માશેલકર, રઘુનાથ અનંત

January, 2002

માશેલકર, રઘુનાથ અનંત (જ. 1 જાન્યુઆરી 1943, માશેલ, ગોવા) : ભારતના અગ્રણી વૈજ્ઞાનિક, સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ કાઉન્સિલના પૂર્વમહાસંચાલક, નૅશનલ કેમિકલ લૅબોરેટરીના પૂર્વસંચાલક તથા અમેરિકાની નૅશનલ અકાદમી ઑવ્ સાયન્સિઝના ફેલો. અત્યંત નિર્ધન પરિવારમાં જન્મ. નાનપણમાં છ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં માતાએ તેમનો ઉછેર કર્યો. માતા તદ્દન નિરક્ષર, છતાં રઘુનાથે શિક્ષણ લેવું જ જોઈએ એવાં આગ્રહી. મુંબઈની એક ચાલીમાં એક ઓરડામાં બાળપણ વીત્યું. શાળામાં દાખલ થવા માટેની ફીની રકમ રૂ. 21 ચોપાટી વિસ્તારમાં ઘરકામ કરતી એક મહિલા પાસેથી ઊછીની લેવી પડી હતી. પ્રાથમિક શિક્ષણ મુંબઈની નિ:શુલ્ક મ્યુનિસિપલ શાળામાં તથા હાઈસ્કૂલનું શિક્ષણ યુનિયન હાઈસ્કૂલમાં લીધું. મૅટ્રિકની પરીક્ષામાં બોર્ડમાં અગિયારમો ક્રમ પ્રાપ્ત કરી ટાટા એન્ડાઉમેન્ટમાંથી માસિક રૂપિયા 60ની શિષ્યવૃત્તિ એનાયત થવાથી હાઈસ્કૂલ-શિક્ષણ પછી કૉલેજ-શિક્ષણ લેવાની સુગમતા પ્રાપ્ત થઈ. તેઓ ઉચ્ચ શિક્ષણ માટે યુડીસીટીમાં દાખલ થયા, જ્યાં ચારે વર્ષ અંતિમ પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાનો વિક્રમ પ્રસ્થાપિત કર્યો.  માતાના સતત આગ્રહને વશ થઈને ડૉક્ટરેટની પદવી સંપાદન કરી અને ત્યાર બાદ તેમણે ઇંગ્લૅન્ડની સાલફર્ડ યુનિવર્સિટીમાં ‘નૉનન્યૂટોનિયન ફ્લુઇડ મેકૅનિક્સ’માં સંશોધન કરી ‘ડૉક્ટર ઑવ્ સાયન્સિઝ’(D.Sc.)ની અસાધારણ પદવી મેળવી. ઇંગ્લૅન્ડમાં સારા પગારની નોકરીઓની દરખાસ્તો નકારી કાઢીને 1976માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પ્રતિભા (ટૅલેન્ટ) શોધવાની યોજના હેઠળ સ્વદેશ પાછા ફર્યા અને પુણે ખાતેની રાષ્ટ્રીય અનુસંધાન સંસ્થા નૅશનલ કેમિકલ લૅબોરેટરી(NCL)માં વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત માસિક રૂપિયા 2,100ના પગાર પર કરી. ત્યાં 1989માં સંચાલકના પદ પર બઢતી મેળવી. આ પદ પર કાર્યરત હતા તે વર્ષો દરમિયાન તથા ત્યાર બાદ કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના મહાસંચાલક-પદ પર કાર્યરત હતા ત્યારે તેમણે દેશના વૈજ્ઞાનિકોમાં પેટન્ટ-વિષયક જાગૃતિ નિર્માણ કરવાના સઘન પ્રયત્નો કર્યા. તે દરમિયાન તેમણે ‘પેટન્ટ, પબ્લિશ ઍન્ડ પ્રૉસ્પર’નો ગુરુમંત્ર દેશ સમક્ષ રજૂ કર્યો. દેશના વૈજ્ઞાનિકો સંશોધન દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તે સંગણકો(computers)માં સંગૃહીત કરવાની ઝુંબેશ તેમણે ઉપાડી. તેમણે પોતે અમેરિકાની સામે ભારત માટે હળદરનું પેટન્ટ મેળવવાના સંઘર્ષમાં વિજય મેળવી પેટન્ટના એક બાહોશ સમર્થક તરીકે દેશવિદેશમાં પોતાની કાયમી છાપ ઊભી કરી. તેઓ જ્યારે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ સંસ્થાના મહાસંચાલક-પદે કામ કરતા હતા ત્યારે તે સંસ્થામાં આશરે 20,000 વૈજ્ઞાનિકો અને તંત્રવિદો (ટૅક્નિશિયનો) કામ કરતા હોવાથી તે સમગ્ર વિશ્વની સરકાર હસ્તકની એક મોટામાં મોટી વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા હતી, આ બાબત ધ્યાનમાં લઈને વર્ષ 2005માં તેમને અમેરિકાની નૅશનલ અકાદમી ઑવ્ સાયન્સિઝના ફેલો ચૂંટવામાં આવ્યા. આ બહુમાન નોબેલ પુરસ્કારની લગભગ સમકક્ષ ગણવામાં આવે છે અને તે ઉપર્યુક્ત અકાદમીનાં 142 વર્ષોના અસ્તિત્વના કાર્યકાળમાં વર્ષ 2005 સુધી માત્ર આઠ ભારતીયોને એનાયત કરવામાં આવેલ છે. વીસમી સદીમાં માત્ર ત્રણ જ ભારતીયો રૉયલ સોસાયટી (FRS), લંડનના ફેલો ચૂંટાયેલા એમાં માશેલકરનો સમાવેશ થયો હતો. તેવી જ રીતે 2003થી 2005 સુધીના ગાળામાં યુનાઇટેડ સ્ટેટ્સ નૅશનલ અકાદમી ઑવ્ સાયન્સિઝના ફૉરેન ફેલો તરીકે જે માત્ર આઠ ભારતીયો ચૂંટાયા હતા તેમાં પણ માશેલકરનો સમાવેશ થયો હતો. અત્યાર સુધી વિશ્વની 26 યુનિવર્સિટીઓએ તેમને ડૉક્ટરેટની માનદ પદવી અર્પણ કરી છે; જેમાં યુનિવર્સિટી ઑવ્ લંડન, યુનિવર્સિટી ઑવ્ સાલફોર્ડ, યુનિવર્સિટી ઑવ્ પ્રીટોરિયા, યુનિવર્સિટી ઑવ્ વિસ્કોન્સિન  આ ચાર વિદેશી યુનિવર્સિટીઓ અને ભારતની દિલ્હી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

