માર્ટિન, આર્ચર જૉન પૉર્ટર (જ. 1 માર્ચ 1910, લંડન) : બ્રિટિશ જૈવ રસાયણવિદ્ અને પેપર-ક્રૉમેટોગ્રાફીના સહસંશોધક.

આર્ચર જૉન પૉર્ટર માર્ટિન

માર્ટિન 1921થી 1929 સુધી બેડફર્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ, 1932માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા અને પ્રો. જે. બી. એસ. હૉલ્ડેનથી પ્રભાવિત થયા હોવાથી ત્યાં જ જૈવરસાયણમાં વિટામિનો ઉપર સંશોધન કરીને 1938માં પીએચ.ડી.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ લીડ્ઝમાં વુલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઍસોસિયેશનમાં જોડાયા. તે પછી તેઓ બૂટ્સ ડ્રગ કંપની(નૉટિંગહામ)માં જૈવ રસાયણના રિસર્ચ વિભાગમાં જોડાયા તથા 1946માં તેના વડા બન્યા. ત્યાં આર. એમ. એલ. સિંજ સાથે ઍમિનોઍસિડનાં સંકીર્ણ મિશ્રણોમાંથી તેમના ઘટકો જુદા પાડવાની રીતો શોધતાં શોધતાં વિભાજન વર્ણલેખિકી(partition chromatography)ની પ્રવિધિ વિકસાવી. 1944 સુધીમાં તો માર્ટિને આ પ્રવિધિ લગભગ સંપૂર્ણત: વિકસાવી; જેમાં વિભાગીકરણ (partition) અને અવશોષણ (absorption) બંને ક્રિયાઓનો સમન્વય થતો હતો. વળી તે પદ્ધતિ ખૂબ સાદી હતી. આ પેપર-ક્રૉમેટૉગ્રાફી પ્રવિધિમાં એક કાગળ ઉપર નમૂનાને ખૂબ ઓછા પ્રમાણના એક ટપકા તરીકે મૂકીને આ ટપકાને દ્રાવકની મદદથી ધીરે ધીરે ખસેડવામાં આવતાં તે ટપકાંમાંના ઘટકો થોડે થોડે અંતરે જુદા પડેલા જણાય છે. આ પદ્ધતિ રસાયણવિદોને અબાષ્પશીલ સંકીર્ણ મિશ્રણોમાંના ઘટકોને છૂટા પાડવા માટે અતિશય ઉપયોગી જણાઈ છે.

1948થી માર્ટિન પહેલાં લિસ્ટર ઇન્સ્ટિટ્યૂટ તથા ત્યારબાદ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચમાં રહ્યા તથા 1953થી તેમણે વાયુ-પ્રવાહી ક્રૉમેટૉગ્રાફીની નવી પ્રવિધિ વિકસાવી, જેમાં બાષ્પશીલ મિશ્રણોના ઘટકોને નિષ્ક્રિય ટેકા પર લીધેલા (સિલિકોન ઑઇલ જેવા) અવશોષક(absorbent)ના સ્તંભ દ્વારા જુદા પાડવામાં આવે છે. આ રીત પણ વૈશ્લેષિક રસાયણ તેમજ જૈવ રસાયણમાં ખૂબ જ સફળ પુરવાર થઈ છે. માર્ટિન અને સિંજને 1952નો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે આ શોધ બદલ આપવામાં આવેલો. તેઓ 1959થી ઍબટ્સબરી લૅબોરેટરી લિ. ના ડિરેક્ટર છે. 1950માં તેઓ રૉયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા હતા. તેમને કંપેનિયન ઑવ્ બ્રિટિશ એમ્પાયર (1960), બર્ઝેલિયસ મેડલ ઑવ્ સ્વીડિશ મેડિકલ સોસાયટી (1951), જૉન સ્કૉટ ઍવૉર્ડ (1958), ફ્રૅંકલિન ઇન્સ્ટિટ્યૂટ મેડલ (1959), લેવલ-હ્યુલીન મેડલ (1963) જેવા અનેક પુરસ્કારો મળ્યા છે. આ ઉપરાંત 1963માં તેમણે નેધરલૅન્ડ્ઝમાં આઇન્ટહોવન (Eindohoven) ખાતેની ટૅકનૉલૉજિકલ યુનિવર્સિટીમાં ખાસ પ્રવચનો આપેલાં.

જ. પો. ત્રિવેદી