માસને, જુએલ (જ. 12 મે 1842, ફ્રાન્સ; અ. 13 ઑગસ્ટ 1912) : ફ્રાન્સના સંગીત-નિયોજક. તેઓ ‘મૅનન’, ‘થાઇસ’ અને ‘વર્ધર’ નામની તેમની 3 ઑપેરા-રચનાઓ માટે અપાર ખ્યાતિ પામ્યા છે.
9 વર્ષની વયે તેઓ પૅરિસ કૉન્ઝર્વેટરીમાં દાખલ થયા અને 1863માં તેઓ ‘ડેવિડ રિઝિયો’ નામની સમૂહસંગીત-રચના (cantata) માટે ગ્રાં પ્રી દ રોમના વિજેતા બન્યા. 1878માં એ કૉન્ઝર્વેટરી ખાતે સંગીત-નિયોજનના પ્રોફેસર તરીકે તેમની નિમણૂક થઈ. ફ્રેન્ચ ઑપેરા-જગતમાં તેઓ ગૂનૉડ અને કટિબદ્ધ આધુનિકો વચ્ચે મહત્વની કડીરૂપ સર્જક બની રહ્યા અને તેઓ ગુસ્તાવ શાર્પેન્તીર અને ગેબ્રિયલ પીર્નેના ગુરુ હતા.
તેમના જીવનકાળ દરમિયાન તેઓ બેહદ નામના પામ્યા. તેમની શૈલીનો વ્યાપક પ્રભાવ પડ્યો હતો. તેમની સંગીતમય નાટ્યમય શૈલીમાં ભક્તિભાવ તથા શૃંગારિકતાનું અજબ અને મોહક સંમિશ્રણ છે; તેના પરિણામે તેમની ઑપેરા-રચનાઓમાં જે નાદ-સૃષ્ટિ સર્જાય છે તે તેમને તેમના સાથીઓ અને સમકાલીનોથી અલગ તારવી આપે છે.
ઉપર્યુક્ત 3 ઑપેરાઓથી તેમની કીર્તિ અમર બની છે એ ખરું; પરંતુ તેમણે બીજી 24 ઉપરાંત ઑપેરાઓ રચી છે અને તેમાંની કેટલીક તો વીસમી સદીમાં પણ ભજવાતી રહી છે. ઑપેરા ઉપરાંત તેમણે ઑરટૉરિયો, કૅન્ટાટ, નાટકો માટે પ્રાસંગિક સંગીત, સમૂહવાદનની અનેક રચનાઓ, પિયાનો રચનાઓ તથા સંખ્યાબંધ સંગીતરચનાઓ સર્જી છે.
મહેશ ચોકસી