રઘુનાથ અનંત માશેલકર

વર્ષ 2008માં તેઓ ગ્લોબલ રિસર્ચ એલાયન્સના અધ્યક્ષ, નૅશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના પ્રમુખ તથા ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ કેમિકલ એન્જિનિયરના અધ્યક્ષ છે. વર્ષ 2007 સુધી તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ અકાદમીના અધ્યક્ષપદે કાર્યરત હતા.

ઑગસ્ટ 1997માં ‘બિઝનેસ ઇન્ડિયા’એ પચાસ એવી અગ્રણી વ્યક્તિઓનાં નામ જાહેર કર્યાં હતાં જેમણે સ્વતંત્ર ભારતને ઝડપી વિકાસની રાહ બતાવી, જેમાં માશેલકરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 1998માં તેમને ટાટા કૉર્પોરેટ લીડરશિપ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ બહુમાન મેળવનાર તેઓ સર્વપ્રથમ વૈજ્ઞાનિક હતા.

સ્વતંત્ર ભારતે મેળવેલ જ્ઞાનની ‘નિકાસ’ તેમના પ્રયત્નોથી જ શરૂ થઈ હતી, જેને લીધે વિશ્વની લગભગ સો જેટલી સંશોધન અને વિકાસને વરેલી વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાની શાખાઓ શરૂ કરી હતી. તેમાં 2,400 કર્મચારીઓ ધરાવતી બહુરાષ્ટ્રીય કંપની ‘જનરલ ઇલેક્ટ્રિક કંપની’નો પણ સમાવેશ થયો હતો. માશેલકરે પ્રસ્તુત કરેલ શ્વેતપત્ર ‘સી.એસ.આઇ.આર. 2001 : વિઝન ઍન્ડ સ્ટ્રૅટેજી’એ ભારતના તે ક્ષેત્રને નવી દિશા પ્રદાન કરી છે, જેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે.

