193૦)ની નવલકથાઓ ઘણી લોકપ્રિય નીવડી. એણે સર્જેલું ડૉ. શેરલૉક હોમ્સનું પાત્ર તો ચિરસ્મરણીય બની લોકજીભે રમતું થયું.
રડ્યાર્ડ કિપ્લિંગ(1865-1936)નો જન્મ ભારતમાં થયો હતો. તેણે ભારત દેશની ભૂમિકા પર આધારિત સંખ્યાબંધ વાર્તાઓ લખી છે. સાહિત્ય માટે નોબેલ પારિતોષિક (1907) મેળવનાર તે પ્રથમ અંગ્રેજ લેખક હતો. અંગ્રેજ પ્રજાએ તેની ‘પ્લેઇન ટેલ્સ ફ્રૉમ હિલ્સ’ (1888), ‘ધ જંગલ બુક’ (1894) અને શ્રેષ્ઠ નવલકથા ‘કિમ’ને પ્રેમથી વધાવી લીધી.
વીસમી સદીના પ્રારંભકાળે સામાજિક નવલકથાકાર તરીકે જૉન ગાલ્સવર્ધી (1867-1933) એની છ ગ્રંથોની મહાગાથા ‘ફૉરસાઇટ સાગા’(1922)થી ધ્યાન ખેંચે છે. તેમાં સમકાલીન સમાજના ઉચ્ચ મધ્યમવર્ગના કૌટુંબિક જીવનનો ચિતાર છે. તેણે નાટકો પણ સર્જ્યાં છે. 1932માં તેને નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.
એચ. જી. વેલ્સ (1866-1946) તેની વિજ્ઞાનલક્ષી નવલકથાઓ દ્વારા લોકાદર પામ્યો છે. ‘ધ ટાઇમ મશીન’ (1895), ‘ધી ઇનવિઝિબલ મૅન’ (૧૮૯૭), ‘ધ ફર્સ્ટ મૅન ઇન ધ મૂન’ (1901) વગેરે પ્રખ્યાત બનેલી નવલકથાઓ છે. હાસ્યકાર તરીકે તેની શક્તિનો પરિચય ‘ધ હિસ્ટરી ઑવ્ મિ. પૉલી’ (191૦) નવલકથા દ્વારા મળે છે. તેની ‘ધ ન્યૂ મૅકિયાવેલી’ (1911) એક વિશિષ્ટ પ્રકારની નવલકથા છે.
મૂળ પોલૅન્ડનો જોસેફ કૉનરાડ (1857-1924) અંગ્રેજીમાં દરિયાઈ સાહસસૃષ્ટિનું નિરૂપણ કરતી માનસશાસ્ત્રીય વિશ્લેષણની નવલકથાઓ દ્વારા અંગ્રેજી સાહિત્યમાં સ્થાન પામ્યો છે. ‘નિગર ઑવ્ ધ નાર્સિસસ’ (1898), ‘લૉર્ડ જિમ’ (19૦૦) વગેરે તેની રસપ્રદ નવલકથાઓ તેનું વિશિષ્ટ પ્રદાન છે.
વિવિધ પ્રકારે વિસ્તરેલી અંગ્રેજી નવલકથાઓમાં સમરસેટ મૉમ(1874-1965)ની ‘ઑવ્ હ્યૂમન બૉન્ડેજ’ (1915), ઈ. એમ. ફૉર્સ્ટર(1879-197૦)ની ‘એ પૅસેજ ટુ ઇન્ડિયા’ (1924), ડી. એચ. લૉરેન્સ (1885-193૦)ની ‘લેડી ચૅટર્લીઝ લવર’ અને ‘સન્સ ઍન્ડ લવર્સ’ તથા આલ્ડસ હક્સલી(1884-1963)ની ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ (1932) વગેરે અંગ્રેજી સાહિત્યની વીસમી સદીની પ્રખ્યાત નવલકથાઓ છે.
જેમ્સ જૉઇસે (1882-1941) નવલકથાક્ષેત્રે નવા પ્રયોગો કર્યા છે. સમગ્ર આધુનિક નવલકથા પર પ્રભાવ પાડનારી તેની નવલકથા ‘યૂલિસીસ’(1922)માં લિયોપોલ્ડ બ્લૂમના પાત્રની એક જ દિવસની જીવનચર્યાનું પ્રત્યેક ઝીણી વિગતવાળું (microscopic) સૂક્ષ્મ વર્ણન છે. બ્લૂમ મહાન ગ્રીક કવિ હોમરના મહાકાવ્યના વીર નાયક યૂલિસીસ જેવો પણ લાગે અને સાવ સામાન્ય પાત્ર જેવો ક્યારેક મૂર્ખ પણ દેખાય.
માનવચિત્તના ઊંડાણમાં ડોકિયું કરવાની તથા તેના અપ્રગટ રહેલા અંશોભાવોનો તાગ પામવાની વૃત્તિ લેખકોમાં પ્રગટી હતી. ડૉરોથી રિચાર્ડસન (1873-1957) આંતરચેતનાનો પ્રવાહ આલેખતા નવલકથાકારોનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં સમય અને સ્થળનું પરિમાણ ફંગોળાઈ જાય છે. તેની આત્મકથનાત્મક નવલશ્રેણી ‘પિલગ્રિમેજ’ની શરૂઆતની નવલ ‘પૉઇન્ટેડ રૂફ્સ’ (1915) અને અંતિમ નવલકથા ‘માર્ચ મૂનલાઇટ’ (1967) તેના મૃત્યુ બાદ પ્રગટ થયેલી છે.
લેખિકા ડૉરોથી સાથે જ લેખિકા વર્જિનિયા વુલ્ફ(1882-1941)ની નવલકથાઓ પણ આંતરચેતનાના નિરૂપણમાં સફળપણે વિકસેલી કૃતિઓ છે. ‘ટુ ધ લાઇટહાઉસ’ (1927), ‘મિસિસ ડૅલોવે’ (1925) અને ‘ધ વેવ્ઝ’ (1931) દ્વારા તેની ખ્યાતિ દૃઢ બની. તે પછી જ્યૉર્જ ઑરવેલ (1903-195૦) તેની ‘ધી ઍનિમલ ફાર્મ’ (1945) તથા ‘1984’(1949)માં સ્વિફ્ટની કટાક્ષકલાનું સ્મરણ કરાવે છે. ‘ઍનિમલ ફાર્મ’માં સ્ટાલિનના સામ્યવાદી રશિયાને પશુઓના રાજ્ય તરીકે આલેખેલ છે. સાંપ્રત મૂલ્યો વિશે જે અશ્રદ્ધા ઑરવેલમાં દેખાય છે તેવી અશ્રદ્ધા તેની પછીના તરુણ લેખકોમાં પણ દેખાય છે. જૉન વેઇન(1925)ની ‘હરી ઑન ડાઉન’ (1953), કિંગ્ઝલે અમીસ- (1922)ની ‘લકી જિમ’ (1954), જૉન બ્રેઈન(1922-1926)ની ‘રૂમ ઍટ ધ ટૉપ’ (1957) જૂનાં મૂલ્યો વિશેના પ્રત્યાઘાત રજૂ કરતી ચોક્કસ પ્રકારની નવલકથાઓ છે.
ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં કિપ્લિંગ, વેલ્સ, ગાલ્સવર્ધી, કોનન ડૉઈલ વગેરેએ સારો ફાળો આપ્યો છે. પરંતુ કૅથેરિન મૅન્સફીલ્ડ(1888-1923)નું નામ તેમાં સમર્થ લેખિકા તરીકે સ્મરણીય છે. તેણે ટૂંકી વાર્તાકળાને રશિયન લેખક ચેખૉવ માફક એક ઉચ્ચ કલા તરીકે ખીલવી છે. ઘટનાતત્વ કરતાં ઊર્મિને લઈને તે તેના પર વાર્તાની ઇમારત રચે છે. તેનો ગણનાપાત્ર વાર્તાસંગ્રહ ‘ધ ગાર્ડન પાર્ટી’ (1922) છે. ડી. એચ. લૉરેન્સ, હક્સલી તથા જેમ્સ જૉઇસની ટૂંકી વાર્તાઓ પણ એ ક્ષેત્રે સારું પ્રદાન છે. તેમાં જેમ્સ જૉઇસનો ‘ડબ્લિનર્સ’ (1914) વાર્તાસંગ્રહ સવિશેષ ધ્યાનપાત્ર છે.
વીસમી સદીમાં જીવનકથાઓમાં લિટન સ્ટ્રેચી(188૦-1932)નું ‘એમિનન્ટ વિક્ટોરિયન્સ’ (1918) અને ‘ક્વીન વિક્ટોરિયા’ (1921) બંને નોંધપાત્ર છે.
વિવેચનક્ષેત્રમાં આઇ. એ. રિચાર્ડ્ઝ (1893-1979) એના ‘સાયન્સ ઍન્ડ પોએટ્રી’ (1926) તેમજ ‘પ્રિન્સિપલ્સ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ’ (1924) દ્વારા વિશિષ્ટ પ્રદાન કરે છે.
