માલી : પશ્ચિમ આફ્રિકાના મધ્ય ભાગમાં આવેલો વિશાળ દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ 17° ઉ. અ. અને 4° પ. રે. આજુબાજુનો (10° થી 25° ઉ. અ. અને 4° પૂ. રે.થી 12° પ. રે. વચ્ચેનો) 12,40,192 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 1,851 કિમી. અને ઉત્તર–દક્ષિણ પહોળાઈ 1,609 કિમી. જેટલી છે. તેની ઉત્તરમાં વાયવ્ય તરફ મૉરિટાનિયા અને ઈશાન તરફ અલ્જીરિયા, પૂર્વ અને અગ્નિકોણમાં નાઇજર, અગ્નિકોણમાં બુર્કિના ફાસો, દક્ષિણમાં આઇવરી કોસ્ટ, નૈર્ઋત્યમાં ગિની તથા પશ્ચિમમાં સેનેગલ દેશો આવેલા છે. આ દેશ બધી બાજુએ ભૂમિભાગોથી ઘેરાયેલો છે. દેશની અંદર આવેલો ઉત્તર તરફનો અર્ધો ભાગ સહરાના રણથી રોકાયેલો છે, બાકીનો લગભગ બધો જ વિસ્તાર અસમતળ ઘાસભૂમિથી છવાયેલો છે.

માલી

ભૂપૃષ્ઠ–જળપરિવાહ અને આબોહવા : માલી મુખ્યત્વે ત્રણ કુદરતી પ્રદેશોમાં વહેંચાયેલો છે : ઉત્તરમાં આવેલો સહરાનો રણપ્રદેશ, મધ્યમાં આવેલો સાહેલનો અર્ધરણપ્રદેશ અને દક્ષિણમાં આવેલો અસમતળ ઘાસભૂમિનો પ્રદેશ. દેશના ઈશાન ભાગમાં થોડી ટેકરીઓ આવેલી છે. પર્વતો તદ્દન ઓછા છે. 1,155 મીટર ઊંચાઈ ધરાવતું હોમ્બોરી તોન્ડો અહીંનું સર્વોચ્ચ સ્થળ છે, જ્યારે 23 મીટરની ઊંચાઈ ધરાવતું નીચામાં નીચું સ્થળ પશ્ચિમ સરહદે આવેલું છે.

સેનેગલ અને નાઇજર આ દેશની મુખ્ય નદીઓ છે. દેશની મોટા ભાગની વસ્તી આ નદીઓ અને તેની શાખાઓને કાંઠે આવેલાં શહેરો કે ગામડાંઓમાં વસે છે. સેનેગલ નૈર્ઋત્ય માલીમાં થઈને વહે છે. તેમાંથી નૈર્ઋત્ય ભાગને સિંચાઈનો લાભ મળે છે. નાઇજર નદી પાટનગર બામાકો નજીક આ દેશમાં પ્રવેશે છે. ત્યાંથી ઈશાન તરફ વહે છે. અંદરના ભાગમાં આ નદીએ રચેલો ત્રિકોણપ્રદેશ ઘણો જ ફળદ્રૂપ છે. ત્યાંથી તે નદી અગ્નિ તરફનો વળાંક લઈ ઘણા અંતર પછી નાઇજર દેશમાં પ્રવેશે છે. આ નદીએ દેશના મધ્ય ભાગમાં સરોવરોની પણ રચના કરી છે.

માલીમાં ત્રણ ઋતુઓ પ્રવર્તે છે : માર્ચથી મે સુધી આબોહવા ગરમ અને સૂકી, જૂનથી ઑક્ટોબર દરમિયાન આબોહવા ગરમ, હૂંફાળી અને વરસાદી તથા નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી તે ઠંડી અને સૂકી રહે છે. કર્કવૃત્ત દેશના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. દેશના ઘણાખરા ભાગોમાં સરેરાશ વાર્ષિક તાપમાન 27°થી 29° સે. જેટલું રહે છે, માર્ચથી મે દરમિયાન તાપમાન વધીને ક્યારેક 38° સે. સુધી પહોંચી જાય છે, જ્યારે સહરામાં દિવસ દરમિયાન તો તે 43° સે.થી પણ વધી જાય છે; પરંતુ ત્યાં રાત્રિનું તાપમાન ઘટીને 4° સે. સુધી પહોંચી જતું હોય છે. સહરાના વિસ્તારમાં વર્ષ દરમિયાન પડતા વરસાદનું પ્રમાણ 250 મિમી. જેટલું રહે છે અને દક્ષિણ માલીમાં 890 મિમી. જેટલો વરસાદ પડે છે.

પ્રાણીજીવન–વનસ્પતિજીવન : દક્ષિણ માલીમાં હાથી, હરણ (gazelles), સાબર, જિરાફ, જરખ, ચિત્તા અને સિંહ જેવાં જંગલી પ્રાણીઓ ફરતાં જોવા મળે છે. નદી-વિસ્તારોમાં મગર અને હિપોપૉટેમસ રહે છે. અહીંનું વનસ્પતિજીવન ખૂબ વિવિધતાવાળું છે. દક્ષિણની ઘાસભૂમિમાં તથા મધ્યના સાહેલના પ્રદેશમાં છૂટાંછવાયાં વૃક્ષો અને ક્યાંક ટૂંકા કાંટાળા છોડ નજરે પડે છે. સહરાના રણપ્રદેશમાં કોઈ ખાસ વનસ્પતિ જોવા મળતી નથી.

અર્થતંત્ર : માલી ખૂબ જ ગરીબ દેશ છે. અહીંનું અર્થતંત્ર વિકાસની સ્થિતિમાં છે. વસ્તીના 75 % લોકો ખેતી કે ઢોરઉછેર કરીને જીવે છે. બાજરી, ડાંગર, જુવાર અહીંના મુખ્ય કૃષિપાકો છે, અન્ય ખાદ્ય પાકોમાં કસાવા, મકાઈ અને રતાળુનો સમાવેશ થાય છે. કપાસ, મગફળી અને શેરડી અહીંના રોકડિયા પાકો છે. અહીંની વિચરતી જાતિના લોકો ઢોર અને ઘેટાંબકરાં પાળે છે. માછીમારી પણ અહીંની બીજી અગત્યની પ્રવૃત્તિ છે. મોટાભાગની માછલીઓ (મુખ્યત્વે કાર્પ, કૅટફિશ અને પર્ચ) નાઇજર અને બૅની નદીઓમાંથી તેમજ ડેબો સરોવરમાંથી મળી રહે છે. દેશના આશરે 15 % લોકો સરકારી કાર્યાલયોમાં, પ્રવાસનમાં, જથ્થાબંધ તેમજ છૂટક વેપાર જેવા સેવાઉદ્યોગમાં કામ કરે છે. આ પૈકીના મોટાભાગના લોકો પાટનગર બામાકો અને અન્ય શહેરો ખાતે નોકરીઓ કરે છે. 10 % લોકો ઉત્પાદનક્ષેત્રમાં કામ કરે છે. કાપડ-ઉદ્યોગ અહીંનો મુખ્ય ઉદ્યોગ છે, એ જ રીતે ખોરાકી ચીજો અને ચામડાની પેદાશોનું પણ ઉત્પાદન ઉલ્લેખનીય છે. લગભગ બધાં જ મોટાં કારખાનાં સરકારને હસ્તક છે. તેમ છતાં સરકાર ખાનગી સાહસોને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે. દેશના મોટાભાગના આવા ઔદ્યોગિક એકમો વિદેશી સહાયથી ઊભા થયેલા છે. તેમાં સિમેન્ટનાં કારખાનાં, ખાંડની મિલો, ચામડાં કમાવવાના એકમો તથા કાપડ-ઉદ્યોગનો સમાવેશ થાય છે. માલીમાં બૉક્સાઇટ, તાંબું, સોનું, લોહ, મૅંગેનીઝ, યુરેનિયમ, ફૉસ્ફેટ અને મીઠાના નિક્ષેપજથ્થાઓ આવેલા છે. તે પૈકી મીઠાનું ઉત્પાદન ખનનકાર્યનો મોટો ભાગ આવરી લે છે. થોડા પ્રમાણમાં સોનાનું ઉત્પાદન પણ થાય છે. માલીની મુખ્ય નિકાસી ચીજોમાં કપાસ, મગફળી, ચામડાંની ચીજવસ્તુઓ, માંસ, માછલીઓ તથા ઢોરનો સમાવેશ થાય છે. કપાસની નિકાસ માલીને 50 % જેટલું હૂંડિયામણ કમાવી આપે છે. અહીં રસાયણો, ખોરાકી ચીજો, યંત્રસામગ્રી, ખનિજતેલ અને અમુક પ્રકારનાં કાપડની આયાત કરવામાં આવે છે. માલીનો મોટાભાગનો વેપાર મુખ્યત્વે પશ્ચિમ આફ્રિકી દેશો, ફ્રાંસ તેમજ અન્ય પશ્ચિમી યુરોપીય દેશો સાથે ચાલે છે.

માલીની પ્રસિદ્ધ મસ્જિદ

માલીમાં આશરે 18,000 કિમી.ના માર્ગો છે. પરંતુ તે પૈકી માત્ર 10 % જ માર્ગો પાકા છે. અહીંનો નાઇજર નદીનો જળમાર્ગ નૌકાવ્યવહાર માટે અનુકૂળ છે. પાટનગર બામાકો સેનેગલ અને ડાકર સાથે રેલમાર્ગોથી સંકળાયેલું છે. ‘એર માલી’ નામની રાષ્ટ્રીય હવાઈ સેવા દ્વારા માલી આફ્રિકી દેશો તથા યુરોપ સાથે જોડાયેલું છે. સંદેશાવ્યવહાર સરકારહસ્તક છે. અહીં રાષ્ટ્રીય રેડિયો-મથક પણ છે. બે દૈનિક પત્રો અહીંથી બહાર પડે છે.

આજે માલી ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. દેશ મુખ્યત્વે ખેતીની આવક પર આધારિત છે, પરંતુ દેશની માત્ર 20 % ભૂમિ જ ફળદ્રૂપ છે. સરકાર કેટલીક વાર ખેતીના પાકોની કિંમતો ઘટાડી નાખીને ખેડૂતોને નિરુત્સાહી બનાવે છે. વળી દેશોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાથી પણ ખેતીના પાકોની પૂરતી ઊપજ મેળવી શકાતી નથી. ઢોર, ઘેટાંબકરાં માટે જરૂરી ગોચર-ભૂમિ પણ ઓછી છે. ક્યારેક ક્યારેક આવી પડતા દુકાળનાં વર્ષોથી વનસ્પતિનો નાશ થઈ જાય છે અને ઢોર મૃત્યુ પામે છે. વળી દુનિયાના ઘણા ભાગોમાં કપાસની કિંમત ઘટી જવાથી તથા ખનિજ તેલ અને અન્ય ઇંધનોની કિંમત વધી જવાથી માલીના અર્થતંત્રને ફટકો પડ્યો છે. માલીમાં વિવિધ પ્રકારનાં ખનિજો તેમજ જળસ્રોતો આવેલાં હોવા છતાં તેમનો વિકાસ કરી શકાયો નથી.

વસ્તી–લોકો : માલી તેની વિશાળતાના પ્રમાણમાં ઓછી વસ્તીવાળો દેશ છે. 1995ના અંદાજ મુજબ માલીની વસ્તી 1,07,59,000 જેટલી છે. તે પૈકીની 81 % વસ્તી ગ્રામીણ અને 19 % શહેરી છે. વસ્તીની ગીચતા દર ચોકિમી.દીઠ સરેરાશ 7 વ્યક્તિની છે. માલીની મોટાભાગની વસ્તી અશ્વેત આફ્રિકી લોકોથી બનેલી છે. તેમાં મુખ્યત્વે બામ્બરા, માલીન્કે, સારાકોલે જેવી જાતિઓથી બનેલો માંડે સમૂહ (50 %), ફુલાની, મેંડિગો, ડોગોન, સેનુટુ અને સોંઘાઈનો સમાવેશ થાય છે. ઉત્તર તરફ તુરેગ (તુઆરેગ) નામની વિચરતી જાતિના લોકો રહે છે. દેશમાં શ્વેત જાતિની વસ્તી માત્ર 5% જેટલી જ છે. તેમાં આરબો અને ફ્રેન્ચ લોકો મુખ્ય છે.

