માલિકીહક્ક : મિલકત ઉપર અન્યોની સામે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાનો વૈધિક અને અબાધિત એકાધિકાર. જીવંત સ્ત્રી-પુરુષો, કાયદાથી માન્ય થયેલ સંસ્થાઓ, કેટલાક સંજોગોમાં મંદિરની મૂર્તિઓને પણ કાયદાએ ‘વ્યક્તિ’ તરીકે માન્ય કરી છે. આ બધાં માલિકીહક્ક ધરાવી શકે છે. જેમાંથી વ્યક્તિને માલિકીહક્ક પ્રાપ્ત થાય છે તે મિલકતો કહેવાય છે. કાયદા અને રૂઢિના સંમિશ્રણથી મિલકતો પેદા થતી હોય છે. આથી, માલિકીહક્ક અને માલિક પણ કાયદા અને રૂઢિના સંમિશ્રણથી પેદા થાય છે. વપરાશ અને કબજાની રૂઢિગત પરંપરાથી કોઈ એક વનવાસી હસ્તકની જમીન અને વૃક્ષો તેની મિલકત બને છે. એ જ જંગલનાં અન્ય સ્થળો પર કોઈના વપરાશ અને કબજાની પરંપરા નથી. તે કોઈની પણ મિલકત બનતી નથી. તે માત્ર કુદરતી સાધન રહે છે. કેટલાક દેશોમાં આવાં સાધનોને કાયદાથી રાજ્યની મિલકત તરીકે જાહેર કરવામાં આવે છે. મિલકતના ખ્યાલ બદલાતા રહ્યા છે. સત્તરમી સદી પહેલાં મોટાભાગના દેશોમાં મહિલાઓ મિલકત હતી. અપવાદરૂપ દેશો સિવાયના બધા દેશોએ હવે મહિલાને વ્યક્તિ તરીકે સ્વીકારી છે. ઓગણીસમી સદીના અંત સુધી ગુલામ તરીકે ઓળખાતી કોઈ પણ વ્યક્તિ મિલકત હતી. મોટાભાગની જડ વસ્તુઓ મિલકત હોય છે.

માલિકીહક્ક એક વિશેષાધિકાર છે કે જે હેઠળ મિલકતોનાં વપરાશ, કબજા અને ખરીદ-વેચાણ કરી શકાય છે. મિલકતોનાં વપરાશ, કબજા અને ખરીદ-વેચાણ કરતાં માલિકને મળતાં લાભ, આનંદ અને સુરક્ષાને ભોગવવાનો હક્ક માલિકને પ્રાપ્ત થાય છે. આ હક્ક માલિક ભોગવવા માંગતો હોય તો ભોગવી શકે છે. અન્યથા, એ હક્ક પણ એની મિલકત બનતા હોવાથી અન્યોને તે ભોગવવા આપી શકે છે. આમ, માલનાં ખરીદ-વેચાણમાંથી મળતા નફાને માલિક પગાર-વધારાથી કે દાનથી ઓછો કરી શકે છે, કે જતો કરી શકે છે. બીજી બાજુ, મિલકતનાં વપરાશ, કબજા કે ખરીદવેચાણથી માલિકને દુ:ખ, નુકસાન કે જોખમ પ્રાપ્ત થાય તો તે ભોગવવા એ બંધાયેલો છે. કોઈ પણ માલિક ખોટને ભોગવવા અન્યોને દબાણ કરી શકતો નથી. ખોટ ભોગવવાને માટે માલિકની કુલ મિલકતો ઓછી પડતી હોય એટલે કે માલિક નાદાર થાય તો સંબંધિતો પરસ્પર સમજૂતીથી કે અદાલત દ્વારા એવી ખોટને હિતના પ્રમાણમાં ભોગવતા હોય છે. આમ છતાં, દુ;ખ અને જોખમને ભોગવવામાં એટલી પણ છૂટ નથી, સિવાય કે એવાં ખોટ, દુ:ખ કે જોખમ ભોગવવાને માટે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ તૈયાર થાય. મિલકતોના વપરાશ અને/કે કબજાના હક્કોને માલિક તબદીલ કરે તોપણ તે મિલકતની માલિકી બદલાતી નથી, પરન્તુ જ્યારે માલિક વર્તનથી કે વિધિ કરીને માલિકીહક્કને તબદીલ કરે ત્યારે જ માલિકીહક્કનું હસ્તાંતર થાય છે. મોટાભાગની મિલકતોના માલિકીહક્ક હસ્તાંતરણીય છે. આમ છતાં, ઉદાહરણ સ્વરૂપ જોઈએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી પ્રાપ્ત કરીને ઑડિટરના વ્યવસાયમાં પેદા થયેલ માલિકીહક્કનું હસ્તાતંર થઈ શકતું નથી.

માલિકીહક્કનાં ઉદભવ અને અસ્તિત્વ પાછળ એક યા અન્ય પ્રકારના બળનો ટેકો હોવો અનિવાર્ય છે. ભૂતકાળમાં રાજાઓ અને સામંતો તલવારથી અને આધુનિક રાજ્યવ્યવસ્થાઓ કાયદાના બળ કે જેની પાછળ પોલીસથી માંડી લશ્કરની તાકાત હોય છે–થી માલિકીહક્કનો ઉદભવ કરે છે, તેના અસ્તિત્વને ટકાવે છે. આથી, બળાબળના મુકાબલા પ્રસંગે વિજેતા થનાર માલિક બને છે. સમગ્ર સમાજના પ્રયત્નોને પરિણામે મિલકતો પેદા થાય છે. મોટાભાગની મિલકતો કુદરતી સાધનોમાંથી પેદા થાય છે, તેથી મિલકતોનો માલિક કોઈ એકાદ વ્યક્તિ અથવા વ્યક્તિઓનું જૂથ હોઈ શકે કે સમગ્ર સમાજ હોઈ શકે તેની ચર્ચા અધૂરી રહી છે. આ સંદર્ભે માલિકીના હક્કને વ્યક્તિના મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. આ ચર્ચા અધૂરી રહી છે તેથી ચર્ચાના કોઈ પક્ષકારોએ મૂડીવાદી તો બીજા પક્ષકારોએ સમાજવાદી અને સામ્યવાદી વિચારધારા વિકસાવી છે. વ્યક્તિના અસ્તિત્વનો આધાર માલિકીહક્ક પર નહિ, પણ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા પર છે. આથી, માલિકીહક્કને બદલે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાની બાબતે મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવાનો આગ્રહ કેટલાક ચિંતકો તરફથી કરવામાં આવે છે.

સૂર્યકાન્ત શાહ