માલાવી (ન્યાસાલૅન્ડ)

January, 2002

માલાવી (ન્યાસાલૅન્ડ) : અગ્નિ આફ્રિકામાં આવેલો રમણીય દેશ. ભૌગોલિક સ્થાન : તે 13° 30´ દ. અ. અને 34° 00´ પૂ. રે. આજુબાજુનો 1,18,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 850 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ સ્થાનભેદે 80થી 160 કિમી. જેટલી છે. આ દેશનું મુખ્ય ભૂમિલક્ષણ તેની પૂર્વ સરહદે ઉત્તર-દક્ષિણ વિસ્તરેલું માલાવી (જૂનું નામ : ન્યાસા) સરોવર છે. તે પૂર્વ સરહદ પરનો ઘણો મોટો વિસ્તાર આવરી લે છે. માલાવીની ઉત્તરે અને ઈશાનમાં ટાન્ઝાનિયા, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ તરફ મોઝામ્બિક તથા પશ્ચિમે ઝામ્બિયા દેશો આવેલા છે. આ દેશ બ્રિટિશ શાસન હેઠળ હતો ત્યારે તે ન્યાસાલૅન્ડ નામથી ઓળખાતો હતો, પરંતુ આજનું તેનું માલાવી નામ, 16મી સદી દરમિયાન અહીંના સ્થાનિક માલાવી લોકોએ ઊભા કરેલા માલાવી સામ્રાજ્ય પરથી દેશ સ્વતંત્ર થયા પછી પાડવામાં આવેલું છે. અગાઉ આ પ્રદેશ ન્યાસાલૅન્ડનું બ્રિટિશ રક્ષિત રાજ્ય હતું, પરંતુ 1964માં તે સ્વતંત્ર દેશ બન્યો છે. દેશના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલું લિલોંગવે પાટનગર છે અને દક્ષિણ ભાગમાં આવેલું બ્લેન્ટાયર દેશનું મોટામાં મોટું શહેર છે.

માલાવી

ભૂપૃષ્ઠઆબોહવા : માલાવી સરોવરને કારણે દેશનું ભૂપૃષ્ઠ અત્યંત રમણીય બની રહેલું છે. માલાવીનો પ્રદેશ ભૂમિથી બંધિયાર સાંકડા ઉચ્ચપ્રદેશ જેવો છે. સરોવરની પશ્ચિમે પર્વતીય પ્રદેશ આવેલો છે. ભૂપૃષ્ઠનો મોટો ભાગ ઘાસભૂમિથી તેમજ સવાના પ્રદેશથી છવાયેલો છે. પ્રાચીન કાળમાં થયેલાં જ્વાળામુખી પ્રસ્ફુટનોને કારણે અહીંની જમીનો ઉપજાઉ બનેલી છે, પરંતુ દેશનો માત્ર 13 ભાગ જ ખેતીયોગ્ય છે, કારણ કે પર્વતો, જંગલો અને અસમતળ ગૌચરોથી દેશનો મોટો ભાગ છવાયેલો છે. માલાવીની ઉત્તર–દક્ષિણ લંબાઈમાં સરોવરને સમાવી લેતી આફ્રિકાની મહાફાટખીણ વિસ્તરેલી છે. આ ખીણનો મોટો ભાગ માલાવી સરોવરે રોકેલો છે. તે સમુદ્રસપાટીથી 472 મીટરની ઊંચાઈ પર આવેલું છે. સરોવરના દક્ષિણ છેડેથી શાયર નદી નીકળે છે, દક્ષિણ માલાવીને તે બે ભાગમાં વહેંચી નાખે છે, ત્યાંથી દક્ષિણ તરફ વહીને દેશની હદ બહાર ઝામ્બેસી નદીને મળે છે. સરોવરથી પશ્ચિમ તરફ ઉગ્ર ઢોળાવોવાળા ઉચ્ચપ્રદેશો આવેલા છે. તે સમુદ્રસપાટીથી આશરે 1,200 મીટરની સરેરાશ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. માલાવીનો ઊંચામાં ઊંચો પર્વત સપિત્વા (Sapitwa) (ઊંચાઈ 3,000 મીટર) બ્લાન્ટાયરથી પૂર્વમાં, ઝોમ્બા શહેર અને શાયર નદીના અગ્નિભાગમાં તથા ચિલ્વા સરોવરની દક્ષિણે આવેલો છે.

સરોવર અને શાયર નદીના નીચાણવાળા ભૂમિભાગોની આબોહવા ગરમ, ભેજવાળી અયનવૃત્તીય છે. અહીંનું સરેરાશ તાપમાન 23°થી 26° સે. જેટલું રહે છે; ઉચ્ચપ્રદેશનો ઉપરનો ભાગ પ્રમાણમાં ઠંડો રહે છે, ત્યાંના નીચા ભાગોનું તાપમાન આશરે 18° સે. જેટલું રહે છે. દેશના ઉત્તર ભાગમાં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 1,800 મિમી. જેટલો પડે છે, જ્યારે નૈર્ઋત્ય ભાગમાં માત્ર 760 મિમી. જેટલો વરસાદ પડે છે.

અર્થતંત્ર : માલાવીની વસ્તીનો મોટો ભાગ મૂળ આફ્રિકી અશ્વેત જાતિઓથી બનેલો છે. તેઓ ગરીબ છે. માલાવીની ગરીબ દેશમાં ગણના થાય છે. અહીં મહત્વના ગણી શકાય એવા કોઈ ખનિજ-નિક્ષેપો પણ આવેલા નથી. દેશનું અર્થતંત્ર ખેતી પર આધારિત હોવા છતાં માત્ર 33 % ભૂમિભાગ જ ખેતી કરવા માટે અનુકૂળ છે. અહીંનો મુખ્ય નિકાસી પાક ચા છે. યુરોપિયનોની માલિકી હેઠળના ચાના બગીચા ઊંચાણવાળા ભાગોમાં આવેલા છે. અહીંના નિવાસીઓ દ્ધારા ઉગાડવામાં આવતા અન્ય પાકોમાં જુવાર, શેરડી, તમાકુ, કપાસ, મકાઈ અને મગફળીનો સમાવેશ થાય છે. ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ કરે છે. આ ઉપરાંત માલાવી સરોવરમાં મત્સ્યપ્રવૃત્તિ પણ થાય છે. ઈંટો, સિમેન્ટ, કાપડ-કપડાં તેમજ પ્રક્રમિત ખાદ્યપેદાશોનું પણ ઉત્પાદન લેવાય છે. દેશનો વાયવ્ય ભાગ મૂલ્યવાન સખત લાકડાં ધરાવતાં જંગલોથી છવાયેલો છે, પરંતુ ત્યાં લાકડાં લેવા માટે ટ્રક જેવાં સાધનોને લઈ જવાનું ખૂબ જ મુશ્કેલ પડે છે.

દેશમાં આશરે કુલ 10,000 કિમી.ની લંબાઈના રસ્તાઓ આવેલા છે, પરંતુ તે પૈકીના માત્ર 1,000 કિમી.ના રસ્તા જ બાંધેલા છે. મુખ્ય ધોરી માર્ગ દેશની લંબાઈને વીંધીને પસાર થાય છે. તે ટાન્ઝાનિયા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે સાથે માલાવીને જોડે છે. શાયર નદીખીણમાં રેલમાર્ગ આવેલો છે. તે દેશને હિન્દી મહાસાગર પરના મોઝામ્બિકના બીરા (Beira) બંદર સાથે જોડે છે. બ્લાન્ટાયર નજીક આવેલું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પૂર્વ અને દક્ષિણ આફ્રિકી દેશો સાથે હવાઈ સેવાથી સંકળાયેલું રહે છે.

ટેકરીઓના ઢોળાવો પર ચાના બગીચા અને કારખાનાં, માલાવી

વસ્તીલોકો : 1995ના અંદાજ મુજબ માલાવીની વસ્તી 1,11,29,000 જેટલી છે. તે પૈકીનો મોટો ભાગ અશ્વેત આફ્રિકી લોકોથી બનેલો છે. ઘણાખરા લોકો નાનાં ગામડાંઓમાં વસે છે. તેમનાં ઘરો ગોળ કે લંબગોળ આકારવાળાં, કાદવથી બનાવેલી દીવાલોવાળાં, તથા ઘાસ-ડાળીઓની છતવાળાં હોય છે. અહીંના મુખ્ય જાતિ-સમૂહોમાં ચેવા, ન્યાન્જા, યાઓ, સેના, ટોંગા, તંબુકા, લોમ્વે તથા ગોની કે અંગોની લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશરે 14,000 જેટલા એશિયાઈ અને 9,000 જેટલા યુરોપિયનો પણ છે. આ ઉપરાંત દેશમાં મિશ્ર ઉત્પત્તિ ધરાવતા લોકોની વસ્તી પણ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ ધરાવતાં કુટુંબોમાં પિતા કુટુંબનો વડો ગણાય છે. તે જ તેનો વંશવારસ નિયુક્ત કરે છે. માલાવી જાતિસમૂહોમાં કૌટુંબિક વડાનું સ્થાન માતા ભોગવે છે અને વંશવારસ પણ માતા જ નક્કી કરે છે. સ્ત્રીઓ અને પુરુષો બંને ખેતીનું કામ કરે છે. સ્ત્રીઓ કુટુંબ માટે ખાદ્ય અનાજની, જ્યારે પુરુષો વેચાણ માટેના શેરડી, તમાકુ કે ચા જેવા પાકોની ખેતી કરે છે.

દેશમાં પુરુષ-આયુદર 48 વર્ષ અને સ્ત્રી-આયુદર 50 વર્ષનો જોવા મળે છે. શિક્ષણનું પ્રમાણ 22 % જેટલું છે. માલાવીની સત્તાવાર ભાષાઓ ન્યાન્જા અને યાઓ છે અને માલાવી લોકો પણ આ ભાષાઓનો જ ઉપયોગ કરે છે. ઉત્તર માલાવીમાં તંબુકા ભાષા બોલાય છે. અહીં લગભગ 8 લાખ બાળકો (70 % છોકરાઓ, 50 % છોકરીઓ) પ્રાથમિક શાળામાં જાય છે, પરંતુ તેમાંથી માત્ર 4,500 જેટલાં બાળકો જ માધ્યમિક શાળા સુધી પહોંચે છે. દેશમાં 17 જેટલી માધ્યમિક શાળાઓ આવેલી છે. ઝોમ્બા ખાતે યુનિવર્સિટી ઑવ્ માલાવી આવેલી છે, ત્યાં તેમજ અન્ય શહેરોમાં આ યુનિવર્સિટી-સંલગ્ન કૉલેજો તથા અન્ય ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. દેશમાં 75 % લોકો ખ્રિસ્તી, 20 % લોકો મુસ્લિમ અને 5 % લોકો પરંપરાગત ઊતરી આવેલા અન્ય ધર્મો પાળે છે. લિલોંગવે, બ્લેન્ટાયર, ઝુઝુ અને ઝોમ્બા અહીંનાં મુખ્ય શહેરો છે.

વહીવટ : માલાવી પ્રજાસત્તાક દેશ છે. પ્રમુખ દેશના વડા તેમજ મુખ્ય વહીવટકર્તા ગણાય છે. પ્રમુખ દેશનો વહીવટ ચલાવવા પ્રધાનમંડળની રચના કરે છે. બંધારણ અનુસાર દેશની પ્રજા પાંચ વર્ષના સત્ર માટે પ્રમુખની ચૂંટણી કરે છે; પરંતુ 1970માં બંધારણમાં સુધારો કરીને હેસ્ટિંગ્ઝ કામુઝુ બાંદાને આજીવન પ્રમુખ બનાવેલા. લોકો માલાવીની સંસદ માટે 101 સભ્યોને ચૂંટી કાઢે છે. તદુપરાંત પ્રમુખ તેમને યોગ્ય લાગે એટલી સંખ્યામાં સભ્યોને નિયુક્ત કરવાનો અધિકાર ધરાવે છે; પરંતુ આ બધા જ સભ્યો માત્ર પાંચ વર્ષની અવધિ માટે જ સેવા આપી શકે છે. અહીં માલાવી કૉંગ્રેસ પક્ષ એકમાત્ર રાજકીય પક્ષ છે. દેશને ત્રણ વહીવટી વિભાગોમાં અને 24 જિલ્લાઓમાં વહેંચવામાં આવેલો છે.

ઇતિહાસ : આશરે 2,000 વર્ષ અગાઉ બાંટુ ભાષા બોલતા લોકોએ આ પ્રદેશમાં વસવાટ શરૂ કરેલો. તેમણે અહીં રાજ્યોની સ્થાપના કરેલી તેમજ નાના નાના રાજકીય પક્ષોની રચના કરેલી. 1830–40ના અરસામાં યાઓ અને અંગોની નામનાં બે બાંટુભાષી જૂથોએ અહીં આક્રમણો કરેલાં. આફ્રિકાના પૂર્વ કિનારા પર આરબ વેપારીઓ સાથે યાઓ લોકો ગુલામોનો વેપાર કરતા. 1859માં એક બ્રિટિશ ધર્મપ્રચારક અહીં આવેલા. તેમણે ગુલામોના આ વેપારમાં ગુલામો સાથેનું ક્રૂરતાભર્યું વર્તન નિહાળ્યું. તેમણે આ પ્રદેશમાં આ અંગે શાંતિ સ્થપાય એ માટેના પ્રયાસો આદર્યા. 1875માં ફ્રી ચર્ચ ઑવ્ સ્કૉટલૅન્ડ તરફથી શાંતિ સ્થાપવાના હેતુથી એક ધાર્મિક મિશન મોકલવામાં આવ્યું. આ મિશન અમુક વખત પછી ધાર્મિક મથકમાં ફેરવાયું. ત્રણ વર્ષ બાદ સ્કૉટિશ વેપારીઓએ ગુલામોનો કાયદેસર વેપાર કરવા માટે આફ્રિકન લેક કૉર્પોરેશનની રચના કરી. 1889માં બ્રિટને ન્યાસા સરોવરના પશ્ચિમ કાંઠા પરના સ્થાનિક મુખીઓ સાથે સંધિ કરી. બીજાં બે વર્ષ બાદ બ્રિટને ન્યાસાલૅન્ડને બ્રિટિશ રક્ષિત પ્રદેશ તરીકે જાહેર કર્યો. 1953માં બ્રિટને આ રક્ષિત પ્રદેશને તત્કાલીન ઉત્તર અને દક્ષિણ રહોડેશિયા સાથે સમવાયતંત્રનો એક ભાગ બનાવ્યો, પરંતુ અહીંના નિવાસીઓએ આ સમવાયતંત્રનો વિરોધ કર્યો. 1958માં યુ.એસ.માં અભ્યાસ કરીને ડૉક્ટર બનેલા અહીંના વતની હેસ્ટિંગ્ઝ કામુઝુ બાંદા આ રક્ષિત પ્રદેશને સ્વતંત્રતા મળે તે માટે સ્વાતંત્ર્ય ચળવળના નેતા બન્યા. પરિણામે 1964ના જુલાઈમાં ન્યાસાલૅન્ડ સ્વતંત્ર થયું, માલાવી બન્યું. 1966માં દેશ માટે નવું બંધારણ ઘડાયું અને સ્વીકારાયું. ત્યારથી માલાવી પ્રજાસત્તાક દેશ બન્યો છે. 1970માં બંધારણમાં સુધારો કરીને બાંદાને આજીવન પ્રમુખ બનાવવામાં આવ્યા.

આ અગાઉ અહીંના વસાહતીઓ આજુબાજુના પ્રદેશોમાં કામ મેળવવા માટે ગયેલા; પરંતુ દેશને સ્વતંત્રતા મળતાં, અહીંની સરકારે તેને પગભર કરવા તેમજ તેનું આર્થિક ઉત્પાદન વધારવા લોકોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેથી દેશમાંથી બહાર જતા લોકોમાં ઘટાડો નોંધાયો. આ ઉપરાંત, વિદેશી સહાય અને વિદેશી નાણારોકાણની યોજનાઓ પણ અમલમાં મુકાઈ. વળી આ દેશે નજીકના અશ્વેત શાસનવાળા દેશો સાથે સારા સંબંધો કેળવ્યા અને જાળવ્યા. 1993 પછીથી એકપક્ષીય શાસન-પદ્ધતિ બંધ કરવામાં આવી અને 1994થી બાકીલી મુલુઝીને મુક્ત ચૂંટણી દ્વારા દેશના પ્રમુખ અને વડા તરીકે મૂકવામાં આવ્યા છે.

ગિરીશભાઈ પંડ્યા