જેવૉન્સ, વિલિયમ સ્ટૅન્લી

January, 2012

જેવૉન્સ, વિલિયમ સ્ટૅન્લી (જ. 1835 લિવરપૂલ; અ. 1882, લંડન) : પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. પ્રાકૃતિક વિજ્ઞાનમાં પદવી પ્રાપ્ત કર્યા પછી 1853–59 દરમિયાન ઑસ્ટ્રેલિયન ટંકશાળમાં સિક્કા પરીક્ષક (assayer) તરીકે સેવા આપી. 1863માં લંડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ. થયા. 1866માં મૅન્ચેસ્ટર યુનિવર્સિટીની ઓવેન્સ કૉલેજમાં કૉબડેન પ્રોફેસર ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી તરીકે નિમાયા. 1876માં યુનિવર્સિટી કૉલેજ લંડન ખાતે પોલિટિકલ ઇકૉનૉમીના પ્રાધ્યાપક બન્યા. 1870માં સીમાવર્તી તુષ્ટિગુણનો સિદ્ધાંત રજૂ કરનારા 3 અર્થશાસ્ત્રીઓમાંના તે પણ એક હતા. કોઈ પણ બે વસ્તુઓ વચ્ચેના વિનિમય દરમિયાન તે બે વસ્તુઓની કિંમતોનો ગુણોત્તર તે વસ્તુઓના સીમાવર્તી તુષ્ટિગુણ બરાબર થાય છે એવું આ સિદ્ધાંતમાં પ્રતિપાદિત કરાયું છે.

વિલિયમ સ્ટૅન્લી જેવૉન્સ

સમાજશાસ્ત્રી અને સિદ્ધાંત ઘડનાર હોવાથી જેવૉન્સે આર્થિક ઘટનાઓને નિયમોમાં ઢાળવાનો પ્રયાસ કર્યો. તેમની વિચારપદ્ધતિમાં તર્કશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એ ત્રણેનો સમન્વય સધાયેલો દેખાય છે. અર્થપરાયણ માનવી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ કેવી રીતે કરે છે તેના વિશ્લેષણ પર જેવૉન્સે ભાર મૂકેલો હોવાથી તેણે રજૂ કરેલ અર્થશાસ્ત્રમાં વપરાશને કેન્દ્રમાં રાખવામાં આવી છે. તેમની વિચારસરણી મુજબ અર્થપરાયણ માનવીની અનંત જરૂરિયાતો સંતોષવાની બાબત એ જ અર્થશાસ્ત્રની મુખ્ય સમસ્યા છે. તેમના મત મુજબ આર્થિક સાધનો વડે મહત્તમ સુખાકારી પ્રાપ્ત કરવી એ જ અર્થપરાયણ માનવીનું મુખ્ય ધ્યેય હોય છે. વાસ્તવિક, અપેક્ષિત અને સંભાવ્ય તુષ્ટિગુણ વચ્ચે કેવો ભેદ રહેલો છે તે જેવૉન્સે દર્શાવ્યું.

મૂડી, વ્યાપારચક્ર, વેતન તથા કિંમતોમાં થતા ફેરફારો જેવા વિષયોને લગતા સિદ્ધાંતોમાં તેમનું પ્રદાન મહત્વનું ગણાય છે. કેટલાક સંજોગોમાં અર્થવ્યવસ્થામાં રાજ્યની દરમિયાનગીરી તેમણે વાજબી ઠરાવેલ છે.

‘થિયરી ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી’ (1871) જેવી તેમની મુખ્ય કૃતિ ઉપરાંત તેમનો ‘ઇન્વેસ્ટિગેશન ઇન કરન્સી ઍન્ડ ફાઇનાન્સ’ (1884) ગ્રંથ પણ જાણીતો છે.

નદીમાં ડૂબી જવાથી માત્ર 47 વર્ષની વયે તેમનું અવસાન થયું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે