જેલી પ્રાણી (jelly fish) : દરિયાઈ પાણીમાં તરતાં કોષ્ઠાંત્રી (coelenterata) સમુદાયના સ્કાયફોઝોઆ વર્ગનાં પ્રાણી. શરીર મૃદુ જેલી જેવાં, આકારે ઘંટી જેવાં. કચ્છના અખાતમાં પાણીના ઉપલે સ્તરે સારી રીતે પ્રસરેલાં હોય છે. ઘણી વાર ઓટ સમયે દરિયાકાંઠે જેલીના લોચા જેવા આકારનાં ઘણાં પ્રાણીઓ નજરે પડે છે. ભરતી વખતે કિનારા તરફ તરીને આવેલાં આ જેલી પ્રાણીઓ ઓટ વખતે દરિયાકાંઠે ફસાઈ જાય છે. સ્વરૂપે તે ઘુમ્મટ, છત્રી કે તકતી જેવા આકારનાં હોય છે. સાયાનિયા આર્કટિકા (cyanea arctica) નામનું જેલી પ્રાણી સૌથી મોટા વ્યાસની છત્રી (20થી 25 સેમી. વ્યાસવાળી) ધરાવે છે. અપવાદ રૂપે કેટલાંક સાયાનિયાનો વ્યાસ 2 મી. જેટલો હોય છે. સૌથી મોટું 2.28 મી. વ્યાસનું 36.5 મી. લાંબું અંગ ધરાવતું જોવા મળ્યું છે. હૃદયની જેમ સ્પંદન કરતું અને ખાબોચિયામાં વાસ કરતું કૅસિયોપિયા જેલી પ્રાણી સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. જેલીની ચપટી તકતી જેવું દેખાતું 3થી 6 સેમી. વ્યાસવાળું ઇક્વેરિયા પ્રાણી દરિયાકિનારે જ્યાંત્યાં જોવા મળે છે. ક્યુબોમેડ્યુસી શ્રેણીના ઘન આકારનાં જેલી પ્રાણીઓ (દા. ત., સી – વાસ્પ) પોતાની આસપાસ સંમોહક વિષનો સ્રાવ કરતાં હોય છે. કેટલીક વાર તે માનવી માટે પ્રાણઘાતક નીવડે છે. આમ તો અન્ય કોષ્ઠાંત્રી પણ સંમોહક વિષનો સ્રાવ કરતાં હોય છે. તેથી કિનારે અસહાય સ્થિતિમાં પડેલાં સાયાનિયા જેવાં પ્રાણીઓને બને ત્યાં સુધી અડવું જોઈએ નહિ. પાણીમાં તરતાં આ પ્રાણીઓ નજીકથી પસાર થતાં પગે ખૂજલી આવે છે.
જેલી પ્રાણીઓનું વર્ગીકરણ નીચે જણાવેલી શ્રેણીઓમાં કરવામાં આવે છે :
(1) સ્ટૉરોમેડ્યુસી : છત્રી જેવા આકારનાં, કદમાં નાનાં, વ્યાસ 2થી 3 સેમી., તેનાં સૂત્રાંગો (tentacles) 8 સમૂહોમાં વહેંચાયેલાં હોય છે.
(2) ક્યુબોમેડ્યુસી (કેરિબ્ડેઇડા) : ઘંટી જેવું સ્વરૂપ, પણ ચારે બાજુએથી સહેજ ચપટાં એટલે કે ઘન આકારનાં હોય છે. તેના ચારેય ખૂણેથી એકલ અથવા તો સમૂહમાં સૂત્રાંગો નીકળે છે. દા. ત., સી-વાસ્પ.
(3) કોરોનાટે : શંકુ, ઘુમ્મટ કે ચપટા આકારનું શરીર – કેટલાંક પ્રાણીઓ દરિયાના તળિયે વાસ કરતાં હોય છે.
(4) સિમાઇયોસ્ટોમી : આકારે તેનું શરીર ઘુમ્મટવાળું, ચપટ કે છત્રીના જેવું. આ શ્રેણીનાં મોટા ભાગનાં પ્રાણીઓ ઉષ્ણકટિબંધ પ્રદેશમાં જોવા મળે છે. દા. ત., ઑરેલિયા, સાયનિયા, પેલાજિયા.
જેલી પ્રાણીનું શરીર દ્વિસ્તરીય એટલે કે બાહ્ય સ્તર (ectoderm) અને અંત:સ્તર(endoderm)નું બનેલું હોય છે. તેના શરીરના ઉપલા છત્રી જેવા આકારના ભાગને છત્રક કહે છે. તેની નીચેની સપાટીના મધ્યભાગમાં મુખછિદ્ર આવેલું હોય છે. કેટલાંક જેલી પ્રાણીઓમાં મધ્યભાગમાં એક પ્રવર્ધ આવેલું હોય છે અને તેની મધ્યમાં મુખછિદ્ર આવેલું હોય છે. મુખછિદ્રની ફરતે સૂત્રાંગો આવેલાં હોય છે. કેટલાંક પ્રાણીઓમાં આ સૂત્રાંગો 4, 6 અથવા 8 સમૂહોમાં ગોઠવાયેલાં હોય છે. સૂત્રાંગો પરથી ડંખાંગો નીકળે છે, જે સંમોહક વિષનો સ્રાવ કરે છે. સ્નાયુઓની મદદથી આ પ્રાણી તાલબદ્ધ પ્રચલન કરે છે. પ્લવન- ક્રિયા દરમિયાન છત્રક દ્વારા પાણીની સેર છોડી સહેલાઈથી તરતાં હોય છે તેને જલપ્રણોદન (hydropropulsion) કહે છે.
એનો ખોરાક સમુદ્રવાસી સૂક્ષ્મજીવો(plankton)નો હોય છે. મુખ, હસ્તો અને સૂત્રાંગોથી ભક્ષ્યને પકડીને ડંખકોષોથી બેભાન કરીને આરોગે છે. પાચન અને પરિવહનતંત્ર સંયુક્ત હોય છે. પાચન કોષ્ઠાંત્ર(coelenteron)માં થાય છે. તે કાર્બોદિતો, તેલો, ચરબી, પ્રોટીન તથા કાઇટિન જેવા પદાર્થોને પચાવી શકે છે. શરીરસપાટી વડે શ્વસન અને ઉત્સર્જન ક્રિયા થાય છે. ચેતાતંત્ર દ્વિશાખિત ચેતાકોષોથી રચાયેલ જાલિકાનું વિકસિત તંત્ર હોય છે. વિવિધ સંવેદનગ્રાહી અંગો હોય છે, જેમાં મુખ્ય સંતુલન અને પ્રકાશગ્રાહી અંગો છે.
જેલી પ્રાણી દ્વિલિંગી છે. લિંગભેદ નથી. નરમાં પ્રજનન કોષો જઠરમાંથી મુખના છિદ્ર દ્વારા બહાર આવે છે અને પાણી પ્રવાહ સાથે આકસ્મિક માદાના જઠરની કોથળીમાં પ્રવેશી ફલન કરે છે. ફલિતાંડ માદાના મુખછિદ્રથી બહાર આવી પક્ષ્મધારી પ્લેનુલામાં વિકાસ પામે છે, જે પક્ષ્મ ગુમાવીને સ્કિફિસ્ટોમામાં રૂપાંતર પામે છે. તેની રચના જળવ્યાળ જેવી પાદતલ, મુખ અને સૂત્રાંગો જેવાં અંગોમાં વિભાજિત હોય છે, જે ખોરાક ગ્રહણ કરી 12 મિમી.ની ઊંચાઈ મેળવે છે. તેનું પ્રજનન ત્યારબાદ સ્કિફિસ્ટોમાનો અનુપ્રસ્થ તલથી વિભાજન થાય છે અને સ્ટ્રોબિલાનો વિકાસ થાય છે, જેના દરેક ખંડ છૂટા પડીને તેનો વિકાસ ઇફીરા ડિમ્ભ તરીકે થાય છે. આકાર નાના છત્રક સ્વરૂપનો હોય છે.
અનેક વર્ષોની આયુર્મર્યાદા ધરાવતું પ્રાણી ગ્રીષ્મ ઋતુમાં ખોરાક ગ્રહણ કરી કલિકાસર્જન (અલિંગી) દર્શાવે છે, જ્યારે શિયાળામાં ઇફીરા ડિમ્ભ ઉત્પન્ન કરી લિંગી પ્રજનન દર્શાવે છે.
નયન કે. જૈન