માર્વેલ, ઍન્ડ્રુ (જ. 31 માર્ચ 1621, વાઇનસ્ટેડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 ઑગસ્ટ 1678, લંડન) : આંગ્લ કવિ. એક ઉત્તમ ધર્મનિરપેક્ષ તત્વમીમાંસક કવિ તરીકે તેમની ખ્યાતિ છે. જોકે વીસમી સદી સુધી તેમની રાજકીય ખ્યાતિને કારણે તેમની કાવ્યપ્રતિભા ઢંકાઈ ગઈ હતી.

ઍન્ડ્રુ માર્વેલ

તેમણે હલ ગ્રામર સ્કૂલ તથા કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કરી 1639માં બી.એ.ની ડિગ્રી મેળવી. પિતાના મૃત્યુ(1641)ને કારણે તેમની આશાસ્પદ શૈક્ષણિક કારકિર્દી રોળાઈ ગઈ. પાંચેક વર્ષ પરદેશમાં ટ્યૂટર તરીકે ગાળ્યા પછી, તે પાર્લમેન્ટરી જનરલ લૉર્ડ ફેરફૅક્સનાં પુત્રી મેરીના ટ્યૂટર બન્યા; એ દરમિયાન તેમણે ‘અપૉન ઍપલટન હાઉસ’ અને ‘ધ ગાર્ડન’ જેવી નોંધપાત્ર કાવ્યકૃતિઓની રચના કરી.

પ્રારંભમાં ઑલિવર ક્રૉમવેલની કૉમનવેલ્થ સરકારના વિરોધી હોવા છતાં તેમણે 1650માં ‘ઍન હૉરેશિયન ઓડ અપૉન ક્રૉમવેલ્સ રિટર્ન ફ્રૉમ આયર્લૅન્ડ’ નામનું કાવ્ય રચ્યું અને 1653થી 1657 દરમિયાન ક્રૉમવેલના પાલ્ય વિલિયમ ડટનના ટ્યૂટર તરીકે કામ કર્યું. 1657માં તે ફૉરિન ઑફિસમાં જૉન મિલ્ટનના લૅટિન સેક્રેટરી તરીકે જોડાયા. ‘ધ ફર્સ્ટ ઍનિવર્સરી’ (1655) તથા ‘ઑન ધ ડેથ ઑવ્ ઓ.સી.’ (1659) પરથી ક્રૉમવેલ વિશેનો તેમનો વધતો જતો આદરભાવ જોવા મળે છે. 1659માં તે હલ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પાર્લમેન્ટના સભ્ય તરીકે ચૂંટાયા અને મૃત્યુ પર્યંત એ પદેથી પ્રભાવક અને કુનેહભરી કામગીરી બજાવી.

1660માં ચાર્લ્સ બીજાના પુન:રાજ્યારોહણ પછી, તેઓ રાજકીય કટાક્ષકાવ્યો તથા કટાક્ષપૂર્ણ લેખો લખવા તરફ વળ્યા.

તેમના મૃત્યુ પછી તેમના ઘરનો કારોબાર સંભાળતાં મહિલાએ પોતે માર્વેલનાં વિધવા હોવાનો દાવો કર્યો હતો. જોકે આ કાલ્પનિક તુક્કો જ હતો. મેરી પામર નામનાં એ મહિલાને કવિની અંગત ચીજવસ્તુઓમાંથી મળેલી હસ્તપ્રત પરથી જ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 1681માં પ્રગટ થયો.

તેમની રાજકીય કારકિર્દી વીસરાઈ ગઈ છે અને કટાક્ષકાર તરીકેની ખ્યાતિ બીજા લેખકોની સમકક્ષ જ ગણાતી રહી છે. પરંતુ તેમનાં કટાક્ષેતર કાવ્યો વિશે ઓગણીસમી સદીમાં ચાર્લ્સ લૅમ્બે પણ ભલામણ કરી હતી અને ત્યારબાદ તેમનાં કાવ્યો અનેક પાઠ્યસંચયોમાં સ્થાન પામતાં રહ્યાં. વીસમી સદીમાં દેશના એક સૌથી નોંધપાત્ર કવિ તરીકે તેમની ગણના થવા પામી. તાત્વિક રીતે તેઓ સારગ્રાહી અભિગમ ધરાવતા હતા. ‘ટુ હિઝ કૉય મિસ્ટ્રેસ’ મેટાફિઝિકલ અથવા તત્વમીમાંસક કવિતાનો ઉત્તમ નમૂનો લેખાય છે. ‘ક્રૉમવેલ ઓડ્ઝ’ નામક કાવ્યગુચ્છ એક પ્રશિષ્ટતાવાદી સર્જકની કૃતિઓ બની છે. તેમનાં પ્રકૃતિકાવ્યો પ્યુરિટન પ્લેટૉનિસ્ટ પ્રકારનાં કાવ્યોને મળતાં આવે છે. ખાસ કરીને તેમના સમયના ધર્મ કે રાજકારણ વિશે તેમણે ક્યારેય પક્ષપાત કે પૂર્વગ્રહ દાખવ્યા નથી.

મહેશ ચોકસી