વર્ષ 2003–05ના ગાળામાં વિશ્વભરમાં લેવામાં આવેલ જનમતને આધારે ‘મૅનેજિંગ ઇન્ટલેક્ચુઅલ પ્રૉપર્ટી’ નામના સામયિકે માશેલકરનું નામ તે ક્ષેત્રમાં કામ કરનાર વૈશ્વિક સ્તરના અગ્રણી 50 વૈજ્ઞાનિકોમાં સામેલ કર્યું હતું.

વિશ્વના ગરીબોને પોસાય તેવી દવાઓનું ઉત્પાદન કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) એક કમિશનની નિમણૂક કરી હતી, જેના ઉપપ્રમુખપદે માશેલકર ચૂંટાયા હતા.

માશેલકરે અત્યાર સુધી 50 જેટલા ઍવૉડર્સ અને ચંદ્રકો મેળવ્યા છે; જેમાં શાંતિસ્વરૂપ ભટનાગર ઍવૉર્ડ (1982), પંડિત જવાહરલાલ નહેરુ ટૅકનૉલૉજી ઍવૉર્ડ (1991), જી. ડી. બિરલા સાયન્ટિફિક રિસર્ચ ઍવૉર્ડ (1993), મટિરિયલ સાયન્ટિસ્ટ ઑવ્ ઇયર્સ ઍવૉર્ડ (2000), આઇ.એમ.સી. જુનાર ક્વૉન્ટિટી ચંદ્રક (2002), એચ.આર.ડી. એક્સલન્સ ઍવૉર્ડ (2002), લાલબહાદુર શાસ્ત્રી નૅશનલ ઍવૉર્ડ ફૉર એક્સલન્સ ઇન પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન ઍન્ડ મૅનેજમેન્ટ સાયન્સિસ (2002), વર્લ્ડ ફેડરેશન ઑવ્ એન્જિનિયરિંગ ઑર્ગનાઇઝેશન (WFEO) મેડલ ઑવ્ એન્જિનિયરિંગ એક્સલન્સ બાય ડબ્લ્યૂ.એફ.ઇ.ઓ., પૅરિસ (2003); લાઇફ ટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ બાય ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ (2004), ધ સાયન્સ મેડલ બાય ધ અકાદમી ઑવ્ સાયન્સ ફૉર ધ ડેવલપિંગ વર્લ્ડ (2005), આશુતોષ મુખર્જી મેમૉરિયલ ઍવૉર્ડ બાય ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ (2005) વગેરેનો સમાવેશ થાય છે.

વિશ્વની 26 જેટલી વિદ્યાકીય અને વિજ્ઞાનને લગતી સંસ્થાઓના તેઓ ફેલો અથવા અન્ય પ્રકારના પદાધિકારી તરીકે ચૂંટાયા છે. તે ઉપરાંત ત્રીસ જેટલી દેશવિદેશની સંસ્થાઓએ તેમને એક યા બીજી રીતે સન્માન્યા છે, 16 જેટલી સંસ્થાઓએ તેમને પુરસ્કૃત કર્યા છે અને 11 જેટલી યુનિવર્સિટીઓના પટલ પર તેમનું નામ મુલાકાતી પ્રોફેસર તરીકે નોંધવામાં આવ્યું છે. ઉપરાંત 11 જેટલી અધ્યયન અને સંશોધન સંસ્થાઓએ તેમને કોઈ ને કોઈ મહત્વનું પદ (ચૅરમૅન-મેમ્બર) બહાલ કર્યું છે.

ભારત વિશ્વની બૌદ્ધિક અને આર્થિક મહાસત્તા બનવાના માર્ગ પર ઝડપભેર આગેકૂચ કરી રહ્યું છે એવી રઘુનાથ અનંત માશેલકરની આસ્થા અને શ્રદ્ધા છે અને તે માટે તેઓ પોતાનો સક્રિય ફાળો આપી રહ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે