માઇકલૅન્જેલો, બુઑનારૉતી

January, 2002

માઇકલૅન્જેલો, બુઑનારૉતી (જ. 1475, કૅપ્રિસ, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1564, રોમ, ઇટાલી) : યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. રેનેસાંસ કાળની કળાના ટોચના 3 કળાકારોમાં લિયોનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે તેમનું સ્થાન છે. યુરોપની કળા પર માઇકલૅન્જેલોની અસર રેનેસાંસ પછી મૅનરિઝમ અને બરોક શૈલીઓ ઉપર એટલી પ્રભાવક રહી છે કે તેમને બરોક કળાના પણ જનક ગણવામાં આવે છે.

બુઑનારૉતી માઇકલૅન્જેલો (સ્વયં કલાકાર દ્વારા ચિત્રિત સ્વચિત્ર)

તેમના પિતાનું નામ લોદોવિકો દ લિયોનાર્દો બુઑનારૉતી સિમોની અને માતાનું નામ ફ્રાન્ચેસ્કા. તેમના જન્મસ્થાન નગરનું નામ બદલીને હવે ‘કૅપ્રિસ માઇકલૅન્જેલો’ કરવામાં આવ્યું છે. માઇકલૅન્જેલો આજીવન અપરિણીત રહ્યા હતા. તેમના જન્મ પછી, 1475માં તેમનું કુટુંબ ફ્લૉરેન્સમાં જઈ વસ્યું. 1488માં તેઓ ચિત્રકાર ડૉમેનિકો ધીર્લાન્દાયોના શિષ્ય બન્યા; પરંતુ શિલ્પ પ્રત્યેના પોતાના લગાવને કારણે ગુરુ ધીર્લાન્દાયોનો ત્યાગ કર્યો અને ફ્લૉરેન્સના ધનાઢ્ય મૅડિચી કુટુંબના લૉરેન્ઝો દ મૅડિચીના ‘મૅડિચી ગાર્ડન’માં શિલ્પી બૅર્ટોલ્દો દ જિયોવાનીના શિષ્ય બન્યા અને મૅડિચી કુટુંબના ઘરમાં જ રહ્યા. લૉરેન્ઝો તેમને શિષ્યવૃત્તિ પણ આપતા હતા. અહીં ફિલસૂફ માર્સિલિયો ફિચિની અને કવિ પોલિચિયાનનો સંપર્ક થયો, જેનો પ્રભાવ માઇકલૅન્જેલોની કૃતિઓ પર પડ્યો. ‘મેડૉના ઑવ્ ધ સ્ટેર્સ’ અને ‘બૅટલ ઑવ્ ધ સેન્ટૉર્સ’ નામનાં અર્ધમૂર્ત શિલ્પો આ સમયની તેમની મહત્વની કૃતિઓ ગણાય છે.

મૅડિચી પરિવાર ટસ્કનીના રાજકારણમાં સક્રિય હોવાથી માઇકલૅન્જેલોના જીવનમાં પણ ઘણી ઊથલપાથલ થતી રહી. 1492માં લૉરેન્ઝોના મૃત્યુ પછી તેમના દીકરા પિયેરોની હકાલપટ્ટી કરવામાં આવી. મૅડિચી કુટુંબના આશ્રિત તરીકે માઇકલૅન્જેલોનું જીવન જોખમમાં મુકાયું. તેથી તેમણે ભાગી છૂટી બૉલોન્યા નગરમાં જિયોવાની ફ્રાન્ચેસ્કો આલ્ડ્રૉવેન્ડી નામના ધનિકનો આશ્રય લીધો. અહીં તેમણે સેંટ ડૉમિનિકની કબર માટે 3 નાનાં શિલ્પ બનાવ્યાં. 1495માં ફ્લૉરેન્સ પાછા ફરી ‘સ્લીપિંગ ક્યૂપિડ’ નામનું પ્રાચીન રોમન અથવા ગ્રીક કૃતિ લાગે તેવું શિલ્પ બનાવ્યું. આ ઉપરાંત લાકડામાં ‘ક્રૂસિફિક્સ’ તૈયાર કર્યું અને સેંટ સ્પિરિટો ચર્ચને અર્પણ કર્યું. 1496માં તેઓ રોમ ગયા; પરંતુ રોમના આક્રમક અને ધનલક્ષી ભૌતિકવાદી અભિગમથી તેઓ વ્યથિત થયા. રોમમાં શરાફ જેકૉપો ગાલ્લી માટે ગ્રીસના મદિરા-દેવ બૅકુસનું આરસ-શિલ્પ કંડાર્યું. 1498 પછી તેમણે ખ્રિસ્તી ધર્મના વિષયોને કેન્દ્રમાં રાખી કૃતિઓનું સર્જન શરૂ કર્યું. 1499માં કાર્ડિનલ ઝ્યાં વિલેર્સ દ લા ગ્રૉસ્લાયે માટે તેમણે આરસમાં ‘પિયેતા’ નામનું શિલ્પ કંડાર્યું. પાછળથી આ શિલ્પને સેંટ પીટર્સ બસિલિકામાં ખસેડવામાં આવ્યું.

1501માં માઇકલૅન્જેલોએ ફ્લૉરેન્સ પાછા ફરી આરસમાં ‘ડૅવિડ’ નામનું શિલ્પ કંડાર્યું. આ માટે બેનેડેટ્ટો દ રૉવેત્ઝાનોનો મદદનીશ શિલ્પી તરીકે સહકાર મળ્યો હતો. પરંપરાથી ડૅવિડની આકૃતિ ફ્લૉરેન્સની નાગરિક અને નૈતિક તાકાત સાથે સંકળાયેલી છે, પરંતુ તેમણે કંડારેલી ‘ડૅવિડ’ની આકૃતિ દોનતેલ્લો અને અન્ય પૂર્વસૂરિઓએ કંડારેલી આકૃતિઓ કરતાં વધુ પૌરુષી, ખડતલ અને પ્રભાવશાળી બની શકી છે. આ ‘ડૅવિડ’ 17–18 વરસનો રૂપાળો અને સ્નાયુબદ્ધ નગ્ન યુવક છે. માઇકલૅન્જેલોનાં લખાણોમાંથી એવું ફલિત થાય છે કે ‘ડૅવિડ’ના છદ્મવેશમાં આ શિલ્પ આત્મચિત્રણ છે.

1504માં ‘પૅલેત્ઝો વેકિયો’ નામના મહેલના સભાખંડ માટે ‘બૅટલ ઑવ્ કાસિના’ નામનું ભિત્તિચિત્ર (fresco) ચીતરવા માટેનું કામ તેમણે સ્વીકાર્યું. (1364માં ફ્લૉરેન્સ અને પિસાના નગરવાસીઓ વચ્ચે આ યુદ્ધ ખેલાયું હતું.) આ સમયે લિયોનાર્દો દ વિન્ચી આ જ મહેલના આ જ સભાખંડમાં સામેની દીવાલે ‘બૅટલ ઑવ્ ઍન્ઘિયેરી’ ચીતરી રહ્યા હતા. ચિત્ર-વિચિત્ર અંગભંગિઓમાં મરડાયેલા પુરુષના સ્નાયુબદ્ધ નગ્ન શરીર સાથેનું વળગણ આ ‘બૅટલ ઑવ્ કાસિના’થી આવિષ્કાર પામ્યું અને પછી ક્રમશ: વધુ ને વધુ સ્ફુટ થતું ગયું.

ક્રૂસીકૃત ઈસુને હૃદય સરસા ચાંપતાં માતા મેરી
માઇકલૅન્જેલોની કીર્તિદા શિલ્પકૃતિ

1505માં પોપના આમંત્રણથી તેઓ રોમ ગયા. પોપે કબ્રસ્તાન માટે પૂર્ણ કદની 40થી પણ વધુ મૂર્તિઓ સાથેના વિસ્તૃત શણગારનું કામ તેમને સોંપ્યું. ‘ટ્રૅજેડી ઑવ્ ધ ટૂમ્બ’ નામે ઓળખાતો આ પ્રૉજેક્ટ કદી પૂરો થયો નહિ અને વધારામાં તે માઇકલૅન્જેલો માટે માથાનો દુખાવો બની રહ્યો. તેનાં મુખ્ય કારણોમાં ખાણમાંથી પથ્થર ખોદાવવાની મુશ્કેલી, મદદનીશોનો અભાવ, નજીવું નાણાભંડોળ, અને પોપનાં નખરાંનો સમાવેશ થતો હતો. રોમમાં સિસ્ટાઇન ચૅપલની છત ચીતરવાનો પ્રૉજેક્ટ હાથ પર લીધો. આ છત ચીતરવાનું કામ તેમણે 4 વર્ષે કોઈ પણ મદદનીશો વગર એકલે હાથે પૂરું કર્યું. તેમાં તેમણે ખ્રિસ્તી ધર્મના ઉદભવ અગાઉની રોમન પુરાકથાઓના સંતો તથા ખ્રિસ્તી ધર્મના ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’માંની વ્યક્તિઓની આકૃતિઓ ચીતરી છે. તેમાં ‘આદમનું સર્જન’, ‘સ્વર્ગના બગીચામાં આદમ અને ઇવ’, ‘ઈસુના પૂર્વજો’નો તથા કસરતી ખડતલ શરીર અને જુદી જુદી મુદ્રાઓ ધરાવતા નગ્ન યુવાન પુરુષોનાં ચિત્રોનો સમાવેશ થાય છે. આ નગ્ન યુવાન પુરુષોની આકૃતિઓથી પોપ નારાજ અને ચિંતિત હતા તથા આ મુદ્દે માઇકલૅન્જેલો સાથે તેમને સંઘર્ષ થયો હતો. 1518માં માઇકલૅન્જેલોએ મૅડિચી કુટુંબના સેન્ટ લૉરેન્ઝો ચર્ચના ફસાદનું મૉડેલ તૈયાર કર્યું. 1523માં ન્યૂ સેક્રિસ્ટી અને લૉરેન્શિયન લાઇબ્રેરીના નકશા (plan) તૈયાર કર્યા. આ જ વર્ષે નિમૂર્સના ડ્યૂક ગ્વિલિયાનો અને ઉર્બિનોના ડ્યૂક લૉરેન્ઝોનાં સ્નાયુબદ્ધ અને દાઢીમૂછ વગરનાં શિલ્પ તૈયાર કર્યાં. હકીકતમાં આ બંને ડ્યૂક દાઢીમૂછ રાખતા હતા. એ સિવાય શિલ્પમાં ચહેરાની લાક્ષણિકતાઓ પણ હૂબહૂ ન હતી. આથી ફ્લૉરેન્સનિવાસીઓને વાંધો પડ્યો. માઇકલૅન્જેલોએ આ વાંધાનો જવાબ આપ્યો કે ‘આજથી હજાર વરસ પછી કોઈ ચુકાદો આપી શકશે નહિ કે આ બે શિલ્પ મૂળ માનવો સાથે સામ્ય ધરાવે છે કે નહિ.’ હકીકતમાં આદર્શ સ્વરૂપની માનવ-આકૃતિ પ્રત્યેની માઇકલૅન્જેલોની આસક્તિ અહીં વ્યક્ત થાય છે. 1526માં દિવસના 4 સમયખંડ – ઉષા, બપોર, સંધ્યા અને રાત્રિને રજૂ કરતી 4 માનવ-આકૃતિઓ શિલ્પમાં કંડારી.

