માર્કસ, રુડોલ્ફ આર્થર (જ. 21 જુલાઈ 1923, મૉન્ટ્રિયલ, કૅનેડા) : રસાયણશાસ્ત્રમાં અતિઉત્તેજિત પ્રાયોગિક વિકાસ (highly stimulated experimental developments) માટે 1992ના વર્ષના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારવિજેતા. તેઓ મેકગિલ યુનિવર્સિટીમાંથી 1943માં ગ્રૅજ્યુએટ થયા અને 1946માં તેમણે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1988માં તેમને ડી.એસસી.ની માનાર્હ પદવી પ્રાપ્ત થયેલી. 1983માં પણ આવી જ પદવીથી તેમને સન્માનવામાં આવેલા. તેઓ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, પાસોડના ખાતે સંશોધન કરી રહ્યા છે. રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન અણુઓ વચ્ચે ઇલેક્ટ્રૉન જેવા અવપરમાણુક કણો કેવી રીતે ગતિ કરે છે અને પરમાણુઓ તેમનાં સ્થાન કેવી રીતે બદલે છે તેનું ગાણિતિક વિશ્લેષણ તેમણે કર્યું છે. રાસાયણિક પ્રક્રિયાઓ આગળ વધે ત્યારે તેમની ઝડપમાં કેવી અને શા માટે ભિન્નતા જોવા મળે છે તે તેમણે જણાવ્યું છે. આ સંશોધનને લીધે પ્રકાશસંશ્લેષણ, લોખંડને કાટ લાગવો અને ઇલેક્ટ્રૉનના સંવહન (conduction) જેવી રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર પ્રકાશ પડ્યો છે. વીસમી સદીના પાંચમા અને છઠ્ઠા દાયકા દરમિયાન પ્રકાશિત થયેલાં તેમનાં સંશોધનો અન્ય રસાયણવિદો દ્વારા હંમેશાં સ્વીકૃત બન્યાં ન હતાં. નોબેલ કમિટીએ નોંધ્યું છે કે માર્કસની આગાહીઓ(predictions)ને પ્રાયોગિક રીતે ચકાસી શકાય નહિ ત્યાં સુધી વૈજ્ઞાનિક સમાજે 1980ના દાયકાના પાછલા ભાગ સુધી રાહ જોવી પડી છે.
વિશ્વની ઘણી યુનિવર્સિટીઓમાંથી તેમણે માનાર્હ પદવીઓ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત તેમને દસ જેટલા તજ્જ્ઞતા(proficiency) – પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. રસાયણશાસ્ત્ર અંગેનાં 15 જેટલાં સુપ્રસિદ્ધ સામયિકોની સંપાદક સમિતિઓમાં પણ તેઓ રહી ચૂક્યા છે.
પ્રહલાદ બે. પટેલ