માર્ટિન, કિંગ્ઝલી (જ. 1897, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1969) : જાણીતા આંગ્લ પત્રકાર. તેમણે કેમ્બ્રિજ તથા પ્રિન્સટન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. 1923થી 1927 દરમિયાન તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ તેઓ પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. 1927થી 1931 સુધી તેમણે ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’માં કામગીરી બજાવી. 1932થી 1962 સુધીના ગાળામાં તેમણે ‘ન્યૂ સ્ટેટ્સમેન ઍન્ડ નેશન’માં કામ કર્યું અને સમાજવાદી વિચારધારાના, ર્દઢ આત્મ-નિર્ભરતા ધરાવતા સાપ્તાહિક સામયિક તરીકે તેની નવતર મુદ્રા ઉપસાવી. તે સામયિકની કટારોમાં બર્ટ્રાન્ડ રસેલે ઠંડા યુદ્ધ (cold war) વિશે લખેલા એક ખુલ્લા પત્રના જવાબરૂપે એ જ કટારોમાં જૉન ફૉસ્ટર ડલેસે તથા ક્રુશ્ચૉફે પત્રો લખ્યા હતા.

મહેશ ચોકસી