માલિય થિયેટર (સ્થા. 14 ઑક્ટોબર 1824) : હાલના રશિયાના પાટનગર મૉસ્કોની પોણા બે સૈકાથી અવિરત ચાલતી પ્રખ્યાત નાટ્યમંડળી. મૂળ નામ ઇમ્પીરિયલ થિયેટર. ‘માલિય’ એટલે નાનું, બૅલે માટેના ‘બૉલ્શૉય’(મોટું)ની સરખામણીએ આ નામ પડ્યું હતું. આમ તો એક ધનાઢ્ય વેપારીની વાડીમાં 1806થી આ મંડળી છૂટાંછવાયાં નાટકો ભજવતી રહેતી. ઝારશાહી રશિયામાં થિયેટરની શરૂઆત એ રીતે શ્રેષ્ઠીઓના આશ્રયે એમના બંગલા કે વાડીઓમાં જ થઈ હતી. એણે એની પ્રણાલી જાળવી રાખી છે. એ મૉસ્કોનાં પુરાણાં થિયેટરોમાંનું એક છે. રશિયામાં આવી મંડળીઓ અનેક નાટકો એકસાથે કરતી હોય છે અને એમનું ખુદનું થિયેટર-બિલ્ડિંગ હોય છે. અનેક મંડળી અમુકતમુક ‘થિયેટર’ને નામે જાણીતી હોય છે. મૉસ્કોમાં એ દિવસોમાં એમ કહેવાતું કે યુવાનો શાળા-કૉલેજોમાં ભણે, પણ કેળવણી તો માલિય થિયેટરમાં જ પામે ! ઝારશાહી દરમિયાન પણ એને રાજ્યાશ્રય મળતો, છતાં એમાં તત્કાલીન પ્રગતિશીલ ગણાતાં નાટકો ભજવાતાં; જેમ કે, 1840માં ગોગૉલનું ‘ઇન્સ્પેક્ટર જનરલ’ અને ગ્રિબોદિયફનું ‘વો ફ્રૉમ વિટ’. એના મહત્વના નટોમાં મિખાઈલ શૅપ્કીન (1788–1863), પાવેલ મચાલોવ (1800–1848), પ્રૉવ સાધૉવ્સ્કી (1818–1872), અલેક્ઝાન્ડર લૅન્સ્કી (1847–1908), મારિયા યર્મોલૉવા (1853–1928) વગેરેએ ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી હતી.
રશિયામાં ઓગણીસમી સદીના છેલ્લા દાયકા સુધીમાં માલિય થિયેટર એટલું પ્રણાલીબદ્ધ બની ગયું હતું કે સ્તાનિસ્લાવ્સ્કી અને દાન્શૅન્કો જેવા દિગ્દર્શકોએ તો એની સામે વિરોધ કરીને મૉસ્કો આર્ટ થિયેટરની સ્થાપના કરી. ચેખૉવ અને ઇબ્સન જેવાનાં નાટકોએ માલિય અને એના જેવાં થિયેટરો સામે પડકાર ફેંક્યો. રૂસી ક્રાંતિ (1917) પછી એમાં અનેક નવા દિગ્દર્શકો અને નટો પાક્યા અને નવી નાટ્યપ્રણાલી મુજબ તેમણે કામ કરવા માંડ્યું. રૂસી થિયેટરોને સરકાર તરફથી નાટ્યમંડળીઓ ચલાવવા હંમેશાં નિયમિતપણે વાર્ષિક ખર્ચના અંદાજ મુજબ આર્થિક ટેકો મળતો રહે છે. તેવો ટેકો માલિય થિયેટરને પણ એની પુરાણી પ્રણાલી મુજબ ગયાં 175 વર્ષ દરમિયાન – ક્રાંતિ પછી પણ – મળતો રહ્યો અને એણે નાટકશાળા એટલે કે પોતાનું સ્ટુડિયો-થિયેટર સ્થાપ્યું. આ સ્ટુડિયો-થિયેટર એટલે નિયમિત વ્યાવસાયિક નાટ્યનિર્માણોની સાથોસાથ પ્રાયોગિક નાટ્યનિર્માણ માટે નટમંડળી, ખર્ચ અને વ્યવસ્થાની ફાળવણી. એમાં તાલીમ લઈને નટો-દિગ્દર્શકો તેમજ લેખકોને મુખ્ય પ્રવાહમાં આવવાની તક મળે. માલિય થિયેટર પહેલાં રૂઢિચુસ્ત ગણાતું હતું. પરંતુ ધીમે ધીમે એ પણ અનેક પ્રાયોગિક નાટકો કરતું થયું અને આજે એ રૂસની અનેક મહત્વની પ્રાયોગિક નાટ્યમંડળીઓની હરોળમાં ગણાય છે અને ત્યાંના સાંસ્કૃતિક વિકાસમાં તે મહત્વનું પ્રદાન કરતું રહ્યું છે. છેલ્લા રાજકીય ફેરફારો પછી પણ આ મંડળી દ્વારા અનેક નોંધપાત્ર નાટકો થઈ રહ્યાં છે.
હસમુખ બારાડી