અંજનઅંજની : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલાસ્ટોમેટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Memecylon ambellatum Burm. F. syn. M. edule Roxb. (મ. અંજની, લિંબા; ગુ. અંજની-અંજની; અં. Iron wood Tree) છે.

Memecylon umbellatum

અંજન-અંજની

સૌ. "Memecylon umbellatum" | CC BY-SA 2.0

ડૉ. સાન્તાપાઉના મંતવ્ય પ્રમાણે મહારાષ્ટ્ર રાજ્યના મહાબળેશ્વર, લોનાવાલા વગેરે વિવિધ પ્રદેશોમાં ઊગતી આ પ્રજાતિની બધી જ જાતિઓ ‘અંજની’ નામથી ઓળખાય છે.

નાના કદનું સદાહરિત વૃક્ષ. લગભગ 6 મીટરથી 12 મીટર જેટલું ઊંચું. પ્રકાંડ અને તરુણ શાખાઓ સુંવાળી. પરિપક્વ શાખાઓ ખરબચડી. પર્ણો કડક, ચર્મિલ, સપાટી સુંવાળી, અંડાકાર, બંને છેડે સાંકડાં અને અણીદાર, કિનારી અખંડ, એકશિરી, પર્ણદંડ લગભગ 6 મિમી. લાંબો. પુષ્પો અસંખ્ય, નાનાં, છત્રાકાર સમૂહ, પ્રવર્તમાન પર્ણોની નીચે અથવા પર્ણરહિત શાખાઓ પર પુષ્પકલિકાઓ શરૂઆતમાં લીલી, વિકાસ પામેલાં વૃક્ષો બહારથી ગુલાબી, અંદરથી આછાં ભૂરાં, વજ્રનલિકા 2-3 મિમી. લાંબી, પાંખડીઓ ચાર, અંડાકાર. પુંકેસરો 8, રંગે પાંખડીઓ જેવાં, સ્ત્રીકેસર 1, ઉચ્ચસ્થાન. બીજ પ્રમાણમાં ઓછાં, ફળ ગોળ, બદરી. પરિપક્વતાએ કાળાં. પરિપક્વ ફળો ખાદ્ય. પર્ણોનો ચર્મઉદ્યોગમાં તથા કાપડ રંગવામાં ઉપયોગ. વર્ણબંધક, હરડેના રસ સાથે લાલ રંગ, કલાઈ-વ્યુત્પન્નો સાથે પીળો રંગ અને વર્ણબંધકની ગેરહાજરીમાં આછો ભૂખરો રંગ આપે, પર્ણોનો ગૉનોરિયાના રોગમાં ઉપયોગ. કાષ્ઠનો મકાનના થાંભલા, કુહાડીના હાથા, દસ્તા, કાંસકા, ચાલવા માટેની લાકડીઓ વગેરેમાં ઉપયોગ. આ વૃક્ષમાંથી ઉત્તમ પ્રકારનો કોલસો મળે છે.

મ. દી. વસાવડા

સરોજા કોલાપ્પન