અળશીનું તેલ : અળશીનાં બીને પીલીને અથવા દ્રાવક નિષ્કર્ષણથી મેળવાતું તેલ. તેલ માટે ઉગાડાતી જાતના છોડનાં રાડાં ટૂંકાં, વધુ શાખાવાળાં અને વધુ બી આપનાર હોય છે. સોનેરી પીળા રંગનું તેલ ઑક્સિજન શોષીને શુષ્ક પડ (dry film) આપવાનો ગુણ ધરાવે છે, તેથી તે સુકાતા તેલ(drying oil)ના વર્ગમાં ગણાય છે. તેમાં લિનોલેનિક ઍસિડ (53થી 58 %) અને લિનોલિક ઍસિડ (13થી 16 %) જેવા બહુ અસંતૃપ્ત (poly-unsaturated) ઍસિડ રહેલા છે, જેને કારણે તે ‘સુકાવા’ના ગુણો ધરાવે છે. મુક્ત ચરબીજ ઍસિડ દૂર કરવાથી શુદ્ધ (refined) તેલ મળે છે. મૅંગેનીઝ ઓલિયેટ જેવા ઉદ્દીપક સાથે ગરમ કરવાથી ઝડપથી સુકાય તેવું ‘ઉકાળેલ’ (boiled) તેલ – બેલતેલ – મળે છે. ગરમ (1250 સે.) તેલમાં હવા ફૂંકવાથી (blown) મળતું તેલ વધુ સખત પડ આપે છે. તે તૈલરંગો, છાપકામની શાહી તથા લિનોલિયમની બનાવટમાં વપરાય છે. ખાદ્યતેલ તરીકે તેનો વપરાશ મોટો નથી. તેનો ખોળ ઢોરના ખાણ તરીકે ઉપયોગી છે. અળશીના બીમાં રહેલ હાઇડ્રૉસાયાનિક ઍસિડ ઉત્પન્ન કરનાર ગ્લાયકોસાઇડ, તેલના નિષ્કર્ષણમાં ગરમીથી નાશ પામતો હોઈ ખોળ બિનઝેરી બને છે.

પ્રહલાદ બે. પટેલ