જૈન, શ્રેયાંસપ્રસાદ (જ. 3 નવેમ્બર 1908, નાજીબાબાદ; અ. 17 માર્ચ 1992, મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ તથા અગ્રણી સમાજસેવક. જાણીતા જમીનદાર શાહુ કુટુંબમાં જન્મેલા શ્રેયાંસપ્રસાદને નાનપણથી કુટુંબની મિલકતના વહીવટની જવાબદારી ઉઠાવવી પડી. સાથોસાથ યુવાન વયે નાજીબાબાદ નગરપાલિકાના ઉપપ્રમુખ તથા બિજનોર જિલ્લા બોર્ડની શિક્ષણ સમિતિના અધ્યક્ષની કામગીરી માથે લીધી. લાહોરની એક જાણીતી વીમા કંપનીના ઉપાધ્યક્ષ તરીકે 30 વર્ષની વયે તેમણે વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી. ત્યાંની વિવિધ સામાજિક સંસ્થાઓમાં પણ તેઓ સક્રિય થયા. આઝાદીની લડતમાં જોડાયા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ તેમને 2 માસનો જેલવાસ ભોગવવો પડ્યો.

તેઓ ધ્રાંગધ્રા કેમિકલ વર્ક્સના અધ્યક્ષ; બૉમ્બે હૉસ્પિટલના અધ્યક્ષ (1973–92); દિગંબર જૈન મહાસમિતિ, ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર, ભગવાન મહાવીર મેમૉરિયલ સમિતિ તથા ભારતીય જ્ઞાનપીઠ પ્રતિષ્ઠાનના પ્રમુખ રહ્યા. ભારતીય જ્ઞાનપીઠ પ્રતિષ્ઠાનનો ભારતીય ભાષાઓની સર્વોત્તમ સાહિત્યકૃતિને અપાતો ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ આ ક્ષેત્રે સૌથી ઊંચું સન્માન ગણાય છે. થોડાંક વર્ષોથી આ પ્રતિષ્ઠાને ‘મૂર્તિદેવી સાહિત્ય પુરસ્કાર’નો પ્રારંભ પણ કર્યો છે.

તેઓ અનેક ઔદ્યોગિક અને વ્યાપારી કંપનીઓના સંચાલક મંડળ(બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સ)ના સભ્ય હોવા ઉપરાંત 1952–58 દરમિયાન રાજ્યસભાના સભ્ય અને વેપારી મહાસંઘ (‘ફિક્કી’) તથા આલ્કલી મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયાના પ્રમુખપદે પણ રહ્યા.

તેઓએ અનેક મહત્વની સંસ્થાઓ તેમજ ટ્રસ્ટો સ્થાપ્યાં. દા. ત., નાજીબાબાદમાં મૂર્તિદેવી કન્યા પાઠશાળા, સ્ત્રીઓ માટે દીવાનસિંહ હૉસ્પિટલ, ધ્રાંગધ્રા ખાતે આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ધ્રાંગધ્રા કેમિકલ ચૅરિટેબલ ટ્રસ્ટ, ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં ‘શ્રેયાંસપ્રસાદ જૈન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ વગેરે.

સામાજિક, ઔદ્યોગિક અને શૈક્ષણિક સેવાઓની કદર રૂપે તેમને અનેક સન્માનો આપવામાં આવ્યાં છે. દા. ત., ભગવાન મહાવીર સુવર્ણચંદ્રક, ભારત સરકાર તરફથી ‘પદ્મભૂષણ’, ‘શ્રાવકશિરોમણિ’, ‘સમાજશિરોમણિ’, ‘સમાજરત્ન’, ‘સમાજગૌરવ’, ‘ભામાશા’, ‘જૈનરત્નમ્’, ‘જૈનધર્મભૂષણ’ વગેરે.

‘ઉર્દૂ શાયરી — મેરી પસંદ’ શીર્ષકથી તેમનું એક પુસ્તક પણ પ્રકાશિત થયું છે.

મહારાષ્ટ્ર સરકારે એપ્રિલ 1985માં તેમને સ્વાતંત્ર્યની લડતમાં સક્રિય ભાગ લેવા બદલ ખાસ સન્માનપત્ર એનાયત કર્યું હતું.

ઈન્દુભાઈ દોશી