જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય

January, 2012

જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય : પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં વિપુલ રાશિમાં રચાયેલું સ્તોત્રસાહિત્ય. જૈન ધર્મમાં કોઈ જગત્કર્તા ઈશ્વરને માન્યો નથી; પરંતુ કર્મક્ષય દ્વારા મુક્ત થયેલા અને અન્યને મુક્તિ અપાવનાર તારક તીર્થંકરોને ઈશ્વર જેટલું મહત્વ અપાય છે. આમ, જૈનોના સ્તોત્રસાહિત્યમાં મુખ્યત્વે વિવિધ તીર્થંકરોની સ્તુતિ કે ગુણવર્ણન જોવા મળે છે. તીર્થંકર કે અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓ રૂપ પંચપરમેષ્ઠીની ભક્તિ અને તેમના ગુણોનું સંકીર્તન એ જૈન સ્તોત્રસાહિત્યનો મુખ્ય વિષય છે. જૈન ધર્મમાં ભક્તિનું લક્ષ્ય આરાધ્યને ખુશ કરીને કંઈ પ્રાપ્ત કરવાનું નથી. તેથી તેમાં દાસ્ય, સખ્ય કે માધુર્યભાવ જોવા મળતા નથી. અહીં સ્તુતિનું લક્ષ્ય આત્મા, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી બોધિલાભનું છે, જેના વડે કર્મમુક્ત થઈ સંસારમુક્ત થવાય.

પ્રાચીન જૈનાગમોમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરેમાં ઉપધાન-શ્રુતાધ્યયન અને વીરસ્તવ જેવી વિરલ ભાવનાત્મક સ્તુતિઓ જોવા મળે છે; પરંતુ મધ્યકાળમાં આવતાં ‘ઉવસગ્ગહર’, ‘સ્વયંભૂસ્તોત્ર’, ‘ભક્તામર’, ‘કલ્યાણમંદિર’ આદિ હૃદયંગમ ભાવનાત્મક સ્તોત્રો રચાયેલાં જોવા મળે છે. આ સ્તોત્રોમાં 24 તીર્થંકરોનાં ગુણકીર્તનનાં સ્તોત્રો મુખ્ય છે. તેમાં પણ અધિક સંખ્યા ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ સંબંધી સ્તોત્રોની છે. લગભગ એટલી જ સંખ્યા 24 તીર્થંકરોના સમ્મિલિત સ્તોત્રોની છે. ત્યારબાદ ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરનાં સ્તોત્રો ઓછી સંખ્યામાં છે, જ્યારે પંચપરમેષ્ઠીમાંના અન્ય પૂજ્યપુરુષોની સ્તુતિઓ અપેક્ષાકૃત અલ્પ મળે છે.

જૈન ધર્મનાં પ્રાચીનતમ સ્તોત્રો પ્રાકૃતમાં મળે છે. ભદ્રબાહુસ્વામિ- વિરચિત મનાતું ‘ઉગ્રસગ્ગહર’ સ્તોત્ર અત્યંત પ્રાચીન અને પ્રભાવક મનાય છે, જેના પર પાછળથી વિસ્તૃત પરિકર સાહિત્ય રચાયું છે. કુંદકુંદાચાર્યકૃત ‘તિત્થયરસુદ્ધિ’ તથા ‘સિદ્ધભક્તિ’ આદિ પણ પ્રાચીન છે.

અન્ય પ્રાકૃત સ્તોત્રોમાં નંદિષેણમુનિકૃત ‘અજિતશાંતિસ્તવન’, ધનપાલકૃત ‘ઋષભપંચાશિકા’ અને ‘વીરસ્તુતિ’, દેવેન્દ્રસૂરિના ‘ચત્તારિઅટ્ઠદસથવ’ ઇત્યાદિ અનેક સ્તોત્રો, ધર્મઘોષસૂરિકૃત ‘ઋષિમંડલસ્તોત્ર’, નન્નસૂરિકૃત ‘સત્તરિસયથોત્ર’ અને ‘મહાવીરસ્તવ’, પૂર્ણકલશગણિનું ‘સ્તંભનપાર્શ્વજિતસ્તવન’, જિનચંદ્રસૂરિનું ‘નમુક્કાર ફલપગરણ’ વગેરે ગણાય. દિગંબરોમાં પ્રચલિત પ્રાકૃત ‘નિર્વાણકાંડ- સ્તોત્ર’ પણ પ્રાકૃતનું મહત્વપૂર્ણ સ્તોત્ર છે.

સંસ્કૃત ભાષામાં તો જૈન સ્તોત્ર બહુમુખી ધારામાં વહ્યું છે. વિવિધ છંદોમાં, અલંકારયુક્ત, પાદપૂર્તિરૂપ, શ્લેષમય, દાર્શનિક અને તાર્કિક શૈલીમાં એમ અનેક પ્રકારનાં જૈન સંસ્કૃત સ્તોત્રોથી જૈનસાહિત્ય ભરપૂર ભર્યું છે.

દાર્શનિક શૈલીનાં સ્તોત્રોમાં આ. સમન્તભદ્રકૃત ‘સ્વયંભૂસ્તોત્ર’, ‘દેવાગમસ્તોત્ર’, ‘યુક્ત્યનુશાસન’ અને ‘જિનશતકાલંકાર’, આચાર્ય સિદ્ધસેન દિવાકરની કેટલીક દ્વાત્રિંશિકાઓ તથા આ. હેમચંદ્રકૃત ‘અયોગવ્યવચ્છેદ-દ્વાત્રિંશિકા’ અને ‘અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા’ મુખ્ય છે.

આલંકારિક શૈલીનાં સ્તોત્રોમાં શ્રીપાલનું ‘સર્વજિનપતિસ્તુતિ’, હેમચંદ્રશિષ્ય રામચંદ્રકૃત અનેક દ્વાત્રિંશિકાઓ તથા સ્તોત્રો, જયતિલકસૂરિકૃત ‘ચતુર્હારાવતિચિત્રસ્તવ’, શ્લેષમય શૈલીમાં વિવેકસાગરકૃત ‘વીતરાગસ્તવ’ (30 અર્થ), નયચંદ્રસૂરિકૃત ‘સ્તંભન- પાર્શ્વસ્તવ’ (14 અર્થ) તથા સોમતિલકસૂરિ અને રત્નશેખરસૂરિનાં અનેક સ્તોત્રો છે.

પાદપૂર્તિ રૂપે કે સમસ્યાપૂર્તિ રૂપે રચાયેલ સ્તોત્રોની સંખ્યા પણ ઓછી નથી. તેમાં માનતુંગસૂરિના પ્રસિદ્ધ ‘ભક્તામરસ્તોત્ર’ની પાદપૂર્તિ રૂપે રચાયેલ અનેક સ્તોત્રો મળે છે, જેમ કે સમયસુંદરકૃત ‘ઋષભભક્તામર’, લક્ષ્મીવિમલકૃત ‘શાંતિભક્તામર’, રત્નસિંહસૂરિકૃત ‘નેમિભક્તામર’, ધર્મવર્ધનગણિકૃત ‘વીરભક્તામર’ વગેરે. તે જ રીતે ‘કલ્યાણમંદિર’ની પાદપૂર્તિ રૂપે રચાયેલા ભાવપ્રભસૂરિવિરચિત ‘જૈન ધર્મવર સ્તોત્ર’, અજ્ઞાતકર્તૃક ‘પાર્શ્વનાથસ્તોત્ર’, ‘વીરસ્તુતિ’ વગેરે.

સંસ્કૃત ભાષાબદ્ધ વિશિષ્ટ સ્તુતિઓમાં દેવનંદિ પૂજ્યપાદ(છઠ્ઠી શતાબ્દી)ની ‘સિદ્ધભક્તિ’ વગેરે 12 ભક્તિઓ, પાત્રકેસરી(છઠ્ઠી શતાબ્દી)નું ‘પાત્રકેસરીસ્તોત્ર’, માનતુંગસૂરિ(સાતમી સદી)કૃત ‘ભક્તામર’, બપ્પભટ્ટિ(નવમી સદી)કૃત ‘સરસ્વતીસ્તોત્ર’, ‘શાંતિસ્તોત્ર’ આદિ, ધનંજય(આઠમી સદી)કૃત ‘વિષાપહાર’, જિનસેન(નવમી સદી)કૃત ‘જિનસહસ્રનામ’, વિદ્યાનંદકૃત ‘શ્રીપુરપાર્શ્વનાથસ્તોત્ર’, કુમુદચંદ્ર(અગિયારમી સદી)કૃત ‘કલ્યાણમંદિર’, શોભનમુનિ(અગિયારમી સદી)કૃત ‘ચતુર્વિંશતિસ્તવ’, વાદિરાજસૂરિકૃત ‘જ્ઞાનલોચનસ્તવ’, આચાર્ય હેમચંદ્ર(બારમી સદી)કૃત ‘વીતરાગસ્તોત્ર’, ‘મહાદેવસ્તોત્ર’, ‘મહાવીરસ્તોત્ર’ આદિ અનેક કૃતિઓ ગણાવી શકાય તેમ છે.

પાછળથી હિન્દી, રાજસ્થાની, ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષાઓમાં પણ વિપુલ સ્તુતિ-સ્તોત્રો રચાયાં છે અને રચાતાં રહ્યાં છે.

રમણિકભાઈ મ. શાહ