માણસા સત્યાગ્રહ (1938) : જમીન-મહેસૂલનો ગેરવાજબી વધારો દૂર કરાવવા માટે માણસાના ખેડૂતોએ કરેલો સત્યાગ્રહ. હાલના મહેસાણા જિલ્લામાં આવેલ માણસા આઝાદી પહેલાં ચાવડા વંશના રજપૂત રાજાઓનું ત્રીજા વર્ગનું રાજ્ય હતું. માણસા રાજ્યમાં મહેસૂલની દરેક આકારણી વખતે વધારો કરવામાં આવતો. 1937માં થયેલી આકારણીમાં બેથી અઢીગણો વધારો કરવામાં આવ્યો, જે ખેડૂતો માટે ઘણો વધારે હતો. આ ઉપરાંત લોકો પાસેથી વિવિધ પ્રકારના લાગા અને વેરા લેવામાં આવતા. લોકો માટે વેઠ કરવાનું ફરજિયાત હતું. ખેડૂતોને જમીનનો માલિકી-હક ન હતો. જમીનમાં વાવેલાં ઝાડની માલિકી પણ રાજ્યની ગણાતી હતી. કરવેરા વસૂલ કરવા લોકો પર જુલમ ગુજારવામાં આવતો હતો.
જાન્યુઆરી 1938થી જમીન-મહેસૂલનો ગેરવાજબી વધારો પાછો ખેંચવાની ખેડૂતોએ માગણી કરી અને તેમ ન થાય તો સત્યાગ્રહ કરવાનો નિર્ણય કર્યો. આ માટે આગેવાનોએ દસક્રોઈ તાલુકા કૉંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રાંતિક સમિતિનું માર્ગદર્શન મેળવ્યું. કેટલાક લોકોએ હિજરત કરી ગાયકવાડી પ્રદેશના મકાખાડ મુકામે આશ્રય લીધો. રવિશંકર મહારાજને આ પ્રશ્નની તપાસ કરવા મોકલવામાં આવ્યા. તેમને ખેડૂતોની માગણી યોગ્ય લાગવાથી રાજ્યને મહેસૂલ ઘટાડવા જણાવવામાં આવ્યું. તેનો અસ્વીકાર થવાથી ખેડૂતોએ રાજ્ય સાથે અસહકાર કરીને મહેસૂલ ન ભર્યું. તેથી રાજ્યે જપ્તી, હરાજી, મારઝૂડ વગેરે દ્વારા લોકો પર જુલમ ગુજાર્યો; સભાસરઘસ પર પ્રતિબંધ ફરમાવ્યો તથા મનાઈહુકમની અવગણના કરી સભા ભરતા લોકોની ધરપકડ કરી, તેમના પર લાઠીમાર અને ગોળીબાર પણ કરવામાં આવ્યો. આખરે સાદરા કૅમ્પના પોલિટિકલ એજન્ટના સૂચનથી અને ખેડૂતોની મક્કમતા જોઈને માણસાના ઠાકોર સમાધાન કરવા તૈયાર થયા. નવા નિમાયેલા દીવાને સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ મુજબ સમાધાનની શરતો નક્કી કરી. ખેડૂતો ઉપરના ગેરવાજબી કરવેરા નાબૂદ થયા અને મહેસૂલનો દર વડોદરા રાજ્ય અનુસાર ઠરાવવામાં આવ્યો.
જયકુમાર ર. શુક્લ