મા આનંદમયી (જ. 30 એપ્રિલ 1896, ખેવડા, ત્રિપુરા; અ. 27 ઑગસ્ટ 1982) : વર્તમાન ભારતનાં અગ્રણી મહિલા સંતોમાંનાં એક. પિતા બિપિનબિહારી ભટ્ટાચાર્ય વિદ્યાકૂટ(હવે બાંગલાદેશમાં)ના ઈશ્વરભક્ત બ્રાહ્મણ કવિ હતા. માતા મોક્ષદાસુંદરી આદર્શ આર્ય ગૃહિણી હતાં. માનું બાળપણનું નામ નિર્મલાસુંદરી. બાળપણમાં જ તેમનામાં આધ્યાત્મિક લક્ષણો પ્રગટવા લાગ્યાં. તેજસ્વી સૌંદર્યવાળાં, પ્રેમભાજન, આજ્ઞાંકિત, સહાય માટે સદાયે તત્પર ને સદાયે પ્રસન્ન રહેનારાં એ હતાં. એમને કશી કામના નહોતી, કશી ફરિયાદ નહોતી; રૂસણું-રુદન પણ નહિ. બાળપણથી જ વ્યક્તિત્વ ગૂઢ ભાસવા લાગ્યું.

1909માં રમણીમોહન ચક્રવર્તી જોડે લગ્ન થયાં. 1918થી ગૃહિણીનું કાર્ય સહજભાવે સ્વીકારી લીધું. આ સમયે તેમને દિવ્ય અને આધ્યાત્મિક અનુભવો થવા લાગ્યા. તે યોગ અને ભક્તિની સાધનામાં આપમેળે લાગી ગયાં. સાધનામાં સ્વયંદીક્ષિત થયાં. રમણીમોહનને તેમણે ‘પિતાજી’ કહ્યા. તે તેમને અહોભાવથી નીરખી રહેતા. તેઓ તેમના વિધિવત્ શિષ્ય બન્યા. એ રીતે દાંપત્યનો સંબંધ ઓગળી ગયો.

કીર્તનાદિ સમયે મા ચૈતન્ય મહાપ્રભુના જેવા ભાવાવેશમાં આવતાં. રમણીમોહન લોકોમાં ‘ભોલાનાથ’ નામે વધારે જાણીતા હતા. તેમના એક સહકર્મી જયશંકર સેનનાં પત્ની તથા પત્નીના ભાઈ હરકુમારે સહજ રીતે નિર્મળાને ‘મા’ કહ્યાં. ‘એક એવો સમય આવશે, જ્યારે જગત આખું તમને મા કહેશે’ – હરકુમારે ભાખ્યું. પછી તો માના અનુયાયીઓની સંખ્યા વધવા લાગી; એટલું જ નહિ, વિદ્વાનો અને અધ્યાત્મપુરુષો પણ તેમની સાથે સમાલાપ કરતા થયા. માના સહજજ્ઞાનથી આ વિદ્વાનો પ્રભાવિત થતા હતા.

1932માં મા દહેરાદૂન ગયાં. ત્યાં જવાહરલાલનાં પત્ની કમળા નહેરુ તેમનાં ચાહક બન્યાં. પાછળથી તેમનાં પુત્રી ઇંદિરા ગાંધી પણ માનાં ભક્તોમાં જોડાયાં. સોલનના રાજા દુર્ગાસિંહ તથા અન્ય રાજવીઓ માના બોધથી આકર્ષાયા. ગાંધીજીના નિમંત્રણથી 1942માં મા તેમને મળવા વર્ધા આશ્રમે ગયાં, જ્યાં બે દિવ્ય આત્માઓનું અલૌકિક મિલન થયું. પરમહંસ યોગાનંદને મામાં અહંકારશૂન્ય સાક્ષાત્કારી આત્માનાં દર્શન થયાં.

આશરે 50 વર્ષ સુધી દેશભ્રમણ કરીને માએ કીર્તનો ગાજતાં કર્યાં. જ્ઞાનપિપાસુઓ તેમની પાસેથી જ્ઞાન પામ્યા. કુંભમેળા, ધર્મસભાઓ, પરિસંવાદો આદિમાં તેમની ઉપસ્થિતિ પ્રેરણા પૂરી પાડતી.

માએ પોતાની ઓળખાણ ‘પ્રભુના બાળક’ તરીકે આપી છે, તેમના ભક્તોએ તેમના નામે શ્રીશ્રીઆનંદમયી સંઘ તથા શ્રીશ્રીઆનંદમયી સેવાસમાજની સ્થાપના કરી અને માના વચનામૃતનાં પુસ્તકો આપવા ઉપરાંત બંગાળી, હિંદી અને અંગ્રેજીમાં ‘આનંદવાર્તા’ નામે પત્રિકા પણ પ્રકાશિત કરી. આ સમાજે શિક્ષણ અને આરોગ્ય જેવી સાર્વજનિક સેવાપ્રવૃત્તિઓ પણ વિસ્તારી. શિક્ષણમાં સંસ્કૃત ભાષા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. 1952થી ‘સંયમ મહાવાર્તા’ નામે વાર્ષિક સંમેલન ભરવાનો આરંભ થયો. તેમાં માની ઉપસ્થિતિમાં સપ્તાહભર સાધનાશિબિર યોજવાની વ્યવસ્થા કરાઈ. તેમાં ધ્યાન, વચનામૃત, સંવાદ અને સંગીતને સ્થાન અપાયું. 1976માં માની પ્રેરણાથી ઉત્તર પ્રદેશમાં નૈમિષારણ્યમાં પૌરાણિક અને વૈદિક અભ્યાસ અને સંશોધનશાળા સ્થપાઈ. માએ વૈદિક યજ્ઞોની પરંપરા તેની પ્રાચીન વિધિમાં પુન:પ્રતિષ્ઠિત કરી; દા.ત., સાવિત્રી યજ્ઞ, અતિરુદ્ર યજ્ઞ વગેરે.

માનો કોઈ સંપ્રદાય નથી. તેમનો બોધ સ્પષ્ટ છે : एकम् सत् विप्रा बहुधा वदन्ति ।  આપણે ફાળે જે કામ આવે તે ઈશ્વરનું ગણવું. આશ્રમધર્મ ઈશ્વરપ્રણીત છે. પતિ, પિતા, માતા અને ગુરુની આજ્ઞા માનો. સ્વધર્મને જ અનુસરો. સત્સંગકીર્તન કરો. જે મળે તેને ઈશ્વરની ભેટ માનો. ઈશ્વરને માનો. મા આનંદમયીનાં વચનો સીધાં હૃદયમાં ઊતરી જાય એવાં છે.

બંસીધર શુક્લ