ઇત્મદ ઉદ્-દૌલાનો મકબરો
January, 2002
ઇત્મદ ઉદ્-દૌલાનો મકબરો (1628) : યમુના નદીને કિનારે આગ્રામાં જહાંગીરની બેગમ નૂરજહાંના પિતાની યાદગીરીમાં ઊભી કરાયેલી ઇમારત. એક રહેઠાણના માળખા પ્રમાણે બનાવવામાં આવેલી આ ઇમારત મુઘલ સમયની શૈલીમાં લાલ પથ્થરના વપરાશ પરથી શાહજહાંના સમય દરમિયાનના આરસપહાણના ઉપયોગ તરફનો ઝોક દર્શાવે છે. વચ્ચેના સમચોરસ ઓરડાની આજુબાજુ લંબચોરસ ઓરડા, ખૂણામાં નાની સમચોરસ ઓરડી અને અષ્ટકોણ મિનારા આ મકાનના મુખ્ય ભાગો છે. આખી ઇમારતની બહારની બાજુ આરસપહાણની સપાટી પર અત્યંત કલાત્મક અને કીમતી પથ્થરોનું જડતરકામ કરવામાં આવ્યું છે, જે જુદા જુદા આકારો અને ફૂલપાંદડીની આકૃતિઓથી કંડારવામાં આવ્યું છે. આ સમય દરમિયાન આ જાતની કલા પરત્વે રાજસ્થાની કારીગરોએ સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું. મહદ્અંશે તેને ઈરાનનાં લાદીજડેલ મકાનો સાથે સરખાવી શકાય. ચાર બાગને અનુરૂપ બગીચાની વચ્ચે આ મકાનનું આયોજન કરાયેલું છે. તેની ચાર બાજુ લાલ પથ્થરના સુંદર દરવાજા છે, જે આ મકાનનું એક અત્યંત સુઘટિત આવરણ બની રહે છે.
રવીન્દ્ર વસાવડા