વીસમી સદીના ઉત્તરાર્ધમાં જેમ્સ બેરી, નિકિ જેકોવસ્કી, ગ્રૅસ નિકોલ્સ, લિન્ટન ક્વેચી, જ્હોન્સન, ટોની હેરિસન, ડગલાસ ડન, એન. સ્ટીવન્સન, સીમસ હીની, ડી.જે., એન્રાઇટ, ફુલર, ડોનાલ્ડ ડેવી, કિંગ્સલે અમિસ, ટૉમ્લિન્સન અને ફિલિપ લાર્કિન નોંધપાત્ર કવિઓ છે. ઉપરાંત ફિલિપ હૉબ્સબૉટમ, સ્વીવર્ટ પાર્કર, માઇકલ લાગ્લે, જેમ્સ સાઇમન્સ કવિતાનું સર્જન કરે છે. આ બધાયમાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં ડીલન ટૉમસ, જ્હોન બેટ્ઝમેન અને ફિલિપ લાર્કિનનાં નામ ખાસ નોંધપાત્ર છે. બેટ્ઝમેન શહેરના પરાવિસ્તાર અને સ્થાપત્યનું, લાર્કિન મધ્યમવર્ગની હાડમારીનું નિરૂપણમાં કરે છે. ડીલન ટૉમસ તો દેશાભિમાન વ્યક્ત કરતી કવિતાના ભ્રમનું ચિરસન કરે છે. લિવરપુલ યુનિવર્સિટીની કવિત્રિપુટી રોજર મેક્ગફ, બ્રિયાન પૅટન, એડ્રિયન હેનરીની નોંધ લેવી ઘટે. ટોની હેરિસનની કહેવાતી અભદ્ર કવિતા સામે તત્કાલીન વડાપ્રધાન થેચરના સમયની પાર્લમેન્ટમાં કેટલાક સભ્યોએ પ્રચંડ રોષ ઠાલવ્યો છે. ટેરેન્સ રેટિગન, એનિગ બેગ્નોલ્ડ, આગાથા ક્રિસ્ટીથી શરૂ કરી હેરોલ્ડ પિન્ટરનાં નાટકો ‘વન ફોર ધ રોડ’ (1985), ‘માઉન્ટન લેન્વેજ’ (1988) રાજકીય છે. જોન કોટનું ‘શેક્સપિયર અવર કન્ટેમ્પોરરી’ (1964) ધ્યાનપાત્ર છે. બ્રિટનના આધુનિક નાટકકારો પર યુરોપના ફ્રી થિયેટર, હેન્રિક ઇબ્સન, રોબર્ટસન, સાર્ત્ર, કામૂ, બ્રેસ્ટ, પીટર બ્રૂક વગેરેની અસર છે. બ્રિટિશ વિમેન થિયેટર માટે લખનાર ક્રિસ બૉન્ડ, ક્લેર લક્હામ, કેરીલ ચર્ચિલ, મિશેલીન વૉન્ડર, લુઈ પેજ, લુ વેકફિલ્ડ, ગ્રેસ ડેલીનાં નામ ઉલ્લેખનીય છે. ડેવિડ મર્સર, ટોની ગાર્નેટ અને ટેવોર ગ્રિફિથ્સનું દૂરદર્શન-નાટકક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. સ્ત્રીનાટકકારોમાં વેન્ડી કેસલમેન, લુઈ પેઇજ અને શાંગે તથા શૅરોક ઉલ્લેખનીય ગણાય.
આધુનિક નવલકથાકારોમાં નાદિન ગોર્દિમર, માર્ગારેટ ઍટ્વુડ, અચેબી, માર્ગારેટ લૉરેન્સનાં નામ નોંધપાત્ર છે. આ જ પ્રમાણે વિવેચનસાહિત્યમાં બ્રુક્સ ક્લીન્થ, જ્હોન ફેક્ટે, ક્રિગર મુરે, ક્રૉ રેન્સમ રેને વૅલૅક અને વૉરન તથા વિમ્સાટનાં નામ ઉલ્લેખનીય છે.
વિજ્ઞાનની નવી શોધો, યંત્રવાદ, ટી. વી., વિડિયો, યુદ્ધના અનુભવો વગેરેએ આધુનિક સાહિત્ય પર ખૂબ અસર કરી છે, અને સમાજજીવનને – નવો ઓપ આપ્યો છે. ગુનાખોરી તથા જાતીય સંબંધોમાં સ્વતંત્રતા કે સ્વચ્છંદતા તેમજ સમાજમાં પ્રવર્તતી આર્થિક અસમાનતાએ નવી સમસ્યાઓ સર્જીને સાહિત્યમાં નવા અભિગમો પેદા કર્યા છે. સાહિત્ય સમાજનું પ્રતિબિંબ પાડે છે. સમાજના ઉત્થાનમાં તેનો ફાળો અગત્યનો ગણવો જોઈએ એવી મૂલ્યનિષ્ઠ સાહિત્યકારોની ભાવના હોય છે. જ્યારે આધુનિકતાના આગ્રહીઓ જીવનને અર્થહીન (absurd) ગણીને સાહિત્યમાં પણ સૅમ્યુઅલ બેકેટની જેમ તેનો પડઘો પાડે છે.
એ રીતે આધુનિક અંગ્રેજી સાહિત્ય વિવિધ દિશામાં તેના અનેક સ્વરૂપો દ્વારા વિકસી રહ્યું છે.
મધુસૂદન પારેખ