રાજકારણ પ્રત્યે સતત સૂગ સેવી હોવા છતાં વિધિની વક્રતાથી માઇકલૅન્જેલોને રાજકારણમાં સંડોવાવું પડ્યું. અનિચ્છા છતાં 1529ના જાન્યુઆરીમાં માઇકલૅન્જેલો લશ્કરના મૅજિસ્ટ્રેટ તથા ફ્લૉરેન્સના ગવર્નર નિમાયા. આ પછી ફ્લૉરેન્સના રક્ષણ માટે બૉલોન્યાના કિલ્લાનો અભ્યાસ કરવા માટે 1529ના જુલાઈ-ઑગસ્ટ તેમણે ત્યાં જ ગાળ્યા. ફ્લૉરેન્સ પાછા આવી તેઓ ફેરારા અને ત્યાંથી વેનિસ ભાગ્યા. આ ભાગેડુ વૃત્તિને કારણે ફ્લૉરેન્સ નગરે નવેમ્બરમાં તેમને બળવાખોર જાહેર કર્યા. 1529ના ડિસેમ્બરમાં ફ્લૉરેન્સ પાછા આવી નગરની કિલ્લેબંધીનું કામ ચાલુ રાખ્યું. આ પછી તેમણે મૅડિચી કુટુંબ માટે કબરો તૈયાર કરી. 1532માં તેઓ રોમ ગયા અને ટૉમેસ્સો કૅવેલિયેરી નામના એક અમીર ખાનદાનના યુવાન માટે તેમના મનમાં વાસનારહિત હેત (platonic love) જાગ્યું. આ હેતની અભિવ્યક્તિ રૂપે તેમણે ઘણાં સૉનેટ અને ચિત્રો સર્જ્યાં.

માઇકલૅન્જેલોના સમકાલીન કલા-ઇતિહાસકાર વસારીના મતે આ ચિત્રોમાં આજે વિન્ડસર કૅસલના સંગ્રહમાં રહેલા ‘ટાઇટસ’, લંડનના બ્રિટિશ મ્યૂઝિયમમાં રહેલા ‘ધ ફૉલ ઑવ્ ધ ફાઇટન’ અને આજે નાશ પામી ચૂકેલા ‘ગેનિમિડ’નો સમાવેશ થાય છે. આ યુવાન સાથે માઇકલૅન્જેલોને મૃત્યુ પર્યંત મિત્રતા રહી હતી. આ ઉપરાંત બે યુવાન મૉડલ પુરુષો ઘેરાર્ડો પૅરિની અને ફૅબો દિ પોજ્યો સાથે માઇકલૅન્જેલોને ટૂંકા ગાળા પૂરતા સજાતીય સંબંધો હતા.

1535માં રોમના પોપ ત્રીજાએ વૅટિકનના સત્તાવાર શિલ્પી, ચિત્રકાર અને સ્થપતિ તરીકે તેમની નિમણૂક કરી. દાંતેમાંથી પ્રેરણા મેળવી તેમણે સિસ્ટાઇન ચૅપલની છત પર ‘ધ લાસ્ટ જજમેન્ટ’ (ફ્રેસ્કો) ચીતર્યું. તેમાં ઈસુનો પ્રખર ક્રોધ પ્રકટ થયો છે. કયામતને દિવસે શું થશે તેની માઇકલૅન્જેલોની અંગત ચિંતા અને તેનું ગુનેગાર-માનસ આ ચિત્રમાં વ્યક્ત થયાં છે. પાપીઓના જૂથમાં સંત બાર્થોલૉમ્યૂ નીચે માઇકલૅન્જેલોએ પોતાને પણ ચીતર્યા છે. આ ચિત્ર પૂરું થતાં તેમની પ્રશંસા ચોમેર થવા લાગી અને તેઓ પ્રતિભાસંપન્ન કલાકાર તરીકે પંકાયા. 1545માં તેમણે ‘મોઝિઝ’ શિલ્પમાં ત્રાસની (terribilia) વેદના આલેખી. 1544થી 1550 સુધીમાં તેમણે કાપ્પેલા પાઑલિનાની છત પર ‘કન્વર્ઝન ઑવ્ સેંટ પૉલ’ અને ‘ક્રૂસિફિક્શન ઑવ્ સેંટ પીટર’ નામનાં 2 ચિત્રો (ફ્રેસ્કો) પૂરાં કર્યાં.

