જેસલમેર : રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 55’ ઉ. અ. અને 70° 54’ પૂ. રે.. આજુબાજુનો 38,401 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ પાકિસ્તાનની સીમા, ઈશાન, પૂર્વ અને દક્ષિણ તરફ અનુક્રમે રાજ્યના બિકાનેર, જોધપુર અને બાડમેર જિલ્લા આવેલા છે. જિલ્લામથક જેસલમેર જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાનો ઘણોખરો વિસ્તાર રણથી છવાયેલો છે. રણવિસ્તાર રેતીવાળો, સૂકો અને પાણીની અછતવાળો છે. જેસલમેરની નજીકમાં અંદાજે 60 કિમી.ની ત્રિજ્યામાં નાની-મોટી ડુંગરધારો તથા અસમતળ ખડકાળ મેદાનો આવેલાં છે. રણપ્રદેશમાં જુદા જુદા આકાર અને કદવાળા સ્થિર તેમજ અસ્થિર રેતીના ઢૂવા જોવા મળે છે. ક્યાંક ક્યાંક જોવા મળતી રેતીની ટેકરીઓ છે, જો ત્યાં થોડો પણ વરસાદ પડે તો તે હરિયાળી બની શકે અને ગોચરોમાં ફેરવાઈ શકે એવી શક્યતા છે. આ ટેકરીઓની ઊંચાઈ 60થી 100 મીટરની છે, તે બોરડી અને ખીજડાથી આચ્છાદિત છે. પોખરણની આજુબાજુ ગ્રેવલ-મરડિયાના થર પથરાયેલા છે. ઇંદિરા ગાંધી નહેર આ જિલ્લાના ઉત્તર અને પશ્ચિમ ભાગમાંથી પસાર થાય છે. ખેતીને તેનો લાભ મળે છે.

જિલ્લાનો નકશો

અહીં કોઈ કાયમી નદી કે કુદરતી સરોવર નથી, રુપસી ગામ પાસે ભુજઝીલ નામનું એક તળાવ છે. ચોમાસામાં વરસાદ પડે તો નીચાણવાળા ખાડાઓ પાણીથી ભરાય છે, તેનાં પાણી જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવાય છે. અહીંની ભૂગર્ભજળસ્તરની સપાટી 40થી 45 મીટર જેટલી ઊંડી છે.

ખનિજો : આ જિલ્લામાં મુલતાની માટી, મૃદ, ગેરુ, ચિરોડી, ફોસ્ફોરાઇટ (સુપર ફૉસ્ફેટ ખાતરો માટે) અને ચૂનાખડકો મળે છે. તેલ અને વાયુ પંચ તરફથી તેલખોજ માટે કસોટી શારકામો કરેલાં છે.

જંગલો : જિલ્લાનો માત્ર 1.5 % જેટલો વિસ્તાર (અંદાજે 60,000 હેક્ટર ભૂમિ) જંગલ આચ્છાદિત છે. અહીંની શુષ્ક આબોહવાને કારણે જંગલો આવેલાં નથી, માત્ર જિલ્લાના ઈશાન ભાગમાં 50 ચોકિમી. જેટલા વિસ્તારમાં નાનો પટ્ટો જંગલવાળો છે. અન્ય વનસ્પતિનું આચ્છાદન પણ નહિવત્ છે. અહીં અયનવૃત્તીય કાંટાળાં ઝાંખરાં જોવા મળે છે. અહીંનાં મુખ્ય વૃક્ષોમાં બાવળ, ગૂગળ, બડા પીલુ, છોટા પીલુ, રગતરોહિડો, બોરડી, ખીજડા અને થોડા પ્રમાણમાં લીમડા જોવા મળે છે. આકડા, થોર અને સાંઠીના છોડ નજરે પડે છે.

આબોહવા : અહીંના ઉનાળા-શિયાળાનાં તાપમાન વિષમ રહે છે. વરસાદનું પ્રમાણ તદ્દન ઓછું છે. ઉનાળા-શિયાળાના દિવસ-રાત્રિનાં તાપમાન અનુક્રમે 40° સે. અને 17° સે. તથા 30° સે. અને 7° સે. જેટલાં રહે છે.

