મંડપ (પલ્લવ) : દક્ષિણ ભારતના પલ્લવ રાજ્યમાં સાતમી સદી દરમિયાન વિકસેલો વિશિષ્ટ સ્થાપત્ય-પ્રકાર. એમાં ડુંગરની અંદર ગુફાની જેમ દેવાલય કંડારવામાં આવે છે. આ શૈલોત્કીર્ણ દેવાલયને ત્યાં સામાન્ય રીતે ‘મંડપમ્’ તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીનો પ્રારંભ પલ્લવનરેશ મહેન્દ્રવર્મા(610–640)એ કરેલો અને તેના ઉત્તરાધિકારી નરસિંહવર્મા(640–668)એ એનો વિકાસ કરેલો.
મહેન્દ્રવર્માએ કંડારાવેલ 14 મંડપો તમિળનાડુ અને આંધ્રપ્રદેશના પૂર્વ ભાગમાં સમુદ્રતટપ્રદેશમાં આવેલા છે. તે દાવલપુર, ત્રિચિનાપલ્લી, મંડગપુટુ, પલ્લવરમ્, મહેન્દ્રવડી, બલ્લભ, મલચેરી, સિંગવરમ્, તિરુક્કલુક્કનરમ્, ક્લિમાવિલંગે, બેઝવાડા, મોગલરાજપુરમ્, ઉંદાવલ્લી અને ભૈરવકોંડામાં છે.
આ શૈલોત્કીર્ણ દેવાલયોમાં વચ્ચે છીછરો લંબચોરસ મંડપ હોય છે ને એની અંદરની એક કે વધુ દીવાલમાં એકાદ ગર્ભગૃહ હોય છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની બંને બાજુએ દ્વારપાલની પૂર્ણમૂર્ત કે ઉચ્ચમૂર્ત આકૃતિ કંડારી હોય છે. દક્ષિણ ભારતનાં દેવાલયોમાં આગળ જતાં આ શિલ્પ ઘણું પ્રચલિત થવા પામે છે.
શરૂઆતના મંડપો બૌદ્ધ ચૈત્યગૃહોથી પ્રભાવિત હતા. આ મંડપોમાં સ્તંભોની બહુલતાને કારણે અગ્રભાગ સ્તંભોની હરોળવાળો જોવા મળે છે. એ સ્તંભોની રચનામાં મૌલિકતા જોવા મળે છે. એ સ્તંભો 2.3 મી. ઊંચાઈ અને 0.60 સેમી. વ્યાસ ધરાવે છે. એ ઉપલા ભાગમાં ચોરસ, વચ્ચે અષ્ટકોણ અને નીચલા ભાગમાં ચોરસ આકાર ધરાવે છે.
મંડગપુટુ તેમજ ત્રિચિનાપલ્લીના મંડપોને ‘શિલા-મંડપ’ પણ કહે છે. એમાં કપોત(cornice)નો પ્રયોગ થયો નથી. વળી એમાં અલંકરણોનો પણ અભાવ છે. પલ્લવરમ્ અને મોગલરાજપુરમના મંડપોમાં વિકાસ નજરે પડે છે. એમાં કપોત બનાવાયા છે. મોગલરાજપુરમના મંડપમાં તો કપોત ઉપરાંત કડુ નામનું વિશેષ અલંકરણ પણ પ્રયોજાયું છે. ઉંદાવલ્લીના અનંતશયનમ્-મંડપની ઉપર બીજા મંડપની યોજના પણ નજરે પડે છે. સંભવત: શુંડાકાર શિખર બનાવવાનો એ પ્રારંભિક પ્રયાસ છે. ભૈરવકોંડાના મંડપોમાં અગ્રભાગમાં ઘડાયેલ સ્તંભો વિશિષ્ટ છે. એમાં શીર્ષ અને આધારભાગ સિંહની આકૃતિઓથી અલંકૃત છે. સિંહનું આ અલંકરણ પલ્લવ રાજાઓની અપરિમિત શક્તિનું પ્રતીક બનતાં ઉત્તરકાલના પલ્લવ-સ્થાપત્યની એ વિશેષતા બની રહે છે.
નરસિંહવર્મા ‘મામલ્લ’ કે ‘મહામલ્લ’નું બિરુદ ધરાવતો હતો. તેણે પલ્લવ રાજ્યના પાટનગર કાંચીપુર(કાંજીવરમ્)થી 64 કિમી. પૂર્વમાં સમુદ્રતટે પોતાના નામનું મામલ્લપુર (મહાબલિપુરમ્) વસાવ્યું અને ત્યાં કેટલાક મંડપો અને રથ-સ્વરૂપનાં દેવાલયો કરાવ્યાં. મામલ્લશૈલીના મંડપોની સંખ્યા 10 છે અને તેની રચના ઉપર્યુક્ત મહેન્દ્ર-શૈલીને અનુરૂપ જ છે. અલબત્ત, આમાં પલ્લવશૈલીનું વિકસિત રૂપ જોવામાં આવે છે.
આ મંડપોનો અગ્રભાગ લગભગ 8 મી. પહોળો હોય છે. તેમની ઊંચાઈ 4.5 મી.થી માંડીને 6 મી. સુધીની અને ઊંડાઈ ગર્ભગૃહ સહિત 8 મી.ની જોવા મળે છે. ગર્ભગૃહ સાધારણ રીતે ચોરસ હોય છે અને તે 1.6 મી.થી 3 મી.ની ભુજા ધરાવતું હોય છે. વાસ્તુકલાની ર્દષ્ટિએ મંડપોના સ્તંભોનું અહીં અધિક વિકસિત રૂપ નજરે પડે છે. મંડપોના અગ્રભાગ કરતાં અંદરના સ્તંભો સર્વોત્કૃષ્ટ છે. તે 2.8 મી. ઊંચા અને 30 સેમી.થી 60 સેમી. સુધીના વ્યાસના છે. એમાં મંડપોના સ્તંભ જાણે સિંહના મસ્તક પર ટેકવેલા હોય એવા દેખાય છે. અલંકરણોમાં અહીં કપોત અને ચૈત્યાકાર કમાનોનાં રૂપાંકન વિશેષ પ્રયોજાયાં છે. અલંકરણોમાં શિલ્પર્દશ્યોનું કંડારકામ સુષમાયુક્ત, ચારુ અને કુશળતાપૂર્વકનું છે.
મામલ્લપુરમના વરાહ-મંડપમાં પાછલા ગર્ભગૃહમાં વરાહ-અવતારની પ્રતિમા કંડારાયેલી છે. એના વરંડાની બાજુની દીવાલો પર પલ્લવરાજા સિંહવિષ્ણુની બેઠી અને પલ્લવરાજા મહેન્દ્રવર્માની ઊભી આકૃતિઓ કોતરેલી છે. મુખ્ય ખંડની એક બાજુની દીવાલ પર શેષશાયી વિષ્ણુનું અને બીજી બાજુની દીવાલ પર મહિષાસુરમર્દિનીનું સુંદર શિલ્પ નજરે પડે છે. આ ગુફાને મહિષાસુરમર્દિની-મંડપ તરીકે ઓળખવામાં આવે છે. ગુફા નં 3 ધર્મરાજ-મંડપ તરીકે ઓળખાય છે. ગુફા નં. 4માં ગોવર્ધનધારી કૃષ્ણનું સુંદર શિલ્પ કોતરેલું છે, તેથી તેને કૃષ્ણ-મંડપ કહે છે. ગુફા નં. 5 ‘પંચપાંડવ-મંડપ’ તરીકે ઓળખાય છે. આ ગુફા મોટી હોઈ તેમાં 4ને બદલે 6 સિંહસ્તંભો છે. આ ગુફામાં અર્જુનની તપશ્ચર્યાનું ર્દશ્ય છે, જેને કેટલાક ભગીરથની તપશ્ચર્યા પણ કહે છે. એની પાછળ આવેલા વરાહ-મંડપમાં વરાહ, દુર્ગા, ગજલક્ષ્મી અને ત્રિવિક્રમનાં શિલ્પો કંડારેલાં છે. રામાનુજ-મંડપ એ શિવનું અને કોટિકાલ-મંડપ એ દુર્ગાનું દેવાલય છે. ત્રિમૂર્તિ-મંડપમાં 3 બાજુએ 3 ગર્ભગૃહ કરેલાં છે; જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પ્રતિમાઓ ર્દષ્ટિગોચર થાય છે. 5 ગર્ભગૃહવાળા મંડપનાં ગર્ભગૃહોમાં શિવલિંગની સ્થાપનાના ખાડા રહેલા છે. કોનેરી-મંડપ અધૂરો રહી ગયેલો જણાય છે.
નરસિંહ મામલ્લના અવસાન પછી પલ્લવરાજાઓએ ચણતરી બાંધકામ કરાવવાનું વલણ અખત્યાર કરતાં મંડપસ્થાપત્યશૈલીનો અંત આવ્યો અને અપૂર્ણ રહેલા મંડપો પણ યથાવત્ જ રહી ગયેલા જણાય છે.
હસુતાબહેન સેદાણી