માઇકલૅન્જેલોનાં મોટાભાગનાં કાવ્યો 1530 અને 1546 વચ્ચે લખાયાં છે. તેમનાં અંતિમ કાવ્યોમાં વૃદ્ધાવસ્થા, મૃત્યુ, શંકા અને ઈશ્વર સમક્ષના એકરારની અભિવ્યક્તિ થઈ છે. આ કાવ્યો ‘ટ્રેમ્બલિંગ હૅન્ડ’ નામે જાણીતાં બન્યાં છે. 1550માં વસારીએ લખેલી અને 1553માં કૉન્ડિવીએ લખેલી માઇકલૅન્જેલોની જીવનકથાઓ પ્રકાશિત થઈ છે.

1550માં ફ્લૉરેન્સ કથીડ્રલમાં મૂકવા માટે ‘પિયેતા’ શિલ્પનું આરસમાં સર્જન શરૂ કર્યું. આ શિલ્પમાં 3 માનવપાત્રો છે : ઈસુ, મેરી મૅગ્ડેલિના અને નિકૉડૅમુસ. કરુણાસભર નિકૉડૅમુસ તરીકે માઇકલૅન્જેલોએ પોતાની જાતને એમાં કંડારી છે, તેવું વસારીનું માનવું છે.

1559માં પોપ પૉલ ચોથાએ ચિત્રકાર અને માઇકલૅન્જેલોના મિત્ર વૉલ્તેરને ‘ધ લાસ્ટ જજમેન્ટ’ ચિત્રની નગ્ન માનવઆકૃતિઓને લંગોટ પહેરેલી ચિત્રાંકિત કરવા હુકમ કર્યો. આથી માઇકલૅન્જેલોના ગુસ્સાનો પાર રહ્યો નહિ અને તેમણે વૉલ્તેરાને ‘બ્રેખોતોને’ (લંગોટ પહેરાવનાર) કહી નવાજ્યો; પરંતુ વૉલ્તેરા પોતાના કામમાં સફળ રહ્યો. જીવનના અંતકાળમાં સ્થાપત્ય તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર બન્યું. તેમાં પૅલેત્ઝો ફર્નિસ, સેંટ પીટર્સ કથીડ્રલના ઘુમ્મટ ઉપર રહેલો બીજો નાનો ઘુમ્મટ (cupola), સેંટ જિયોવાની દ ફિયૉરેન્તિની, પોર્તા પિયા, મારિયા ડૅગ્લી અંજેલીનો નેવ તથા ડાયોકલૅટિયન બાથ્સનો સમાવેશ થાય છે. ઓગણીસમી સદીમાં સ્થપતિ તરીકે ટીકાપાત્ર બનનાર માઇકલૅન્જેલોની અર્વાચીનો રેનેસાંસ કાળના આદર્શ સ્થાપત્યને મૂર્તિમંત કરવા માટે પ્રશંસા કરે છે. જીવનના અંતકાળે બનાવેલાં ડિસેન્ટ ફ્રૉમ ધ ક્રૉસ, પેલેસ્ટ્રિના પિયેતા અને રોન્દેનિની પિયેતા શિલ્પ તેમની ખરબચડી સપાટી અને લંબાકાર (elongated) માનવ-આકૃતિઓને કારણે વધુ ધ્યાનાકર્ષક બન્યાં છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમની તબિયત લથડતી ગઈ. આખરે પક્ષાઘાતના હુમલાના પરિણામે તેઓ મૃત્યુ પામ્યા. તેમનાં કાવ્યો ‘આધ્યાત્મિક આત્મકથા’ના નામે પ્રસિદ્ધિ પામ્યાં છે.

કનુ નાયક

અમિતાભ મડિયા