માઉન્ટ રશમોર : યુ.એસ.ના દક્ષિણ ડાકોટા રાજ્યની બ્લૅક હિલ્સમાં આવેલા રાષ્ટ્રીય સ્મારક માટેનું જાણીતું સ્થળ. માઉન્ટ રશમોરના આ રાષ્ટ્રીય સ્મારકમાં જ્યૉર્જ વૉશિંગ્ટન, ટૉમસ જૅફર્સન, થિયોડોર રૂઝવેલ્ટ અને અબ્રાહમ લિંકન જેવા ખ્યાતનામ ચાર અમેરિકી પ્રમુખોનાં વિશાળ કદનાં ભવ્ય શિલ્પોનાં દર્શન થાય છે. આ શિલ્પો માત્ર મસ્તકભાગનાં છે અને તેનું કોતરણીકામ ગ્રૅનાઇટ પાષાણમાં કરવામાં આવેલું છે. શિલ્પોને કદના ર્દષ્ટિકોણથી જોઈએ તો, જ્યૉર્જ વૉશિંગ્ટનનું મસ્તક પાંચ મજલાની ઇમારત જેવડું છે, તેની ઊંચાઈ 18 મીટરની છે. અર્થાત્ તેમના પૂર્ણ કદના શિલ્પની દેહાકૃતિ 142 મીટરની થાય.

મા. રશમોર, બ્લૅક હિલ્સ, દ. ડાકોટા

આ શિલ્પકામની જવાબદારી ગટઝોન બોરગ્લમે ઉપાડેલી અને આજે જોવા મળે છે તેના કરતાં ½ કદની આકૃતિઓનું આગોતરું આયોજન કરેલું. કોતરકામ કરતા શિલ્પીઓએ પણ આ આકારોને નજર સમક્ષ રાખીને કામ કરેલું. માઉન્ટ રશમોરની ગ્રૅનાઇટ ભેખડોને શારડીઓ અને ડાયનેમાઇટથી તોડીને 1927માં કામની શરૂઆત કરેલી. 1941 સુધીનાં 14 વર્ષ લાગલગાટ આ કામ ચાલ્યા કરેલું. 1941 અગાઉ બોરગ્લમનું અવસાન થયેલું, પરંતુ તેમણે સતત આ શિલ્પકાર્ય પર દોરવણી આપ્યા કરેલી. તેમના અવસાન બાદ તેમના પુત્ર લિંકને આ કામ પૂરું કરાવેલું.

માઉન્ટ રશમોરનું સ્થળ રૅપિડ સિટીથી 40 કિમી.ના અંતરે આવેલું છે. તે અહીંની ખીણસપાટીથી 150 મીટરની ઊંચાઈ પર તથા સમુદ્રસપાટીથી 1,745 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઇજિપ્તના પિરામિડની સરખામણીએ માઉન્ટ રશમોર વધુ ઊંચાઈ પર આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા