અળશી (કીટક) : ઉચેળા અથવા રોવ બીટલના નામથી ઓળખાતું ઢાલપક્ષ શ્રેણીનું સ્ટેફિલિનિડી કુળનું કીટક. કોહવાયેલ સેન્દ્રિય પદાર્થ, છાણ તથા પ્રાણીજ પદાર્થો તેનો ખોરાક છે. તે પોતાનો ઉદરપ્રદેશ વારંવાર ઉપરની બાજુએ ઊંચો કરે છે. તેની શૃંગિકા લાંબી અને વાળવાળી હોય છે. આ કીટક જમીનની સપાટી કોતરી તેના નાના રજકણોની નીચે ભરાઈ રહે છે. આમ, જમીનની સપાટી કોતરી નાખતું હોવાથી ધરુના નાના છોડ ઊખડી જાય છે. પાણી અપાય છે ત્યારે નાના ધરુ ઉપર માટી ફરી વળતાં નાના છોડનો નાશ થાય છે. આમ ધરુવાડિયામાં શરૂઆતના દસેક દિવસમાં આ કીટકથી ખૂબ નુકસાન થાય છે. તેના નિયંત્રણ માટે આલ્ડ્રિન ૩૦ ઇ.સી., 15થી 2૦ મિલી. દવા 1૦ લિટર પાણીમાં ભેળવી ઝારા વડે ચો.મીટરે ૩ લિટર પ્રમાણે એક વખત અપાય છે.
રાવજીભાઈ છોટાભાઈ પટેલ
જિતેન્દ્ર રાવજીભાઈ પટેલ
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