માતૃકા : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું લઘુકાવ્યસ્વરૂપ. ‘માતૃકા’ એટલે મૂળાક્ષર–બારાખડી. આ સ્વરૂપની રચનાઓમાં ‘અ’થી માંડીને ક્રમશ: દરેક મૂળાક્ષરથી આરંભ થતાં ઉપદેશાત્મક પદ્યો આપવામાં આવે છે. ઘણુંખરું એ ચોપાઈ છંદમાં હોય છે. વર્ણમાળાના 52 અક્ષરોને સમાવતી હોઈ આવી રચનાઓ માતૃકાબાવનીના નામે પણ ઓળખાવાઈ છે.
આ જ રીતે ‘ક’ વર્ણથી શરૂ થતાં ક્રમિક વ્યંજનોવાળાં ઉપદેશાત્મક પદ્યોને ‘કક્ક’ કે ‘કક્કો’ કહેવાય છે, જે ઘણુંખરું દુહામાં રચાયેલાં હોય છે.
માતૃકામાં પ્રથમાક્ષરની ક્રમિકતા એ મહત્વનું લક્ષણ બની જતાં કૃતિના આ બહિરંગ પ્રત્યે કવિનું ધ્યાન વિશેષ કેન્દ્રિત થયું હોય છે. કાવ્યતત્વની ર્દષ્ટિએ આવી રચનાઓ કોઈ વિશેષ સિદ્ધિ દર્શાવતી નથી કે એવી ગુંજાશ પણ એમાં જણાતી નથી. ધર્મોપદેશ આપવા માટે જ, નાનાં બાળકોને ભણાવાતી બારાખડીના માધ્યમને અહીં પ્રયોજવામાં આવે છે.
માતૃકામાં કોઈ એક સળંગ વિષયનું નિરૂપણ હોઈ શકે અથવા તો પ્રત્યેક કડીમાં સ્વતંત્ર બોધપ્રધાન જ્ઞાન-વિચાર રજૂ થયો હોય. એમ હોય ત્યારે, ક્યારેક માતૃકાની કેટલીક કડી સ્વતંત્ર સુભાષિત-મુક્તક તરીકે આસ્વાદ્ય બની શકે.
મુખ્યત્વે જૈન સાધુઓને હાથે આ પ્રકારનાં કાવ્યો લખાયાં હોઈ એનાં સમ્યક્ત્વ સહિતનું ધર્માચરણ, તીર્થંકર-ગુરુ-ધર્મનાં વચનોમાં શ્રદ્ધા, 5 મહાવ્રતોનું પાલન જેવાં બોધવચનો કાવ્યનો વિષય બને છે.
મધ્યકાળમાં આ પ્રકારની જે રચનાઓ થઈ છે તેનાં શીર્ષકો ક્યારેક કૃતિ-અંતર્ગત વિષય, કૃતિનો છંદ કે તેનું લાક્ષણિક સ્વરૂપ વગેરેનો પણ માતૃકા સ્વરૂપની સાથોસાથ નિર્દેશ કરે છે; જેમ કે, ‘આત્મબોધ–માતૃકા’માં કાવ્યનો વિષય, ‘સમ્યક્ત્વ માઇ ચઉપઇ’માં કાવ્યનો છંદ, તો ‘માતૃકા ફાગ’માં ફાગુનું સ્વરૂપ નિર્દિષ્ટ થયાં છે.
ચૌદમી સદીમાં કવિ જગડુ (જિનેશ્વરસૂરિશિષ્ય) કૃત 62 કડીની ‘સમ્યક્ત્વ માઇ ચઉપઇ’, કવિ પદ્મરચિત 57 કડીની ‘દુહામાતૃકા’ અને અજ્ઞાત કવિ કૃત 64 કડીની ‘માતૃકાબાવની’ રચાઈ છે; તેમાંની જગડુ અને પદ્મકવિની માતૃકાઓ પ્રકાશિત થઈ છે.
પંદરમી સદીમાં જયમૂર્તિગણિરચિત 64 કડીની ‘માતૃકા’, કવિયણરચિત 31 કડીની ‘માતૃકા ફાગ’, પૃથ્વીચંદ્ર(રુદ્રપલ્લીય ગચ્છના અભયસૂરિશિષ્ય)કૃત 58 કડીની ‘માતૃકા પ્રથમાક્ષર દોહક’ તેમજ અજ્ઞાત કવિઓએ રચેલી 64 કડીની ‘દીપક માઇ’, 64 કડીની ‘આત્મબોધમાતૃકા’ અને 49 કડીની ‘શૃંગાર માઇ’ રચનાઓ મળે છે, જે બધી હજી અપ્રગટ છે.
સોળમી સદીમાં મતિશેખર વાચકની 57 કડીની ‘માઇ અક્ષરબાવની’ રચના મળે છે, જે અપ્રગટ છે.
પછીના સમયમાં જૈનેતર કવિઓ અખો, ધીરો, પ્રીતમદાસ, જીવણદાસ વગેરે દ્વારા રચાયેલા, માતૃકાસ્વરૂપને મળતા આવતા કેટલાક કક્કા-જ્ઞાનકક્કા નોંધપાત્ર છે.
કાન્તિલાલ શાહ