માળિયા-મિયાણા : રાજકોટ જિલ્લામાં ઉત્તર તરફ આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. તે કચ્છની સરહદ નજીક આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 770 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. 1991 મુજબ આ તાલુકાની વસ્તી 62,777 જેટલી છે અને 47 જેટલાં ગામ આવેલાં છે.
આ તાલુકો કચ્છના નાના રણની નજીક આવેલો હોવાથી અહીં માત્ર 450થી 500 મિમી. જેટલો જ વરસાદ પડે છે. ઉનાળામાં મે માસમાં મહત્તમ તાપમાન 42°થી 44° સે. અને શિયાળામાં જાન્યુઆરી માસમાં 35° સે. જેટલું રહે છે. શિયાળામાં રાત્રિ દરમિયાનનું તાપમાન 12°થી 14° જેટલું થઈ જાય છે.
તાલુકાનો કુલ વિસ્તાર 78,815 હેક્ટર જેટલો છે. તે પૈકી 46,489 હેક્ટરમાં વાવેતર થાય છે, 10,576 હેક્ટરમાં જંગલો છે, 5,993 હેક્ટર જમીન ખેતી સિવાય અન્ય ઉપયોગમાં લેવાય છે, 2,490 હેક્ટરમાં ગૌચરો છે, જ્યારે 760 હેક્ટર ભૂમિ ઉજ્જડ છે. અહીંની જમીનો હલકી, સપાટ અને રેતીમિશ્રિત કાળી છે. નાના રણ નજીક જંગલી ગધેડાં જોવા મળે છે. ગાય, ભેંસ અને બકરાં અહીંનું મુખ્ય પશુધન છે. અહીંની 38 % જમીનમાં ઘઉં, જુવાર અને બાજરી જેવા ખાદ્યપાકો તથા 62 % જમીનમાં કપાસ, મગફળી, એરંડા વગેરે થાય છે. સિંચાઈ કૂવા-આધારિત છે.
ખેતી આ તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય છે. મોટાભાગના લોકો ખેડૂતો કે ખેતમજૂરો છે. બીડી વાળવાનો ગૃહઉદ્યોગ ચાલે છે. તાલુકામાં એક પણ શહેર નથી. તાલુકામથક માળિયાની વસ્તી (1991) 9,055 જેટલી છે.
માળિયાના દેશી રાજ્યનો વિસ્તાર 90 ચોકિમી. અને વસ્તી (1961) 48,000 જેટલાં હતાં. માળિયાના ઠાકોરે મિયાણા કોમની મદદથી મોરબી રાજ્યનો સામનો કરેલો. ઠાકોરને આઝાદી પછી રૂ. 45,000નું સાલિયાણું મળતું હતું. તે 1971માં બંધ કરવામાં આવેલું છે.
શિવપ્રસાદ રાજગોર