માલાર્મે, સ્તેફાન (જ. 18 માર્ચ 1842, પૅરિસ; અ. 9 સપ્ટેમ્બર 1898, વૅલ્વિન્સ, ફૉન્તેન બ્લો, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિતામાં પ્રતીકવાદીઓના આંદોલનના પ્રણેતા (પૉલ વર્લેન સાથે) અને કવિ. તેમણે એડ્ગર ઍલન પોનાં કાવ્યોનો અનુવાદ કર્યો હતો.
માલાર્મેને માતાની હૂંફ વધુ સમય મળી નહોતી. તેઓ પાંચેક વર્ષના હતા ત્યારે માતાનું ઑગસ્ટ 1847માં, 10 વર્ષ પછી ઑગસ્ટ 1857માં તેમની નાની બહેન મારિયાનું અને 1863માં તેમના પિતાનું અવસાન થયું. માલાર્મેની કવિ તરીકેની કારકિર્દીની શરૂઆતમાં આ કરુણ ઘટનાઓનો પાસ બેઠેલો જણાય છે. તેઓ કોઈ બીજા જ જગતની શોધમાં, આ નિષ્ઠુર વાસ્તવ-જગતથી દૂર ભાગી જવા ઝંખે છે. આ વસ્તુ તેમનાં કાવ્યોમાં અવારનવાર પડઘાય છે. શરૂઆતમાં પ્રાંતીય શાળાઓમાં ને ત્યારબાદ પૅરિસમાં શિક્ષક તરીકેની કારકિર્દી. ઘડી. 1863માં તેમનાં લગ્ન થયાં. બાળકોના જન્મ પછી તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. આર્થિક સંકડામણોમાંથી બહાર આવવા તેઓ સામયિકનું સંપાદન, શાળાના પાઠ્યપુસ્તક માટે લેખન તથા અનુવાદ જેવી અન્ય પ્રવૃત્તિઓ કરતા હતા. ઑક્ટોબર 1879માં 6 મહિનાની માંદગી બાદ તેમનો પુત્ર આનાતોલ મરણ પામ્યો. આ બધી મુશ્કેલીઓ છતાં તેમની કવિ તરીકેની કારકિર્દી વિકસતી રહી. 1862માં સામયિકોમાં પ્રગટ થયેલાં તેમનાં કાવ્યોમાં ચાર્લ્સ બૉદલેરનો પ્રભાવ હતો. તેમણે 1864માં ‘હેરાદિયાદા’ અને 1865માં ‘લા પ્રે-મિદિ ર્દું ફૉન’ જેવાં નાટ્યાત્મક કાવ્યો રચ્યાં. તેમાં કાલ્પનિક જગતનું નિયમન અને તેના વાસ્તવ સાથેના સંબંધના પૃથક્કરણની પ્રક્રિયા પ્રતિબિંબિત થાય છે. 1868માં માલાર્મે એવા નિર્ણય પર આવ્યા કે વાસ્તવથી આગળ કશાયનું અસ્તિત્વ નથી; શૂન્યતાય એમાં જ સમાયેલી છે. આમ છતાં, સર્વનાશને અતિક્રમી જવાની શક્તિ કવિતામાં છે. કવિનું કર્તવ્ય છે કે યથાર્થ સ્વરૂપોના સત્વને સમજે અને એ સત્વને સ્પષ્ટ અને સ્થિર કરે; વસ્તુઓનું એના મૂળ રૂપે જ વર્ણન કરવાને બદલે વસ્તુની સોડમને, ‘એના સત્વને’ સ્ફટિક જેવો ઘાટ આપે. પછીની જિંદગીમાં માલાર્મે તેમના સિદ્ધાંતોને આચરણમાં, કાવ્યોમાં મૂકવા મથતા રહ્યા.’ જેને તે ‘ગ્રાન્દ ઑવ્રે’ કહેતા હતા તે અંગેનાં કાવ્યો ઉપરાંત તેમણે 1884 અને 1890 દરમિયાન મેરી લૉરેન્તને ઉદ્દેશીનેય કેટલાંક કાવ્યો રચ્યાં. તેમાં વાસ્તવ સાથેનો પરમ સંતોષ અભિવ્યક્ત થાય છે. 1897માં, તેમના મરણ અગાઉ તેમને લાગ્યું કે ‘ગ્રાન્દ ઑવ્રે ઑર ’લ લિવ્રે’નું કાર્ય પૂરું થયું હોત તોપણ કદાચ લોકોએ તેમની અવગણના જ કરી હોત. કવિતાલેખનક્ષેત્રે તેમની મહત્વની કૃતિઓમાં 35 કાવ્યોનો સંગ્રહ ‘આલ્બમ દ વર્સ એત્ દ પ્રોઝ’ (1887) તથા ‘વર્સ એત્ પોઝ’ (1893, સંવર્ધિત 1899) છે. ‘દાઇવગેશન્સ’ (1897) તેમની વિવેચનક્ષેત્રની કૃતિ છે. ‘લ દેરનિયેર મોદ’ (1874) એમની અન્ય કૃતિ છે.
યોગેશ જોશી