ફ્રેન્ચ અહીંની સત્તાવાર ભાષા છે. અન્ય ભાષાઓમાં ફુલાની, બામ્બરા, અરબી તથા સ્થાનિક બોલીઓનો સમાવેશ થાય છે. સરકારી કાર્યાલયોમાં તેમજ શાળાઓમાં મુખ્યત્વે ફ્રેન્ચ ભાષાનો ઉપયોગ થાય છે. માલીમાં આજે શિક્ષિતોનું પ્રમાણ 65 % જેટલું છે, તે પૈકી 41 % પુરુષો અને 24 % સ્ત્રીઓ છે. ઇસ્લામ આ દેશનો મુખ્ય ધર્મ છે, 90 % લોકો સુન્ની મુસ્લિમ છે, 5 % ખ્રિસ્તી છે, બાકીની કેટલીક સ્થાનિક જાતિઓ તેમના પરંપરાગત ધર્મો પાળે છે.

માલી ગરીબ અને ખેતી પર આધારિત દેશ ગણાય છે. અહીં જ્યારે જ્યારે દુકાળ પડે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અને ઢોર મૃત્યુ પામે છે. અહીંના મોટાભાગના અશ્વેત આફ્રિકી ખેડૂતોને ખેતી માટે અદ્યતન સાધનો પોષાતાં ન હોવાથી તેઓ પરંપરાગત ઓજારોથી તેમની જરૂરિયાત પૂરતી ખેતી કરે છે. આરબો અને મૂર લોકો સાહેલ જેવા અર્ધરણવિસ્તારમાં તેમનાં ઢોર સાથે ગધેડાં અને ઘેટાંબકરાં સાથે ઘાસ-પાણી મળે ત્યાં તંબૂઓ નાખી વિચરતું જીવન ગાળે છે. તેઓ મારાબોટ નામથી ઓળખાતી પવિત્ર-ધાર્મિક વ્યક્તિની રાહબરી હેઠળ જુદા જુદા સમૂહોમાં ફરે છે. તેઓ સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે. ખજૂર અને બાજરી તેમનો મુખ્ય ખોરાક છે. મોટાભાગનાં ગ્રામીણ કુટુંબો માટી કે ડાળીઓથી બનાવેલાં, ઘાસ કે સાદડીઓથી ઢાંકેલાં, ગોળ ઘૂમટવાળાં ઘરોમાં વસે છે.

અહીંની ગ્રામીણ સ્ત્રીઓ ખેતીનાં કામોમાં આગળ પડતો ભાગ ભજવે છે અને પશુઓની માવજત કરે છે. સરકારે સ્ત્રીઓ માટે કેટલીક તાલીમી યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ સ્ત્રીઓ પોતાનાં કામમાં અને કૌટુંબિક જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી હોવાથી આ યોજનાઓનો લાભ લઈ શકતી નથી. અહીંની મોટાભાગની ગ્રામીણ પ્રજાને ઘણી સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેઓ લખીવાંચી શકતા નથી. માત્ર 27 % બાળકો જ શાળામાં જાય છે. દેશના શહેરી વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ તેમના ઉચ્ચ શિક્ષણ માટે તેમજ વ્યાવસાયિક તાલીમ માટે ફ્રાન્સ કે સેનેગલ જેવા અન્ય દેશોમાં જાય છે. માલીમાં સ્વાસ્થ્ય માટેના સંજોગો પ્રતિકૂળ છે. પુરુષો અને સ્ત્રીઓનો આયુદર અનુક્રમે 44 અને 48 વર્ષનો જ છે. બાળમૃત્યુદર ઘણો ઊંચો છે. મોટાભાગનાં શિશુઓ મલેરિયાનો ભોગ બની જાય છે. આખા દેશની વસ્તી માટે પૂરતા ડૉક્ટરો ઉપલબ્ધ નથી અને જે છે તે શહેરોમાં જ કામ કરે છે.