ખેતીપશુપાલન : બાજરો, જુવાર, મગ, મઠ, ચણા અહીંના મુખ્ય પાક છે. થોડા પ્રમાણમાં ઘઉંનું વાવેતર પણ થાય છે. શાકભાજીમાં મૂળા, ડુંગળી, રીંગણ અને કાકડી થાય છે. વરસાદની અછતને કારણે અહીં ખાતરોનો ઉપયોગ થઈ શકતો નથી. 1960 પછી અહીં નળ-કૂવા (ટ્યૂબ-વેલ) બનાવ્યા છે, તેથી તે વિસ્તારોમાં ખાતરો ઉપયોગમાં લેવાતાં થયાં છે.

ઢોરનું પ્રમાણ આ જિલ્લામાં ઓછું છે. ઊંટ અહીંનું મુખ્ય પ્રાણી છે. બકરાં-ઘેટાંનો ઉછેર તેમના ઊન અને માંસ ઉત્પાદન માટે કરવામાં આવે છે.

ઉદ્યોગોવેપાર : આ જિલ્લો ઉદ્યોગોની ર્દષ્ટિએ પછાત છે, કુદરતી પરિસ્થિતિ અનુકૂળ નથી. માત્ર ગૃહઉદ્યોગ-કુટિર-ઉદ્યોગ વિકસ્યા છે. બરછટ સુતરાઉ કાપડ, ઊની શાલ, ઊની ધાબળા, ઊંટના વાળની ચટાઈઓ-ગાલીચા, બકરીના વાળની બૅગ વગેરે તૈયાર કરવામાં આવે છે. ગૃહઉદ્યોગો માટે રાજ્ય સરકાર તરફથી ધિરાણ મળી રહે છે.

આ જિલ્લામાં નિયમિત બજાર નથી. માત્ર જેસલમેર અને પોખરણમાં ગૃહઉદ્યોગના ઉત્પાદનની ચીજવસ્તુઓનાં વિતરણ કેન્દ્રો આવેલાં છે. નાનોમોટો છૂટક વેપાર ગામડાંઓમાં ચાલે છે. જ્યાં મેળા ભરાય છે ત્યાં ચીજોનું વેચાણ વધુ થાય છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લો રેલમાર્ગો અને સડકમાર્ગોથી સારી રીતે સંકળાયેલો છે. જેસલમેર જોધપુર સાથે સંકળાયેલું રહે છે. જોધપુર ખાતે હવાઈ મથકની સુવિધા હોવાથી જેસલમેર મુંબઈ, દિલ્હી, જયપુર, ઉદયપુર અને અમદાવાદ જઈ શકાય છે. એ જ રીતે જેસલમેર, જોધપુર, બિકાનેર, જયપુર, ઉદયપુર, દિલ્હી સાથે રાજ્ય ધોરી માર્ગોથી જોડાયેલું છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 15 પસાર થાય છે.

જેસલમેરનો કિલ્લો

જિલ્લાનાં મહત્વનાં પ્રવાસન મથકોમાં જૂના જેસલમેર દેશી રાજ્યનું રાજધાનીનું સ્થળ લોદ્રવા, રામદેવરા, સામ, જેસલમેર કિલ્લો સોનાર કિલ્લો, ગદીસર તળાવ, ગદીસર પ્રવેશદ્વાર, અમરસાગર, બડાબાગ, મૂલસાગરનો સમાવેશ થાય છે. અહીં વર્તમાન પૂર્વ અંદાજે 18 કરોડ વર્ષ પૂર્વેની જુદી જુદી વનસ્પતિના જીવાવશેષોની જાળવણી ‘Fossil Wood-Park’માં કરેલી છે. આ ઉપરાંત જિલ્લામાં કલાકારીગરી ધરાવતી હવેલીઓ જોવાલાયક છે. જુદાં જુદાં સ્થળે વાર-તહેવારે મેળા ભરાતા રહે છે. રાજ્ય સરકાર શિયાળાની ઋતુમાં ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન રણોત્સવ પરંપરાગત રીતે ઊજવે છે. દેશ-પરદેશના પ્રવાસીઓ તેની મુલાકાત લે છે.

વસ્તીલોકો : 2011 મુજબ જેસલમેરની વસ્તી 6,72,008 જેટલી છે. શહેરોમાં શિક્ષણનું પ્રમાણ 70 % જેટલું જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 30 % જેટલું છે. હિંદી અહીંની મુખ્ય ભાષા છે. જેસલમેર અને પોખરણ અહીંનાં મુખ્ય શહેરો છે. જિલ્લામાં દવાખાનાં; ચિકિત્સાલયો, પ્રાથમિક સારવાર કેન્દ્રો અને બાળકલ્યાણ કેન્દ્રોની સુવિધા છે.

ગિરીશભાઈ પંડ્યા