માતિસ, હેન્રી

January, 2002

માતિસ, હેન્રી (જ. 31 ડિસેમ્બર 1869, લચેતો, ફ્રાન્સ; અ. 3 નવેમ્બર 1954, નાઇસ) : ફ્રેંચ કલાકાર. ઘનવાદના પ્રચાર પહેલાં ફોવિઝમના પ્રણેતા. પૅરિસમાં કાયદાનો અભ્યાસ કર્યો. પછી વકીલને ત્યાં કારકુન તરીકે કામગીરી બજાવી. ચિત્રકલાનો રસ અને નાદ તેમને તેમની વીસીનાં વર્ષોમાં આકસ્મિક રીતે જાગ્યો. 1892માં પૅરિસમાં પહેલા આકાદેમી જુલિયનમાં અને પછી ઍકોલ દે બોઝાર્તમાં કલાનું શિક્ષણ લીધું. તે દરમિયાન રૂઓ મૅગ્વિન અને માકર્વે વગેરે કલાકારો તેમના મિત્રો બન્યા અને તેમની ભવિષ્યની કલાવિચારસરણીના સમર્થક બની રહ્યા. 1904 સુધી તેમનાં ચિત્રોમાં નવ-પ્રભાવવાદ(neo-imp-ressionism)ની અસર રહી. શરૂઆતનાં કલા-સ્ટુડિયોનાં તથા સ્થિર પદાર્થજીવનનાં ચિત્રોમાં યારડિન કલાકારની છાયા દેખાય છે. 1905થી આછીપાતળી તેજછાયાને છોડી, તેજસ્વી અને મૂળ રંગોને તેમણે અપનાવ્યા અને આકૃતિઓને ગાઢી ઘેરી બહિર્રેખાથી બાંધતા. તેમાંયે 1910માં મ્યૂનિકમાં જ્યારે નજીકના પૂર્વીય દેશોની કલાનું પ્રદર્શન જોયું ત્યારે તેમાંના તેજસ્વી રંગો તેમજ વસ્ત્રોની અને સિરૅમિકની ડિઝાઇનનો તેમના પર ગાઢ પ્રભાવ પડ્યો. વળી મોરૉક્કોની મુલાકાત

હેન્રી માતિસ

પછીનાં તેમનાં ચિત્રોમાં તેજ-ભપકદાર રંગ-રેખાંકનનું મહત્વ વધ્યું; છતાં કલાતત્વની એકરૂપતા ગઈ નહોતી. તેમનાં વિખ્યાત ચિત્રોમાં ‘લક્ષ’ તથા ‘જૉય ઑવ્ લાઇફ’નો સમાવેશ થાય છે. ચિત્રોની સાથેસાથે અવકાશે તેઓ શિલ્પાંકન પણ કરતા હતા. 1930નાં પ્રારંભિક વર્ષોમાં તેમણે યુરોપ અને અમેરિકાની મુલાકાત લીધી. 1949–51 દરમિયાન વેનિસમાં કરેલું ‘ચૅપલ ઑવ્ ડૉમિનિકન નન્સ’નું ચિત્રાંકન નોંધપાત્ર ગણાય છે. અશક્ત અવસ્થામાં પણ તેઓ રંગીન કાગળના ટુકડા, મીણના રંગ તથા સઘન જાડા રંગોથી કામ કરતા રહ્યા. વિશ્વનાં ઘણાં સંગ્રહાલયોમાં તેમની કૃતિઓ જળવાયેલી છે; પણ મૉસ્કોના સંગ્રહાલયમાં તે વિશેષ સંખ્યામાં છે. તેમાં 1932–33માં કરેલું વિશાળ ભીંતચિત્ર ‘ડાન્સ’ સચવાઈ રહ્યું છે.

કનુ નાયક