જેસલ-તોરલ : લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેનું નિર્માણ બે વાર થયું. 1948માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું. વાર્તા–સંવાદ–ગીતો પ્રફુલ્લ દેસાઈએ લખ્યાં અને સંગીત અવિનાશ વ્યાસે આપ્યું. તેનાં દસ ગીતોમાં સ્વર ચંદ્રકલા, રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી અને એ. આર. ઓઝાના હતા. મુખ્ય કલાકારોમાં રાણી પ્રેમલતા, છનાલાલ, ચિમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમિલ, મૂળચંદ (ખીચડી) વગેરે હતાં.
1971માં નિર્મિત ‘જેસલ–તોરલ’માં નિર્માણ : કાંતિ દવે તથા ટી. જે. પટેલ, દિગ્દર્શન : રવીન્દ્ર દવે, પટકથા : હિંમત દવે, ગીત-સંગીત : અવિનાશ વ્યાસ, સ્વર : મહેન્દ્રકપૂર, આશા ભોંસલે, રંગલાલ નાયક, સુલોચના વ્યાસ, સુમન કલ્યાણપુર, ઇસ્માઇલ વાલેરા, કૃષ્ણા કલ્લે તથા દિવાળીબહેન ભીલના હતા. પ્રમુખ કલાકારો : ઉપેન્દ્ર ત્રિવેદી, અનુપમા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, જયંત ભટ્ટ, મૂળરાજ રાજડા, જયશ્રી ટી. વગેરે. ઈસ્ટમૅન કલરમાં તૈયાર થયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું.
પાપ-પુણ્યના સંઘર્ષને આલેખતી જેસલ-તોરલની કથા કચ્છની ધરતી પર સર્જાયેલી ઐતિહાસિક-લોકોક્તિ આધારિત ઘટના છે. અત્યાચારી જેસલ અને પુણ્યવંતી નારી તોરલના સંઘર્ષની આ કથા છે. જેસલ અને નારાયણજી બંને ભાઈઓ છે. પિતાના મૃત્યુ પછી મોટો ભાઈ નારાયણજી રાજધુરા સંભાળે છે. લાડકોડમાં ઉછેર પામેલો જેસલ સ્વચ્છંદી બને છે, ભાઈ-ભાભી નારાયણજી અને રાજબાનો શિરચ્છેદ કરે છે. મિત્રોની ચડવણીથી જેસલ એક દિવસ સાંસતિયા નામના ધાર્મિક પુરુષને ત્યાંથી તેની પાલકપુત્રી તોરલ, તેની પાણીપંથી વેગીલી ઘોડી અને દૈવી તલવારની ચોરી કરવા જાય છે. ચોરી કરવા છુપાયેલો જેસલ પ્રભુપ્રસાદ વહેંચવા નીકળેલી તોરલદેવીના હાથે પ્રગટ થઈ ગયો. સતી તોરલે આ પાપી જેસલનો ઉદ્ધાર કરવા મનોમન નિશ્ચય કર્યો અને પાપીનાં પાપ ધોવા તોરલ તેની સાથે વહાણમાં ચાલી નીકળી. જેસલનું વહાણ જેસલના પાપનાં ભારે મધદરિયે ડૂબવા લાગ્યું ત્યારે તોરલના બોધથી તેણે પસ્તાવો પ્રગટ કર્યો. જેસલનાં પાપ પ્રાયશ્ચિત્તથી ધોવાઈ ગયાં. સતી તોરલ અને જેસલે પ્રભુભક્તિમાં શેષ જીવન વ્યતીત કર્યું.
કચ્છમાં જેસલ–તોરલની સમાધિ છે.
હરીશ રઘુવંશી