વહીવટ : આજે માલી એક પ્રજાસત્તાક દેશ છે. અહીં છ-વર્ષીય સત્ર માટે પ્રમુખની અને ત્રણ વર્ષીય સત્ર માટે ધારાસભાની ચૂંટણી થાય છે. પ્રમુખ દેશના સર્વોચ્ચ વડા ગણાય છે. પ્રધાનમંડળના વડા પણ પ્રમુખ જ હોય છે. નૅશનલ એસેમ્બ્લી તરીકે ઓળખાતી ધારાસભા 82 સભ્યોની બનેલી હોય છે. પ્રધાનમંડળના સભ્યોની નિયુક્તિ પ્રમુખ કરે છે. દેશમાં માલી પીપલ્સ ડેમોક્રૅટિક યુનિયન એકમાત્ર રાજકીય પક્ષ છે. પરંતુ તેના પર લશ્કરી નેતાનો અંકુશ રહે છે. દેશમાં સુપ્રીમ અદાલત, અપીલ માટેની અદાલત તેમજ અન્ય સ્થાનિક અદાલતોની વ્યવસ્થા પણ છે.

વહીવટી સરળતા માટે દેશને બામાકોના અલગ જિલ્લા સહિત કુલ સાત વિભાગોમાં તેમજ 42 પરગણાંઓમાં વહેંચી નાખેલો છે. દેશનાં મુખ્ય શહેરોમાં બામાકો, મોપટી, કાયેસ, સેગાઉ, સિકાસો અને ટિમ્બકટુનો સમાવેશ થાય છે. બામાકો દેશનું પાટનગર છે. તે દેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે.

ઇતિહાસ : આજે જ્યાં માલી દેશ આવેલો છે ત્યાં આશરે ચોથી સદીથી સોળમી સદી દરમિયાન જુદા જુદા કાળગાળાઓમાં ઘાના, માલી અને સોંઘાઈ જેવાં ત્રણ સમર્થ, સત્તાશાળી અશ્વેત સામ્રાજ્યો અસ્તિત્વ ધરાવતાં હતાં. અહીંના અગત્યના વેપારી અને વણજાર-માર્ગોને કારણે તેઓ સમૃદ્ધ બનેલાં.

માલીનું સામ્રાજ્ય : 1337માં માલી સામ્રાજ્ય જ્યારે સત્તાની ટોચે હતું, ત્યારે તેનો જે વિસ્તાર હતો, તે નકશામાં ઘેરા રંગમાં દર્શાવ્યો છે. પશ્ચિમ આફ્રિકામાં અત્યારે જે પ્રદેશો ગામ્બિયા, ગિની, સેનેગલ અને માલીના નામે ઓળખાય છે, તેમનો ઘણોખરો પ્રદેશ માલીના અંકુશ હેઠળ હતો. 1500 સુધીમાં તોરેગ અને સોંઘાઈ જાતિઓએ માલીનો મોટો ભાગ જીતી લીધો. વર્તમાન સીમાઓ શ્વેત રેખાથી દર્શાવી છે.

ચોથીથી અગિયારમી સદીના મધ્યકાળ સુધી પશ્ચિમ આફ્રિકાના આ વિસ્તારમાં ઘાના સામ્રાજ્યનું અસ્તિત્વ હતું. વેપારીઓ દૂર દક્ષિણના પ્રદેશોમાંથી સોનું લઈ આવતા અને અહીંથી જીવનજરૂરિયાતની વસ્તુઓ તેમજ મીઠું લઈ જતા. આ કારણે આ સામ્રાજ્ય તે વખતે ‘સુવર્ણભૂમિ’ નામથી જાણીતું બનેલું.

1240થી 1500ના ગાળા દરમિયાન અહીં આફ્રિકી અશ્વેતોનું માલી સામ્રાજ્ય સમૃદ્ધિ પામેલું. તે સમયે આ સામ્રાજ્ય હેઠળ આજનાં ગામ્બિયા, ગિની, માલી અને સેનેગલ તથા બુર્કિના ફાસો, મૉરિટાનિયા અને નાઇજરના કેટલાક ભાગોનો સમાવેશ થતો હતો. 1235થી 1240 વચ્ચે કાંગાબાના રાજા સુંદીઆટાએ અહીંનો સોસો ભૂમિપ્રદેશ જીતી લીધેલો. તે પછી તેણે સામ્રાજ્યના પાટનગર માટે માલી શહેરનું નિર્માણ કરેલું. 1312થી 1337 સુધી અહીં મંસા મૂસાએ શાસન કરેલું અને સામ્રાજ્યની હદને પૂર્વ તરફ છેક ગાઓ નગર સુધી વિસ્તારેલી. તેણે કાયદા અને ઇસ્લામ ધર્મના શિક્ષણ માટે ટિમ્બકટુને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યું, વેપાર વધાર્યો અને માલી સામ્રાજ્યને સમૃદ્ધિની ટોચે લાવી મૂક્યું. માલી સામ્રાજ્યનાં શહેરોનો વેપાર વણજાર-માર્ગો મારફતે સહરાના રણ બહાર આવેલા પ્રદેશો સાથે ધમધોકાર ચાલતો હતો. અહીંના લોકો કુશળ ખેડૂતો અને પશુપાલકો ગણાતા હતા. રાજ્યવહીવટ પર મુસ્લિમોનો અંકુશ હતો, તેમ છતાં અહીંના મોટાભાગના લોકો પોતપોતાના પરંપરાગત દેવોને પૂજતા હતા. 1337 પછીના અનુગામી શાસકોમાં મંસા મૂસા જેવી કાબેલિયત ન હોવાથી 1400ના ગાળા બાદ સોંઘાઈ સામ્રાજ્યે તેમજ અન્ય રાજ્યોએ માલીના બહારના વિસ્તારોને જીતી લીધા. તુરેગ આક્રમકોએ દક્ષિણ સહરાનાં વેપારી સ્થળો પડાવી લીધાં. 1500 સુધીમાં તો મોટાભાગના માલી સામ્રાજ્ય પર સોંઘાઈ સામ્રાજ્યની આણ છવાઈ ગઈ.

આઠમી સદીમાં સોંઘાઈ સામ્રાજ્યની શરૂઆત થયેલી. નાઇજર નદીકાંઠે પૂર્વ તરફ આવેલું ગાઓ ત્યારે આ સામ્રાજ્યનું પાટનગર રહેલું. 1493થી 1528 દરમિયાન આ સામ્રાજ્યનો શાસક આસ્કિયા મહંમદ હતો. ટિમ્બકટુ ત્યારે ખૂબ જ ધનિક અને સમૃદ્ધ શિક્ષણકેન્દ્ર હતું. 1591માં મોરૉક્કોમાંથી આવેલા આક્રમણકારોએ સોંઘાઈ સામ્રાજ્યને છિન્નભિન્ન કરી નાખેલું. તે પછીથી અહીં ઘણાં નાનાં નાનાં રાજ્યો ઊભાં થયેલાં.

ઓગણીસમી સદીના મધ્યકાળ દરમિયાન અહીં ફ્રેંચ લોકોએ વસાહત સ્થાપવા પ્રયાસ કરેલો. પરંતુ અહીંના અશ્વેત આફ્રિકી લોકોએ ફ્રેન્ચ દળોનો મુકાબલો કરીને હંફાવેલા. 1895 સુધી ફ્રેંચો અંકુશ મેળવવામાં સફળ થયા નહિ. 1895 પછી તેઓ આવતા ગયા અને 1904માં તેમણે અહીં ફ્રેંચ સુદાન નામે એક વસાહત સ્થાપી. પછીથી તે ફ્રેંચ વેસ્ટ આફ્રિકાનો ભાગ બની રહેલી. 1946માં ફ્રાંસે આ ફ્રેંચ સુદાનને ફ્રેંચ સંઘમાં પ્રાદેશિક દરજ્જો આપ્યો. 1958માં આ ફ્રેંચ સુદાન ‘ફ્રેંચ કોમ્યૂનિટી’માં સ્વશાસિત પ્રજાસત્તાક બન્યું. 1959માં ફ્રેંચ સુદાને અને સેનેગલે ભેગાં મળીને માલીનું સમવાયતંત્ર (federation) રચ્યું. માલી નેતા મોદીબો કિટા તેના વડા બન્યા; પરંતુ 1960ના ઑગસ્ટમાં આ સમવાયતંત્ર તૂટી પડ્યું. 1960ના સપ્ટેમ્બરની 22મી તારીખે ફ્રેંચ સુદાનને સંપૂર્ણ સ્વતંત્રતા મળી અને માલી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. કિટા તેના પ્રથમ પ્રમુખ બન્યા. તેમણે સોવિયેટ સંઘ અને અન્ય સામ્યવાદી રાષ્ટ્રો સાથે ગાઢ સંબંધો બાંધીને માલીના અર્થતંત્રને વિકસાવવા પ્રયાસો કર્યા. સામ્યવાદી દેશોએ અહીં કારખાનાં બાંધી આપ્યાં, પરંતુ દુનિયાભરમાં તે વખતે પ્રવર્તતા ફુગાવાએ અહીંના અર્થતંત્રને દેવામાં ડુબાવી દીધું.

1968માં માલીના લશ્કરી નેતાઓએ કિટાને ઉથલાવ્યા. લશ્કરી સમિતિના નેતા માઉસા ત્રાઓરે માલી સરકારનો કબજો લીધો. 1974માં માલીમાં બંધારણ પર મંજૂરીની મહોર વાગી. ધારાસભા અને પ્રમુખની સત્તા અસ્તિત્વમાં આવ્યાં. 1979ની ચૂંટણીમાં માલી પીપલ્સ ડેમોક્રૅટિક યુનિયન પક્ષ ચૂંટાઈ આવ્યો. ત્રાઓરે દેશના પ્રમુખ બન્યા.

1970 અને 1980ના બે દસકાઓ દરમિયાન અહીં એક પછી એક દુકાળ પડ્યા. અસંખ્ય ઢોર અને ઘેટાંબકરાં, હજારો ફુલાનીઓ અને તુરેગ ગોપાલકો ભૂખ-તરસથી કે અપોષણથી મૃત્યુ પામ્યાં. વિચરતી જાતિના હજારો લોકો ખોરાક-પાણીની ખોજમાં માલીના શહેરી વિસ્તારોમાં આવ્યા. સંયુક્ત રાષ્ટ્ર સંઘે અને ઘણા દેશોએ માલીને દૂધનો પાઉડર અને અનાજની સહાય કરી.

1991માં વિદ્યાર્થી-તોફાનો ફાટી નીકળ્યાં. એકપક્ષીય શાસન સામે હડતાળો પડી અને હિંસાત્મક દેખાવો યોજાયા. 150 લોકો મરાયા. આ બળવાઓ અને હુલ્લડો દાબી દેવાયાં, પરંતુ 1993–94માં પ્રમુખ ત્રાઓરેને 1991માં થયેલાં તોફાનો દાબી દેવાના રોષ બદલ ફાંસી દેવાઈ.

આજે પ્રવર્તતી ઔદ્યોગિક અછત અને માત્ર ખેતી પર નભવાની પરિસ્થિતિને કારણે માલીનું અર્થતંત્ર મર્યાદિત બનેલું છે. માલીનિવાસીઓ અર્થતંત્રને મજબૂત કરવા અને દુકાળની સમસ્યાઓનો સામનો કરવા પ્રયત્નશીલ છે.

ગિરીશભાઈ પંડ્યા