મહેતા, રણજિતરામ વાવાભાઈ (જ. 25 ઑક્ટોબર 1881, સૂરત; અ. 5 મે 1917, મુંબઈ) : ગુજરાતની અસ્મિતાના ઉદગાતા, સાહિત્યકાર. શિક્ષણ અમદાવાદમાં. ગુજરાત કૉલેજમાંથી બી. એ. થયા. ત્યાં થોડો સમય ફેલો રહ્યા. ઉમરેઠમાં હાઈસ્કૂલના આચાર્ય. શૈક્ષણિક કારકિર્દીના આરંભકાળથી જ ગુજરાતી સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ, લોકસાહિત્ય આદિમાં જીવંત રસ હતો. ઇતિહાસમાં તેઓ નિપુણ હતા. કનૈયાલાલ મુનશીને તેમની ઐતિહાસિક નવલકથાઓ માટેની અધિકૃત માહિતી પૂરી પાડવામાં તજ્જ્ઞ તરીકે તેમનોયે ફાળો હતો.
ગુજરાતની અસ્મિતા એમના હૃદયમાં જ્વલંત હતી. મુનશીના શબ્દોમાં, તેઓ ‘એક વ્યક્તિ નહિ, પણ ભાવના હતા.’ ગુજરાતી પ્રજામાં સાહિત્ય વિશે સુરુચિ ઉદભવે અને તેને પુરોગામી સાક્ષરો વિશે ગૌરવનો અનુભવ થાય તે સારુ તેમણે સાક્ષર-જયંતીઓની ઉજવણી શરૂ કરી. સાક્ષરો અને સાહિત્યરસિકો વચ્ચે આદાનપ્રદાન સતત ચાલુ રહે તે માટે તેમણે 1904માં ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કરી. એ પહેલાં ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યયન-સંશોધન-વિવેચનને વેગ મળે તે માટે 1898માં સોશિયલ ઍન્ડ લિટરરી એસોસિયેશનની સ્થાપના કરી હતી.
એમણે સ્થાપેલી ગુજરાત સાહિત્ય સભાના અનુસંધાનમાં જ 1905માં ‘ગુજરાતી પ્રજાના જીવનને ઉન્નત બનાવવા માટે અને ગુજરાતમાં સાહિત્યિક આબોહવા સર્જવા માટે’ ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ હતી. સુપ્રસિદ્ધ સાક્ષર-નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીએ એનું પ્રથમ પ્રમુખપદ શોભાવ્યું હતું. એ ગુજરાતી સાહિત્ય પરિષદ એની ગતિશીલતા દ્વારા રણજિતરામનું અક્ષર સ્મારક બની રહેલ છે.
ગુજરાત સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય પરિષદની એક જ વર્ષ પૂર્વે 1904માં સ્થપાઈ હતી. તેની મુખ્ય કામગીરી સાક્ષર-જયંતીની ઉજવણીની તેમજ ઉત્તમ પુસ્તકોના પ્રકાશનની રહી છે. રણજિતરામના અવસાન પછી અત્યારે ગુજરાત સાહિત્ય સભા એમના સ્મરણાર્થે ગુજરાતી સાહિત્ય, કલા વગેરેમાં ઉત્તમ પ્રદાન કરનાર સર્જક-કલાકારને વર્ષોવર્ષ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરે છે. રણજિતરામને અતિ પ્રિય એવી પ્રતિવર્ષ પ્રગટ થતી સાહિત્યકૃતિઓની સમીક્ષાનું કાર્ય પણ તે કરે છે. ખુદ રણજિતરામે પણ ‘ઈશુનું વરસ 1908’માં એ વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોની સમીક્ષા કરી છે. ગુજરાતની અસ્મિતા વિકસે તે માટે રણજિતરામે સાહિત્યનાં અધ્યયન-સંશોધન-વિવેચન ઉપરાંત ગુજરાતના ઇતિહાસનું આલેખન થાય તેવી ભાવના પણ સેવી હતી. તે માટે તેમણે પોતે વિવિધ પ્રકારની માહિતી-સામગ્રી પણ એકત્ર કરી હતી; પણ એમનો એ મનોરથ એમના અકાળ અવસાનને કારણે પૂર્ણ થઈ શક્યો નહિ. રણજિતરામનો એક વિશેષ રસ લોકસાહિત્યમાં હતો. તેમણે તે માટે એક લેખ પણ લખ્યો હતો, અને થોડુંક પાયાનું કામ પણ શરૂ કર્યું હતું. એ કાર્ય પણ ઉપર્યુક્ત કારણે અધૂરું રહી ગયું.
રણજિતરામે નિબંધો, નવલકથા, નાટક, ટૂંકી વાર્તા આદિમાં પણ કલમ અજમાવી હતી. એમનો ‘રણજિતકૃતિસંગ્રહ’ 1921માં કનૈયાલાલ મુનશીના ઉપોદઘાત સાથે મરણોત્તર પ્રગટ થયો હતો. એવું જ એક બીજું મરણોત્તર પ્રકાશન તે ‘રણજિતરામના નિબંધો’ (1923).
ગુજરાતી સાહિત્ય પરિષદે એમની સમગ્ર ગદ્યકૃતિઓનો સંગ્રહ એમની જન્મશતાબ્દી નિમિત્તે ‘રણજિતરામ ગદ્યસંચય–1–2’ શીર્ષકથી 1982માં પ્રગટ કરીને એમની સાહિત્યસેવાઓનું યોગ્ય તર્પણ કર્યું છે. એ ગદ્યસંચયમાં ‘સાહેબરામ’, ‘સાહેલીઓ’ અને ‘મંગળા’ જેવી તેમની અપૂર્ણ નવલકથાઓ; ‘હીરા’, ‘દોલત’, ‘ખવાસણ’ અને ‘માસ્તર નંદનપ્રસાદ’ જેવી વાર્તાઓ તથા ‘તેજસિંહ’ નાટક સમાવિષ્ટ છે.
રણજિતરામે ખાસ શોખથી ગુજરાતમાં લોકગીતોનું પણ પ્રથમ વાર સંશોધન તથા શાસ્ત્રીય સંપાદન ‘લોકગીત’ નામથી પ્રગટ કર્યું હતું.
રણજિતરામની પ્રતિભા બહુમુખી હતી. જીવનનાં સાહિત્ય, કલા, લોકસાહિત્ય અને ઇતિહાસ જેવાં અનેક ક્ષેત્રોમાં તેમની પ્રતિભાનો જીવંત અને સર્જનાત્મક ઉન્મેષ તથા સ્પર્શ જોઈ શકાય છે. ગુજરાત માટે તેમના અનન્ય ભાવનું પ્રતિબિંબ તેમણે આદરેલી વિવિધ પ્રવૃત્તિઓમાં પડે છે.
સાહિત્યસંસ્થાઓની સ્થાપના એ તેમનું ચિરસ્થાયી પ્રદાન છે. રણજિતરામ માત્ર 36 વર્ષની વયે જૂહુના દરિયામાં અકસ્માતે ડૂબી જવાથી અવસાન પામ્યા, પણ એમણે ગુજરાતને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પાઠવેલું અનોખું માર્ગદર્શન તેમની કાયમી સ્મૃતિરૂપ છે.
મધુસૂદન પારેખ