ઇકબાલ અબ્બાસ આરત્યાની (જ. 1896-97 આરત્યાની, ફ્રાંસ; અ. 10 ફેબ્રુઆરી 1956 રોમ, ફ્રાંસ) : અરબી-ફારસી ભાષાના અર્વાચીન સાહિત્યયુગના વિદ્વાન, સાહિત્યકાર. તેઓ વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક તરીકે પણ વિખ્યાત હતા. એમણે સર સ્ટેઇનલી લેનપૂલના મહાગ્રંથ ‘મોહમેડન ડીનેસ્ટીઝ’નો ‘તબકાતે સલાતીને ઇસ્લામ’ના નામે ફારસીમાં અનુવાદ કરેલો. ઉપરાંત, ‘તરજુમાનુલ-બલાગહ’ના સંપાદક અહમદ આતશની તુર્કી પ્રસ્તાવનાનો પણ ફારસી અનુવાદ કર્યો છે. વળી અરબી ગ્રંથોમાં અલ્-બિરૂનીના ‘આસારૂલ- બકિયહ’ અને સઆલિબીનાં ‘યતીમતુદ્દહર’નો સટીક ફારસી અનુવાદ કર્યો છે. ઇબ્ન પલ્લિકાનની જગવિખ્યાત ‘તારીખ’ના અમુક ભાગ પર પણ એમણે ટિપ્પણી લખી છે. ‘દીવાને મુઇઝ્ઝી’, ‘લુગાતે કુર્સ’, ‘તર્જુમાનુલ-બલાગહ’, ‘તારીખે તબરિસ્તાન’, ‘મિસ્બાહુલ-હિદાયહ’ ઇત્યાદિ ફારસી ગ્રંથોનું તેમણે સંપાદન કરેલું છે. તેમના વિદ્વત્તાપૂર્ણ લેખો ‘અરમાન’, ‘શર્ક’, ‘મહેર’, ‘યાદગાર’, ‘અર્મગાન’ વગેરે સામયિકોમાં પ્રગટ થયા છે. ફારસી કવિઓના સૌપ્રથમ લખાયેલ વૃત્તાંત ‘લુબાબુલ-અલ્બાબ’ પર તેમણે લખેલી નોંધો ઘણી ઉપયોગી લેખાય છે.
એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી